વડાપ્રધાને ગુજરાતની જનતાને આપી 3 મોટી ભેટ, એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું ઈ લોકર્પણ

PM મોદીના હસ્તે ગિરનાર રોપ-વે, કિસાન સૂર્યોદય, UN મહેતા કાર્ડિયાક હોસ્પિટલનું ઇ-લોકાર્પણ કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ત્રણ પરિયોજનાઓનું ઈ- લોકાર્પણ કર્યું. જેમાં યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સાથે સંલગ્ન પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલ, કિસાન સૂર્યોદય યોજના અને ગિરનાર રોપવેનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ આજે મહેતા હોસ્પિ.માં પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું હતું. તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સાથે સંલગ્ન પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું હતું. સાથે જ તેમણે ‘કિસાન સૂર્યોદય યોજના’ અને ‘ગિરનાર રોપવે’નું પણ ઈ- લોકાર્પણ કર્યું હતું. આ યોજનાઓના ઈ-લોકાર્પણમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલે સંબોધન કર્યું હતું. ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ પરિયોજનાઓનું ઈ-લોકાર્પણ કર્યું હતું. 

યોજનાઓને લોકાર્પણ કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજે ગુજરાતમાં ત્રણ મહત્વના પ્રોજેક્ટની શરૂઆત થઈ રહી છે. આ ત્રણેય એક પ્રકારે ગુજરાતની શક્તિ, ભક્તિ અને સ્વાસ્થયના પ્રતિક છે. ગુજરાત હંમેશાથી સાધારણ સામ્યર્થવાળા લોકોની ભૂમિ રહી છે. બાપુથી લઈને સરદાર પટેલ સુધીના લોકોએ દેશને સામાજિક અને આર્થિક નેતૃત્વ આપ્યું છે. કિસાન યોજનાથી ગુજરાત ફરી એકવાર નવી પહેલથી સામે આવ્યું છે. સુજલામ સુફલામ ને સૌની યોજના બાદ સૂર્યોદય યોજના ગુજરાતના ખેડૂતો માટે પાયાનો પત્થર સાબિત થશે. વીજળીના ક્ષેત્રમાં વર્ષોથી ગુજરાતમાં જે કામ થઈ રહ્યા હતા તે આ યોજનાના મોટા આધાર બન્યા હતા. એક સમયે ગુજરાતમાં વીજળીની અછત હતી. 24 કલાક વીજળી આપવી મોટી ચેલેન્જ રહેતી. આ કારણે અન્ય બાબતો પ્રભાવિત થતી. આ કારણે મિશન મોડ પર કામ કરવામાં આવ્યું. સૌર ઉર્જા માટે એક દાયકા પહેલા વ્યાપક નીતિ બનાવનાર ગુજરાત દેશનું પહેલુ રાજ્યું હતું. 2010માં પાટણમાં સોલાર પાવર પ્લાન્ટનું ઉદઘાટન થુયં હતું. ત્યારે કોઈએ કલ્પના ન કરી હતી કે ભારત દુનિયાને રસ્તો બતાવશે. ભારત સોલાર પાવરના ઉત્પાદન અને ઉપયોગ બંને મામલે દુનિયાના અગ્રણી દેશોમાં છે. 

પ્રધાનમંત્રીએ ખેડૂતોને નવો મંત્ર આપ્યો 

પીએમ મોદીએ ખેડૂતોને  ‘પર ડ્રોપ, મોર ક્રોપ’ મંત્ર આપ્યો. દિવસમાં વીજળી મળશે તો પાણી બચાવવા પર જોર આપવું પડશે. એવુ નહિ કરીએ તો ગુજરાત બરબાદ થઈ જશે. દિવસમાં વીજળી મળવાથી ખેડૂતો માટે માઈક્રો ઇરિગેશનની વ્યવસ્થા કરવી સરળ બની જશે. ગુજારતે આ દિશામાં અનેક પ્રગતિ કરી છે. આ યોજનાથી તેના વિસ્તારમાં મદદ મળશે. યુએન મહેતા હોસ્પિટલ વિશે કહ્યું કે, હાર્ટની હોસ્પિટલ દેશભરના લોકો માટે મોટી સુવિધા છે. બે દાયકામાં ગુજરાતે આરોગ્ય ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ કર્યું છે. મેડિકલ કોલેજ, હેલ્થ સેન્ટર, ગામને સુવિધા આપવાનું મોટું કામ કર્યું છે. દેશમાં પણ હવે સ્વાસ્થય સેવા યોજના શરૂ થઈ છે, તેનો લાભ પણ ગુજરાતને મળી રહ્યો છે. જેનરિક સ્ટોર ગુજરાતમાં ખૂલ્યા છે. તેમાંથી 100 કરોડની બચત ગુજરાતના સામાન્ય દર્દીઓને મળી છે. 

કિસાન સૂર્યોદય યોજના

ગુજરાત સરકારે મુખ્યમંત્રી વિજય રુપાણીના નેતૃત્વમાં સિંચાઈ માટે દિવસે વીજળીનો પુરવઠો પ્રદાન કરવા તાજેતરમાં ‘કિસાન સૂર્યોદય યોજના’ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારે પાંચ વાગ્યાથી સવારના નવ વાગ્યા સુધી વીજળીના પુરવઠાનો લાભ મળી શકશે. રાજ્ય સરકારે વર્ષ 2023 સુધી આ યોજના અંતર્ગત ટ્રાન્સમિશન માળખાગત સુવિધા માટે રૂ. 3500 કરોડનું બજેટ ફાળવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 220 કેવી સબસ્ટેશન ઉપરાંત કુલ 3490 સર્કિટ કિલોમીટર (સીકેએમ)ની લંબાઈ ધરાવતી 234 ‘66-કિલોવોટ’ ટ્રાન્સમિશન લાઇન સ્થાપિત થશે.

આ યોજના અંતર્ગત વર્ષ 2020-21માં દાહોદ, પાટણ, મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, તાપી, વલસાડ, આણંદ અને ગીર-સોમનાથને સામેલ કરવામાં આવ્યાં છે. બાકીના જિલ્લાઓને વર્ષ 2022-23 સુધી ક્રમશઃ રીતે આવરી લેવામાં આવશે.

યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સાથે સંલગ્ન પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલ

પ્રધાનમંત્રી અમદાવાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સાથે સંલગ્ન પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ટેલી-કાર્ડિયોલોજી માટે એક મોબાઇલ એપ્લિકેશનનો આરંભ કરશે. યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ હવે કાર્ડિયોલોજીમાં ભારતની સૌથી મોટી હોસ્પિટલ બની જશે. વળી આ ઇન્સ્ટિટ્યૂટ આંતરરાષ્ટ્રીય સ્તરની તબીબી માળખાગત સુવિધા અને તબીબી સુવિધાઓ ધરાવતી દુનિયાની પસંદગીની ખૂબ ઓછી હોસ્પિટલોમાં પણ સામેલ છે.

યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીનું વિસ્તરણ રૂ. 470 કરોડના ખર્ચે ચાલી રહ્યું છે. આ વિસ્તરણ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી બેડની સંખ્યા 450થી વધીને 1251 થઈ જશે. ઇન્સ્ટિટ્યૂટ દેશમાં સૌથી મોટી સિંગલ સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ બની જશે. અને દુનિયામાં સૌથી મોટી સિંગલ સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક હોસ્પિટલ પૈકીની એક પણ બની જશે.

એની ઇમારત ધરતીકંપ પ્રૂફ નિર્માણ, અગ્નિશામક હાઇડ્રન્ટ સિસ્ટમ અને ફાયર મિસ્ટ સિસ્ટમ જેવી સલામતીની સાવચેતીઓ સાથે સજ્જ છે. સંશોધન કેન્દ્રમાં ભારતની પ્રથમ ઓટી સાથે એડવાન્સ કાર્ડિયાક આઇસીયુ ઓન વ્હીલ્સ હશે, જે વેન્ટિલેટર્સ, આઇએબીપી, હીમોડાયાલીસિસ, ઇસીએમઓ વગેરે, 14 ઓપરેશન સેન્ટર અને 7 કાર્ડિયાક કેથેટરાઇઝેશન લેબ સાથે સજ્જ હશે, જે સંસ્થામાં શરૂ થશે.

ગિરનાર રોપવે

ગુજરાત એક વાર ફરી આંતરરાષ્ટ્રીય પ્રવાસન ક્ષેત્રમાં ચમકી ઉઠશે. પ્રધાનમંત્રીએ આજે ગિરનારમાં રોપવેનું ઉદ્ઘાટન કર્યું છે. શરૂઆતમાં આ 25થી 30 કેબિનની સુવિધા ધરાવશે, જેમાં કેબિનદીઠ 8 લોકોની ક્ષમતા હશે. હવે રોપવે દ્વારા 2.3 કિલોમીટરનું અંતર ફક્ત 7.5 મિનિટમાં કપાશે. આ ઉપરાંત રોપવે ગિરનાર પર્વતની આસપાસ હરિયાળીનું સુંદર અને રળિયામણું દ્રશ્ય પણ પ્રદાન કરવામાં આવશે.

પીએમ મોદીએ જણાવ્યું કે ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં અપાર સ્થાનો છે. રાજ્યમાં અનેક ધાર્મિક સ્થળો છે. રાજ્યના દરેક ખુણે શક્તિરૂપેણ માતાઓ અપાર શક્તિ આપે છે. ગિરનારનો આ રોપવે સ્થાનિક યુવકોને રોજગારી આપશે. આપે સૌએ જોયું હશે કે દ્વારકા પાસેના શિવરાજપુરને બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. આ સ્થળોને વિકસિત કરવાથી વધારેને વધારે લોકો આવશે. સ્થાનિક રોજગાર વધશે. ”

ગિરનાર રોપવેને ખુલ્લો મૂકતા પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાતને ગિરનાર રોપવેની જે ભેટ મળી છે, તેમાં આસ્થા અને પર્યટન બંને જોડાયેલા છે. ગિરનાર પર્વત પર દત્તાત્રણ શિખર, જૈન મંદિર, ગોરખપુર શિખર પણ છે. અહી આવીને લોકોને શાંતિનો અનુભવ થાય છે. અહી રોપવે બનવાથી બધાને સુવિધા મળશે. સૌને દર્શનનો અવસર મળશે. મંદિર સુધી જવા 5-6 કલાકનો સમય લાગતો હતો, તે હવે 7-8 મિનીટમાં પહોંચી જવાશે. નવી સુવિધા બાદ અહી વધુ શ્રદ્ઘાળુ, પર્યટકો આવશે. આજે જે રોપવેની શરૂઆત થઈ છે, તે ગુજરાતનો ચોથો રોપવે છે. અંબાજી, પાવાગઢ, સાતપુડામાં પણ રોપવે છે. અગાઉ ગિરનાર રોપવેમાં અડચણો ન આવી હોત તો તે આટલા વર્ષોથી અટક્યો ન હોત. લોકોને તેનો લાભ જલ્દી જ મળી શક્યો હોત. ગિરનાર રોપવેથી સ્થાનિક યુવાઓને રોજગારીના અવસર મળશે. ટુરિસ્ટને આધુનિક સુવિધા આપીશું તો જ તેઓ આવશે. તેઓને ઈઝ ઓફ લિવિંગ, ઈઝ ઓફ ટ્રાવેલિંગ જોઈતુ હોય છે. 

 60 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર