“બિગ બજાર”ની આબરૂ એમેઝોનના હાથમાં..! રિલાયન્સ બચાવશે….?

જાયન્ટ એમેઝોન કંપનીએ એક કંપનીને ધોળા દિવસે તારાં દેખાડ્યાં..!!

લોભે લક્ષણ જાય-.કિશોર બિયાની બીજો સોદો કરવા જાય અને ફસાઇ જાય..!!

એમેઝોન પાસેથી 1500 કરોડ લીધા અને અંબાણી પાસેથી 24 હજાર કરોડ લેવા ગયો..

બે ઘોડાની સવારી બિયાનીને કોર્ટમાં લઇ ગઇ..નાદારીના આરે..?

બિયાનીને અપાયેલી બેંકોની 20 હજાર કરોડની લોન જોખમમાં મૂકાઇ..!!

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

ચૂંટણીમાં કેટલાક ઉમેદવારો વિજય મહુર્ત 12.39માં ઉમેદવારી ફરે છે. મુખ્ય પક્ષોના એક જ બેઠકના બે અલગ અલગ ઉમેદવારો વિજય મહુર્તમાં ઉમેદવારી ભરે તો સ્વાભાવિક રીતે એકની હાર થવાની જ છે. એક જ બેઠક પર બે ઉમેદવારો તો જીતી જ ના શકે. પણ હાલમાં ભારતના કોર્પોરેટ ક્ષેત્રમાં ચર્ચાનો વિષય એ છે કે બિગ બજાર શોપિંગ મોલ કંપનીઓના માલિક કિશોર બિયાનીને બે ઘોડાની સવારી ભારે પડી રહી હોય તેમ રિલાયન્સ સાથેના તેના અંદાજે 24 હજાર કરોડના સોદામાં, પોતે જેમની સાથે પ્રથમ સોદો કર્યો તે એમેઝોન કંપનીના કાનૂની દાવપેચમાં ટેકનીકલી દેવાદાર બની જાય તેમ છે…!

મોટી કંપનીઓ ધંધામાં પોતાના ઓછા અને બેંકોના પૈસા વધારે નાંખે છે. કિશોર બિયાનીના અટકેલા સોદામાં તેમની ટેકનીકલી નાદાર કંપનીઓમાં કેટલી બેંકોના કેટલા ડૂબશે કે તરશે એ એમેઝોનના હાથમાં ચાવી જતી રહી છે. અસલમાં એ ચાવી કિશોર બિયાનીએ એમેઝોનને રૂ. 1500 કરોડમાં પોતાની કંપનીનો કેટલોક હિસ્સો આપીને સામે ચાલીને સોંપી હતી. પણ પોતાની આખી કંપનીઓ રિલાયન્સે 24,713 કરોડમાં ખરીદવાની વાત કરી અને લોભે લક્ષણ જાય…કહેવતની જેમ કિશોર બિયાનીએ 1500 કરોડનો સોદો છોડીને 24 હજાર કરોડની લ્હાયમાં સિંગાપોરની કોર્ટ અને ભારતની કોર્ટોના ચક્કર ખાવાની સાથે કદાજ વગદાર-દમદાર રિલાયન્સને કહી રહ્યાં હશે-મુકેશભાઇ,મુઝે બચાવો…!!

ભારતમાં અને વિશ્વમાં કોર્પોરેટ ક્ષેત્રમાં મોટી કંપનીઓ વચ્ચે સોદા થવા એક સામાન્ય બાબત છે. એસ્સાર પેટ્રોની ગુજરાતની વાડીનાર રિફાઇનરી, રશિયાની સરકારી માલીકીની કંપનીએ 80 હજાર કરોડમાં ખરીદી તો કોઇ વિવાદ ના થયો. રિલાયન્સ જિઓમાં વિદેશની કેટલીય કંપનીઓએ અમુક અમુક ટકાવારી હિસ્સો ખરીદ્યો છે. કોઇ વિવાદ થયો નથી.

પણ બિગ બજાર મોલ સહિતની અનેક કંપનીઓના માલિક કિશોર બિયાનીના નશીબમાં વાદ-વિવાદ લખાયેલા હશે એ તો તેમને પણ કદાજ જાણ નહીં હોય અને જાણીતી ઓનલાઇન ઇ-કોમર્સ કંપની એમેઝોનની સાથે સોદો કર્યો. કેટલામાં, કઇ રીતે, શું શરતો નક્કી કરી..?

ઓગષ્ટ 2019માં એમેઝોને કિશોરની માલિકીની ફ્યુચર કૂપન્સમાં 49 ટકા હિસ્સેદારી ખરીદી હતી. આ માટે એમેઝોને 1500 કરોડની ચુકવણી કરી હતી. આ સોદામાં શરત હતી કે એમેઝોનને 3થી 10 વર્ષ સુધીના સમયગાળા બાદ ફ્યુચર રિટેલ લિમિટેડની હિસ્સેદારી ખરીદવાનો અધિકાર હશે. એમેઝોન મુજબ આ સોદામાં એક શરત એવી પણ હતી કે ફ્યુચર ગ્રુપ મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કોઈપણ કંપનીને પોતાની રિટેલ એસેટ્સ વેચી નહીં શકે.

બરાબર એક વર્ષ બાદ ઓગસ્ટ 2020 માં, રિલાયન્સ રિટેલ વેન્ચર લિમિટેડ,( રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની), ફ્યુચર ગ્રૂપ રિટેલ અને હોલસેલ વેપાર અને લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ બિઝનેસ ખરીદવાની જાહેરાત કરી. આ સોદો રૂ. 24,713 કરોડમાં થયો. આ અધિગ્રહણ યોજનાના ભાગ રૂપે ફ્યુચર ગ્રુપ તેની કેટલીક કંપનીઓને ફ્યુચર એન્ટરપ્રાઇઝ લિમિટેડ સાથે મર્જ કરશે. યોજના હેઠળ ફ્યુચર ગ્રૂપના રિટેલ અને હોલસેલ વ્યવસાયને રિલાયન્સ રિટેલ વેન્ચરની પેટાકંપની રિલાયન્સ રિટેલ એન્ડ ફેશન લાઈફ સ્ટાઈલ લિ.માં ટ્રાન્સફર કરવામાં આવશે. ફ્યુચર ગ્રુપના નાણાકીય અને વીમા વ્યવસાયો આ સોદાનો ભાગ નથી. રિલાયન્સ અને કિશોરની ફ્યુચર ગ્રુપ વચ્ચે થયેલ સોદાને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા,સેબી અને શેર એક્સચેન્જોએ પણ મંજૂરી આપી..રિલાયન્સ રિટેલને હવે ફ્યુચર ગ્રુપના ભારતના 420 શહેરોમાં ફેલાયેલા બિગ બજાર, એફબીબી, ઇઝડીડે, સેન્ટ્રલ, ફૂડહોલ ફોર્મેટ્સના 1,800 જેટલા સ્ટોર્સની માલિકી મળશે.પણ એવુ હજુસુધી થયું નથી. કારણ…?

કારણ એ છે કે બસ, પછી તો શું…રિલાયન્સ સાથેના સોદાની જાણ થતાં જ એમેઝોનભાઇએ તલવાર કાઢી- ફિલ્મોમાં બને છે તેમ, યે શાદી નહીં હો શકતી..ની જેમ કિશોરને લઇ ગયો સિંગાપોરની આંતરરાષ્ટ્રીય લવાદ કોર્ટમાં. ચુકાદો એમેઝોનની તરફેણમાં આવ્યો. કિશોરભાઇ આંતરરાષ્ટ્રીય લવાદના ચુકાદાને ભારતની કોર્ટોમાં લઇ આવ્યાં. પાછળ પાછળ એમેઝોનભાઇ પણ આવ્યાં. ભારતની કોર્ટોમાં પણ કિશોરભાઇની વિરૂધ્ધમાં જજમેન્ટ…!!

અસલમાં, ઓગસ્ટ 2019માં એમેઝોને ફ્યુચર કુપન્સ લિમિટેડમાં 49% હિસ્સો ખરીદ્યો ત્યારે નક્કી થયું હતું કે . ફ્યુચર કુપન્સ લિમિટેડ એક પ્રમોટર એન્ટિટી છે અને ફ્યુચર રિટેલમાં 7.3 ટકા હિસ્સો ધરાવે છે. આ ડીલ હેઠળ, એમેઝોનને પણ ત્રણ થી 10 વર્ષમાં ફ્યુચર રિટેલમાં હિસ્સો ખરીદવાનો અધિકાર મળ્યો હતો..! એમેઝોન કહે છે કે ફ્યુચર ગ્રૂપે રિલાયન્સ સાથેના વ્યવહાર દ્વારા કરારના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ફ્યુચર ગ્રુપમાં એમેઝોનનું રોકાણ કરારના હકો સાથે છે, જેમાં ફર્સ્ટ ઇનફ્લસ રાઇટ્સ અને નોન કંપીટ લાઈફ પેક્ટ શામેલ છે.

ફ્યુચર ગ્રુપ અને રિલાયન્સ વચ્ચેના સોદો રસપ્રદ વળાંક પર પહોંચ્યો. દિલ્હી હાઈકોર્ટે રિલાયન્સ સાથે 24713 કરોડના સોદા સાથે ફ્યુચર રિટેલને આગળ વધતા અટકાવ્યું છે. કોર્ટે એમેઝોન સાથે સોદો કર્યા બાદ પણ બીજો સોદો કરનારને સવાલ પણ કર્યો- ફ્યુચર ગ્રુપના સ્થાપક અને સીઈઓ કિશોર બિયાનીને સિંગાપોર ઇમરજન્સી આર્બિટ્રેટરના હુકમનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ મહિના માટે સિવિલિયન જેલમાં કેમ અટકાયત ન કરવી જોઈએ…? કોર્ટે કિશોર બિયાનીની તમામ સંપત્તિઓ અને અને જેનું ભાવિ દાવ પર લાગી ગયું છે એ ફ્યુચર કંપનીઓની સંપત્તિઓ પણ ટાંચમાં લેવા હુકમ કર્યો છે….!! કિશોર તો ગીયો…?

આવી કંપનીઓ પોતાના નહીં પણ બેંકોના પૈસે ધંધો કરતી હોય છે અને હવે કિશોર બિયાનીના નેતૃત્વમાં ફ્યુચર ગ્રૂપ પર રૂ. ૨૦,૦૦૦ કરોડની લોનની ચૂકવણી મુદ્દે એનપીએ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે….! અધૂરામાં પુરૂ ફ્યુચર ગ્રૂપના માલિકો બેડ લોન માટેની ૯૦ દિવસની સમય મર્યાદાને વટાવી ગયું છે અને બિયાની એન્ડ કંપની હજુ સુધી જંગી દેવું ચૂકવી શક્યું નથી. તેથી ટૂંક સમયમાં બેન્કો બિયાની ગ્રૂપને એનપીએ જાહેર કરે તેવી શક્યતા છે…!! નાણાંભીડમાં સપડાયેલું જૂથ લોનના વન-ટાઈમ પુનર્ગઠન માટે બેન્કો સાથે ચર્ચા કરી રહ્યું છે. ઉપરાંત બિયાની ટેકનિકલી નાદાર થઈ ગયા છે અને ઈનસોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી)નું સસ્પેન્શન ૩૧મી માર્ચે પૂરું થયું છે.

બિયાની ફ્યુચર કંપનીનું ફ્યુચર જ જોખમી હોય તેમ ભારતીય રિઝર્વ બેન્કની મોરેટોરિયમ સુવિધા પણ હવે ઉપલબ્ધ નથી અને ધિરાણકારોએ ૧લી એપ્રિલે ટોક્સિક લોન તરીકે એક્સપોઝર નોંધવું પડશે..!!. જોકે, ફ્યૂચર, ગ્રુપને આશા છે કે કંપની ૨૬મી એપ્રિલ પહેલા બેન્કો સાથે એક યોજના તૈયાર કરી લેશે લોનની પુનર્ગઠન યોજના બનાવી લેશે અને બેન્કોએ અમને એનપીએ જાહેર નહીં કરવી પડે..!! એવુ થાય તો બિયાનીની આબરૂ બચી જાય અને કંઇક રસ્તો નિકળે. પણ રસ્તો શું…?.

એમેઝોનને 1500 કરોડ કરતાં વધારે આપીને મામલે કો યહી રફાદફા કર દિયા જાયેગા..? એમેઝોન પર દબાણ લાવવામાં આવશે કે રહેવા દો, જાને ભી દો યારો, દેખો ન બીચ મેં મુકેશભાઇ હૈ..તો જરા સોચ લો…?! જો કે મુકેશભાઇ કરતાં કિશોરને પોતાની વધારે ચિંતા છે અને હોવી જોઇએ. કેમ કે એમેઝોન 100 કિશોર બિયાનીની કંપનીઓ ખરીદી શકે એટલા નાણાંકિય તાકાત ધરાવે છે. એક સોદા બાદ બીજા સોદાની બિગ બજારની બિગ ભૂલ, ફ્યુચર ગ્રુપ કે “ફ્યુચર” કો કહાં સે કહાં લે આઇ..?

કિશોર એમેઝોનની સામે જોઇને ગાઇ રહ્યાં હશે- યે કહાં આ ગયે હમ યું હી સાથ સાથ ચલતે…! એમેઝોનના માલિક જેફ બેઝોસ સામે કહી રહ્યાં હશે- અચ્છા સિલા દિયા તુને મેરે ડીલ કા, યાર કો હી બેચ દિયા મેરી ડીલ કો..!!.

 81 ,  1