કેસર કેરીનો પાક 80 ટકા નિષ્ફળ, ખેડૂતોને રોવાનો વારો આવ્યો

કેસર કેરીને નુકશાન જતા ખેડૂતોને સહાય જાહેર કરવા માંગ

ડુંગળી, બટાટા બાદ હવે કેરી પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. એમાંય કેસર કેરી માટે પ્રખ્યાત ગીર પંથકમાં ચાલુ વર્ષે કેરીના પાકમાં જીવાત અને રોગચાળાનું આક્રમણ થયું છે. ખાસ કરીને કેસર આંબાના બગીચાઓમાં ફૂગ, મઢીઓ અને સફેદ ફ્લાઈનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. તેના કારણે કેરીનો 80 ટકા પાક નિષ્ફળ જતાં અન્નદાતાને મોટો આર્થિક ફટકો પડ્યો છે.

વાતાવરણમાં થયેલા ફેરફારની અસર કેસર કેરી પર થઈ છે. બાગાયતી પાકોને પાક વીમામાં સમાવવા જોઈએ તેવી માંગ વિધાનસભા ગૃહમાં બજેટ સત્ર દરમિયાન ઉઠી હતી. ભગા બારડે ગૃહમાં વિધેયક પર ચર્ચા દરમિયાન સરકારને રજૂઆત કરી કે, કેસર કેરીને નુકશાન જતા ખેડૂતોને સહાય જાહેર કરવી જોઈએ.

ગીરની સાથે દક્ષિણ ગુજરાતની કેરી પણ પ્રખ્યાત છે. પરંતુ ચાલુ વર્ષે સ્થિતિ અલગ છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે શરૂઆતમાં કેરી પર ફાળ તો સારો આવ્યો, પરંતુ બાદમાં ધીરે ધીરે ફાળ ખરી પડ્યા હતા. જેથી હવે ખેડૂતોને ધાર્યા મુજબ કેરીનો પાક નહિ મળી શકે. ગીરની સાથે દક્ષિણ ગુજરાતની કેરીઓની પણ ગુજરાતમાં બોલબાલા છે. ત્યારે હવે કેરીનો ભાવ વધુ રહેશે તેવી શક્યતા દેખાઈ રહી છે.

ગયા વર્ષે તાલાળા યાર્ડમાં 8થી 9 લાખ કેરીનાં બોક્ષ આવ્યા હતા. જ્યારે આ વર્ષે 5થી 6 લાખ કેરીનાં બોક્ષ આવવાની સંભાવના છે. આગામી કેરીની સિઝન 25 એપ્રિલ આસપાસ શરૂ થશે. આ સાથે 20થી 25 દિવસ ચાલે તેવું વર્તમાન સ્થિતિ પરથી લાગી રહ્યું છે.

કેરીના પાકમાં જીવાત અ રોગચાળાને લીધે પાક ઓછો થવાની વકી હોય ત્યારે ભાવમાં પણ ઉછાળો આવાવની સંભાવના છે. ગયા વર્ષે જે ફર્સ્ટ ક્વોલિટીની કેરી 400થી 500માં મળતી તે આ વર્ષે 600થી 700 રૂપિયામાં વેચાશે. જ્યારે સામાન્ય કેટેગરીની કેરી ગયા વર્ષે 200 રૂપિયામાં 10 કીલોનું બોક્સ વેચાતું તે આ વર્ષે 300થી 500 રૂપિયામાં વેચાતા સામાન્ય વર્ગને આ વર્ષે ઊંચા ભાવનાં કારણે કેરી કડવી લાગશે.

હાલ ફળોના રાજા કેરીનું અમદાવાદના ફ્રુટ બજારોમાં આગમન થયું છે. રત્નાગીરીની હાફૂસ કેરી, ચેન્નઈની સુંદરી કેરીનું મોટા જથ્થામાં ગુજરાતના બજારોમાં આગમન થયું છે. સોરાષ્ટ્રની કેસર કેરીની પણ આવક શરૂ થઈ છે. હાફૂસ 800, 1000 અને 1200 રૂપિયા ડઝનના ભાવે વેચાઈ રહ્યાં છે. તો 9 કિલો કેસર કેરીની પેટીનો ભાવ 1500 રૂપિયા છે. જોકે, કેરીની મીઠાશ મેળવવા નાગરિકોને વધુ રૂપિયા ખર્ચવા પડશે. હાલના સમયમાં આવક ઓછી હોવાના લીધે કેરીના ભાવ આસમાને પહોંચ્યા છે. થોડી આવક વધશે તો પણ કેરી મોંઘી જ રહેશે. વલસાડ, સોરાષ્ટ્ર, બેંગલુરુની કેરીઓનો જથ્થો આવશે તો જ કેરીના ભાવ ઘટશે. 

 170 ,  2