એક જ પરિવારે સરકારની આઠ યોજનાનો લાભ મેળવીને પ્રગતિના પંથે ડગ માંડ્યા.

૨૦ વ્યક્તિઓનો આ સંયુક્ત પરિવાર આવાસ, પાણી, ભૂગર્ભ ટાંકી,ખેતી,ગાય નિભાવ,રાંધણ ગેસ અને વયવંદનાનો લાભ મેળવે છે.

રાજ્ય સરકારની અનેક માનવ કલ્યાણકારી યોજનાના મીઠા ફળ ગામે-ગામ જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ, નેતૃત્વ સરકારના પરિપ્રેક્ષ્યમાં વિકાસની રૂપરેખા પર અનેક પરિવારોના જીવનધોરણમાં દેખીતો ફેરફાર જોવા મળ્યો છે.

ગુજરાત સરકારશ્રીના અનેક વિભાગો દ્વારા જનહિતલક્ષી વિવિધ યોજનાઓ શહેરી અને ગ્રામીણ કક્ષા માટે અમલમાં છે. જેનો લાભ મેળવીને શહેરો સાથે-સાથે હવે ગ્રામ્ય વિસ્તારો પણ સમૃદ્ધ બનવા લાગ્યા છે. જેનું એક ઉદાહરણ છે ધોલેરા તાલુકાનું રાહતળાવ ગામ.

માતા-પિતા સાથે ત્રણ ભાઈઓના પરિવારના ૨૦ સભ્યો એક આંગણે સાથે રહે છે અને તેમણે રાજ્ય સરકારની વિવિધ આઠ જેટલી યોજનાઓનો લાભ મેળવીને સ્વાવલંબી અને સશક્તિકરણની દિશામાં ડગ માંડીને જીવનના સમૃદ્ધ બન્યા છે.


રાહતળાવમાં જન્મેલા અને ત્યાં જ પરંપરાગત રીતે ખેતીનો વ્યવસાય કરતા ફુલાભાઈ ભરભીડીયા હાલ ૬૫ વર્ષની વય ધરાવે છે. ૨૦ સભ્યોના વિશાળ પરિવારમાં ત્રણ દીકરા છે. જે પરંપરાગત રીતે ખેતી સાથે સંકળાયેલા છે અને બીપીએલ કાર્ડ ધરાવે છે. થોડા વર્ષ પહેલાં ફુલાભાઇને ઈન્દિરા આવાસ યોજના વિશેની માહિતી ગ્રામ પંચાયત કક્ષાએથી મળતા તુરંત જ ફોર્મ ભરીને મળવાપાત્ર રકમ આવતા પાકું ઘર બનાવ્યું હતું.

તેમની પોતાની ખેતીની જમીન હોવાથી ત્રણ ગાય અને ટ્રેક્ટર વસાવેલું છે. જેમાં રાજ્ય સરકારની ‘’સાત પગલાં ખેડૂત કલ્યાણ’’ અંતર્ગત જાહેર કરવામાં આવેલ એક ગાયના નિભાવ ખર્ચ પેટે દર માસે ૯૦૦ રૂપિયા તેમના બેંક એકાઉન્ટમાં જમા થાય છે, તદુપરાંત ટ્રેક્ટર માટેની સબસીડી માટે ઓનલાઈન ફોર્મ ભરેલ છે.

આ ઉપરાંત ખેતર સુધી પાણી પહોંચે એ માટે ૩૩ જેટલી મોટી પાઈપલાઈન પણ રાજ્ય સરકારની યોજના અંતર્ગત બે વર્ષથી મંજૂર કરવામાં આવેલ છે અને તેની આર્થિક સહાય પણ મળેલ છે.

૨૦૧૬ ના વર્ષ પહેલાં ‘વાસ્મો’ દ્વારા સમગ્ર ધોલેરા અને ધંધુકા તાલુકામાં વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકા બનાવી આપવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે ફુલાભાઈના ઘરના આંગણામાં વાસ્મો દ્વારા નિર્મિત ભૂગર્ભ ટાંકાની મળવાપાત્ર સહાય મળેલ છે.

ઘરઆંગણે બનાવવામાં આવેલ શૌચાલય પણ રાજ્ય સરકારની યોજના હેઠળ બનવવામાં આવેલ છે.પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત જાહેર કરવામાં આવેલ વાર્ષિક રૂપિયા ૬૦૦૦/- પણ ફુલાભાઈને મળે છે.ગુજરાત રાજ્ય સરકારની વયવંદના યોજનાના ભાગરૂપે ફુલાભાઈ અને તેમના પત્ની લાખુબેનની ઉંમર ૬૦ વર્ષથી વધુ હોવાથી દર મહિને ૧૫૦૦ રૂપિયા તેમના બેંક એકાઉન્ટમાં જમા થાય છે.

તદુપરાંત પ્રધાનમંત્રી ઉજવલા યોજના અંતર્ગત રાંધણ ગેસની સગડી તથા સિલિન્ડરની સહાય સરકાર શ્રી તરફથી મળેલ છે.આમ રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ મેળવીને ફુલાભાઈનો પરિવાર આજે સુખી જીવન વિતાવી રહ્યો છે.

 71 ,  1