જસદણ : સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, દાનપેટી ઉપાડી ગયા

સીસીટીવી કેમેરા પણ છેલ્લા 6 મહિનાથી બંધ હોવાથી પોલીસ તંત્ર ધંધે લાગ્યું

જસદણ નજીકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિર્લીંગ જેટલું જ અનન્ય છે. જેના કારણે હજારો ભાવિકો ઘેલા સોમનાથ મહાદેવના દર્શન અર્થે આવતા હોય છે અને શિવલિંગ પર ઓટોમેટીક જળાભિષેક કરવા માટે રાખેલી દાનપેટીમાં રૂપિયા નાંખી જળાભિષેક કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે ગત મોડી રાત્રીના કોઈ અજાણ્યા તસ્કરોએ ઘેલા સોમનાથ મંદિરને નિશાન બનાવી મંદિરના ગર્ભગૃહમાં રાખેલ જળાભિષેકની દાનપેટી ઉપાડી જઈ રૂ.32 હજારની ચોરી કરી ચોરેલી દાનપેટીને મંદિરના કેમ્પસમાં મૂકી નાસી જતા સરકારી તંત્ર દોડતું થઈ ગયું હતું. આ ચોરીના બનાવમાં જસદણના નાયબ મામલતદાર અને ઘેલા સોમનાથ મંદિરના વહીવટદાર દ્વારા જસદણ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ચોરીના બનાવમાં ડોગ સ્કવોર્ડની પણ મદદ લેવામાં આવી હતી. પરંતુ તસ્કરોના કોઈ સગડ મળ્યા ન હતા.

તસ્કરોએ દાનપેટીનો લોક તોડી અંદર રહેલી રૂ.32 હજાર જેટલી રકમ લઈ નાસી છૂટ્યા હતા.
જસદણના નાયબ મામલતદાર અને ઘેલા સોમનાથ મંદિરના વહીવટદાર ભગીરથભાઈ હિંમતભાઈ કાછડીયાએ જસદણ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રૂ.32 હજારની ચોરીનો ગુન્હો નોંધાવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે તેઓ ગુરૂવારે વહેલી સવારે 6 વાગ્યે પોતાના ઘેર બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે હતા. ત્યારે સવારના 6 વાગ્યે મંદિરમાં માનદસેવા આપતા મનુભાઈ શીલુએ ટેલીફોનીક જાણ કરી કે મંદિરના ગર્ભગૃહમાં રાખેલી જળાભિષેકની દાનપેટી ગાયબ છે તેવું જણાવતા તાત્કાલિક મંદિર ખાતે દોડી આવી તપાસ કરતા દાનપેટીની ચોરી થઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું. જેથી જસદણ મામલતદાર અને જસદણ પોલીસને જાણ કરતા કાફલો તાત્કાલિક મંદિર ખાતે દોડી આવ્યો હતો અને તપાસ કરતા તસ્કરોએ ચોરેલી દાનપેટી મંદિરના કેમ્પસમાં આવેલ ભોજનાલયના પાછળના ભાગે આવેલ ગેલેરીમાં પડેલી હતી. જેથી તે દાનપેટીની તપાસ કરતા તેમાં રહેલી આશરે રૂ.32,000 જેટલી રકમ ગાયબ હતી અને દાનપેટીનો લોક પણ તૂટેલી હાલતમાં હતો. જેથી જસદણ પોલીસ મથકના પીએસઆઈ જે.એસ.સીસોદીયા, રાઈટર અમિતભાઈ સિધ્ધપરા અને મથુરભાઈ વાસાણીએ દાનપેટીનો કબજો લઈ અજાણ્યા તસ્કરોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.

મંદિરના સીસીટીવી કેમેરા પણ સામાન્ય રીપેરીંગના અભાવે 6 મહિનાથી બંધ હતા. ઘેલા સોમનાથ મંદિરના અધ્યક્ષ તરીકે રાજકોટ કલેકટર છે અને ઉપાધ્યક્ષ તરીકે જસદણ પ્રાંત અધિકારી છે તેમજ સભ્ય સચિવ તરીકે જસદણ મામલતદાર સંચાલન કરી રહ્યા છે. પરંતુ સરકારી તંત્રની લાપરવાહીના લીધે મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ સામાન્ય રીપેરીંગના અભાવે બંધ હાલતમાં પડ્યા હતા. જેના કારણે પોલીસ તંત્રને દાનપેટીની ચોરી કરનાર અજાણ્યા તસ્કરોને પકડી પાડવા માટે પડકારરૂપ બની ગયું હતું.

ચોકીદાર ગેટે ચોકી કરતો રહ્યો ને તસ્કરો ભોજનાલયની દીવાલ ટપી ચોરી કરી ગયા. જ્યારે આ ચોરીની ઘટના બની ત્યારે મંદિરના ચોકીદાર ગેટે ચોકી કરતા હોવાનું અને અજાણ્યા તસ્કરો ભોજનાલયની દીવાલ તપીને દાનપેટીની ચોરી કરી તેમાં રહેલા આશરે રૂ.32 હજાર ઉપાડી જઈ નાસી ગયા હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી હતી. જોકે પોલીસે મંદિરમાં નોકરી કરતા અને સેવા આપતા તમામ લોકોની પૂછપરછ કરી ડોગ સ્કવોડની મદદથી આગળની તજવીજ હાથ ધરી હતી.

આ ઘટનાની તપાસ ચાલુ છે: દીપેશ કેડીયા-આસીસ્ટન્ટ કલેકટર, જસદણ.

ઘેલા સોમનાથ મંદિરમાં આજે વહેલી સવારે દાનપેટીની ચોરીની ઘટના બની છે. તેની તપાસ ચાલુ છે અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે.

 65 ,  1