રાજ્ય સરકારની જાહેરાત, વીજળીના દરમાં પ્રતિ યુનિટ 19 પૈસાનો ઘટાડો કરાયો

3 માસ માટે વીજળી દર અને ફ્યુઅલ ચાર્જમાં પ્રતિ યુનિટ 19 પૈસાનો ઘટાડો કરાયો

રાજય સરકારે  ઓકટોબર, નવેમ્બર અને ડીસેમ્બર ત્રણ માસ દરમિયાન વીજળીના ફ્યુઅલ ચાર્જમાં ઘટાડાની જાહેરાત કરી છે. સરકારે પ્રતિ યુનિટ 19 પૈસાના ઘટાડાની જાહેરાત કરી. હાલ પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2 રૂપિયા છે. જે હવે 1 રૂપિયો અને 81 પૈસા રહેશે. રાજય સરકારના આ નિર્ણયથી રાજયના 1 કરોડ 40 લાખ વીજ ગ્રાહકોને ત્રણ મહિના દરમિયાન 356 કરોડનો લાભ થશે.

રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે મોરબીમાં જાહેરાત કરી હતી. સૌરભ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં વીજ વપરાશ કરતા વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના નેતૃત્વ વાળી રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો ગ્રાહકોના હિતમાં કર્યા છે, જેના ભાગરૂપે રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 19 પૈસાનો ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે 1.40 કરોડથી વધુ ગ્રાહકોને ત્રણ મહિનાના રૂપિયા 356 કરોડની રાહતોના લાભ મળશે.

ઊર્જા મંત્રીએ ઉમેર્યું કે વીજ વપરાશ કરતા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે. આ ફ્યુઅલ સરચાર્જની વસુલાત નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવે છે. પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે જુલાઇ-2020થી સપ્ટેમ્બર-2020ના ત્રિમાસિક ગાળા દરમિયાન ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓ ફ્યુઅલ સર ચાર્જની વસુલાત પ્રતિ યુનિટ રૂ 2.00 પૈસા લેખે વસૂલાતી હતી. તેની સામે ઓકટોબર-2020 થી ડિસેમ્બર-2020ના ત્રિમાસિક ગાળા દરમિયાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા 1.81ના દરે વસૂલવાનો થાય છે.

આમ ગત ત્રિમાસિક ગાળા કરતાં આ ત્રિમાસિક ગાળામાં ફ્યુઅલ સરચાર્જના પ્રતિ યુનિટમાં 19 પૈસાનો ઘટાડો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તા કોલસાની ઉપલબ્ધતા તેમજ સસ્તા ગેસની ઉપલબ્ધતાના કારણે થયો છે આ ઘટાડાના કારણે વીજ ગ્રાહકોને રૂપિયા 356 કરોડની રાહત મળશે.

 13 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર