ધર્મ-આસ્થાનું પ્રતિક એટલે 150 વર્ષ જૂનું “કેમ્પ હનુમાન મંદિર”…

મંદિરને રિવરફ્રંટ પર ખસેડવાની હિલચાલથી ભક્તોમાં રોષ…

જીવનની દોડધામમાંથી જયારે આપણે કોઈ મંદિર કે ધાર્મિક સ્થાને જઈએ ત્યારે આપણા મનને પરમ શાંતિનો અનુભવ થાય છે .આ પરમ શાંતિનો અનુભવ એ જ આપણી આસ્થાને સાચી ઠેરવે છે .પણ જો આ આસ્થાને ઠેસ પહોંચે તેવું કોઈ કરે તો ઘણી વાર આપણને ગમતું નથી .

આવી જ વાત બની છે ,શહેરના 150 વર્ષ જૂના કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરને રિવરફ્રંટ પર ખસેડવાનો નિર્ણય લેતા ભક્તો દ્વારા તેની સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. PILમાં મંદિરને રિવરફ્રંટ પર ખસેડવા મામલે કોર્ટને દિશાનિર્દેશ આપવા અરજ કરવામાં આવી છે. 31મી મેના રોજ મંદિરના ટ્રસ્ટીઓએ કેન્ટોન્મેન્ટ બોર્ડના CEOને પત્ર લખીને અન્યત્ર જમીન ફાળવવા માટે કહેવાયું હતું, ત્યારથી જ આ મામલે વિવાદ શરુ થયો હતો.

ઉલ્લેખનીય છે કે ,કેન્ટોન્મેન્ટ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં એક મિટિંગ થઈ હતી. ત્યારબાદ ટ્રસ્ટીઓએ હનુમાનજીની મૂર્તિને અન્યત્ર ખસેડવાનું નક્કી કર્યું હતું. બંને પક્ષોએ આ મામલાનો પરસ્પરની સહમતિથી નિવેડો લાવવા માટે પ્રયાસો શરુ કરાયા હતા, જેના ભાગરુપે રિવરફ્રંટ પર જમીન માગવામાં આવી હતી.

ટ્રસ્ટીઓના કહેવા મુજબ ,હાલ મંદિર જે જગ્યા પર છે તે જમીનને 1945થી મંદિર દ્વારા કેન્ટોન્મેન્ટ પાસેથી લીઝ પર લેવામાં આવેલી છે. જેને દર 20 વર્ષે રિન્યૂ કરાય છે, અને તેનું એક વર્ષનું ભાડું 34,000 છે. મંદિર આર્મીના વિસ્તારમાં આવેલું હોવાથી સુરક્ષાના કારણોસર ટ્રસ્ટીઓ તેને બીજી જગ્યાએ શિફ્ટ કરવા તૈયાર થયા હતા, જોકે તે વખતે પૂજારીઓએ તેનો વિરોધ કર્યો હતો. તેમણે ટ્રસ્ટીઓને પત્ર લખી પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરવા પણ અપીલ કરી હતી.

આ કરાયેલી PILમાં જણાવાયું છે કે, મંદિરની જગ્યા ફેરવવાને બદલે હાલ જે જગ્યા પર મંદિર છે ત્યાં જ પાર્કિંગ સહિતની તમામ સગવડને યોગ્ય બનાવાય, જેથી ભક્તોને કોઈ અગવડ ના પડે. એટલું જ નહીં, ટ્રસ્ટે પોતાના નિર્ણયના પક્ષમાં યોગ્ય કારણ આપવું પણ ઘટે. ટ્રસ્ટીઓએ ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખ્યા વિના જ આ નિર્ણય લીધો હોવાનું પણ PILમાં જણાવાયું છે. આ પિટિશન રજિસ્ટ્રીની પ્રોસેસ પૂરી થયા બાદ સુનાવણી પર આવશે.

આ સમગ્ર મામલે ,અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડના પૂર્વ મેમ્બર ભરત કુમાર આ મામલે જણાવે છે કે, મંદિરનું લોકેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને ખસેડવું મતલબ ગાંધીઆશ્રમ કે રામ મંદિરને ખસેડવા બરાબર છે. કેન્ટોન્મેન્ટ બોર્ડના હાલના સીઈઓએ આ અંગે જણાવ્યું હતું કે ,મંદિરના ટ્રસ્ટ દ્વારા મળેલી અરજી પર હાલ વિચાર ચાલી રહ્યો છે, તેને સંરક્ષણ મંત્રાલયને પણ ફોરવર્ડ કરાયો છે. મામલો હાલ કોર્ટમાં હોવાથી તેમણે આ અંગે કંઈપણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો.

 67 ,  1