September 23, 2021
September 23, 2021

બોપલમાં લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા

દંપતીને મધરાતે બંધક બનાવી 18 લાખની ચલાવી હતી લૂંટ

અમદાવાદના બોપલમાં થયેલી ચકચારી લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઇસ્કોન ગ્રીન બંગલોમાં દંપતીને મધરાતે બંધક બનાવી લૂંટ ચલાવનાર દાહોદ ગેંગના ત્રણ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે અને તેની પાસેથી 1.43 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, 15 દિવસ પહેલા ઇસ્કોન ગ્રીન બંગલોમાં 4 જેટલા લૂંટારૂઓએ ધાડ પાડી હતી. એક બંગલોમાં દંપતીને બંધક બનાવી તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને સોના-ચાંદીના દાગીના મળી કુલ 18 લાખની લૂંટ ચલાવી હતી.

બોપલના ઇસ્કોન ગ્રીન બંગ્લોઝમાં 31 જુલાઈની મોડી રાતે કેટલાક શખસોએ ઘરમાં ઘૂસી અમે ગુંડા છીએ અવાજ કરશો તો મારી નાખીશું કહી ઘરમાં રહેલા પરિવાર પર હુમલો કરી લાખો રૂપિયાની લૂંટ કરી લૂંટારુંઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે બોપલ પોલીસ અને જિલ્લાની LCBની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ચોરીમાં પહેલા જ દિવસથી દાહોદની કોઈ ગેંગની સંડોવણીની દિશામાં તપાસ કરતી જિલ્લા LCBની અને સ્થાનિક ટીમો આરોપી શોધવામાં નિષ્ફળ રહી હતી. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે 15 દિવસમાં જ આરોપીઓને શોધી દાહોદની મોહનીયા ગેંગના મુકેશ ઉર્ફે કાળુ મોહનીયા (રહે. માલ ફળિયું, ધાનપુર, દાહોદ), રામસિંહ ઉર્ફે બાબુ માવી (રહે. નાથ ફળિયું, લીમખેડા) અને કલસિંગ ડામોર (હાલ રહે. ઓઢવ ફુટપાથ પર, મૂળ રહે. લીમખેડા)ની ધરપકડ કરી હતી.

આરોપીઓની પૂછપરછ કરતાં કાળુ મોહનીયા અમદાવાદ શહેર અને જિલ્લામાં અનેક ચોરીના ગુનામાં ઝડપાઇ જેલમાં જઈ આવ્યો છે અને જામીન પર છૂટી ફરી ભાઈઓ અને સાગરિતો સાથે ચોરી- ધાડ અને લૂંટ કરવા લાગ્યો હતો. 20 દિવસ પહેલાં અમદાવાદથી રીક્ષામાં વિરમગામ રોડ પર ગોરજ ગામ પાસે ખેતરોમાં થઈ ત્યાં આવેલા એક નહીં પણ ત્રણ બંગલામાં ઘૂસી અને ચોરી કરવા ગયા હતા. પરંતુ બંગલામાં કંઈ ન મળતા પરત ફર્યા હતા.

15 દિવસ પહેલાં ફરી ઓઢવથી રીક્ષામાં તેઓ બોપલ આવ્યા હતા અને ત્યાં રેકી કરી હતી. બાદમાં રિંગ રોડ પર ચાલતા ચાલતા સાણંદ ચોકડીથી આસપાસ ઝાડીઓમાં છુપાઇ મોડી રાતે ઇસ્કોન ગ્રીન બંગલામાં ખેતરમાંથી ઘૂસ્યા હતા અને એક મકાનમાં પરિવારને ધમકી આપી લૂંટ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા તેમણે મોહનીયા ગેંગના મુકેશ મોહનિયા, રામસિંહ માવી અને કલસિંગ ડામોર નામના ત્રણ આરોપીઓને દબોચી લીધા. જો કે આ ગુનાનો માસ્ટર માઇન્ડ અને મુખ્ય આરોપી રામસીંગ ઉર્ફે ધોકો ફરાર છે.

 41 ,  1