રાજ્યસભામાં રોષે ભરાયેલા TMC સાંસદે કર્યું શરમજનક કૃત્ય

પેગાસસ જાસૂસીકાંડ મુદ્દે રાજ્યસભામાં હોબાળો

દેશમાં લોકશાહીના મંદિર સંસદના બંને ગૃહમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. પેગાસસ સોફટવેરના ઉપયોગથી ફોનની જાસૂસી કરવાના મામલે આજે રાજ્યસભામાં ભારે હંગામો થયો હતો અને તોફાની દ્રશ્યો જોવા મળ્યા હતા.

કેન્દ્રના આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ જ્યારે આ મામલે સ્ટેટમેન્ટ આપવા માટે ઉભા થયા ત્યારે ટીએમસીના સાંસદ શાતનુ સેને તેમના હાથમાંથી કાગળ છીનવીને ફાડી નાંખ્યા હતા અને ઉપસભાપતિ તરફ ઉછાળ્યા હતા. જેના પગલે સંસદમાં હંગામો થઈ ગયો હતો. ભાજપના સાંસદો પણ આ જોઈને આગળ વધ્યા હતા અને જેના પગલે હવે ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

ટીએમસી સાંસદની આ પ્રકારની વર્તણૂંક બાદ કેન્દ્રીય મંત્રી હરદીપ સુરી લાલચોળ થઈ ગયા હતા અને તેમણે ટીએમસી સાંસદની ઝાટકણી કાઢી હતી.

ઉલ્લેખનીય છે કે, લોકસભામાં પણ વિપક્ષના સાંસદો નવા કૃષિ કાયદાને લઈને હંગામો કરી રહ્યા છે. તેમણે સરકાર સામે સંસદમાં ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યુ હતુ કે, સંસદની મર્યાદા જાળવી રાખવાની જવાબદારી વિપક્ષની પણ એટલી જ છે.

 23 ,  1