વાસણામાં વૃદ્ધ મહિલાને વાતોમાં ભોળવી બે શખ્સોએ સોનાની ચેઇન સેરવી લીધી

તારા છોકરા સુખી થશે તેમ કહી સોનાની ચેન રૂમાલમાં મુકાવી હતી

રૂમાલમાં સોનાની ચેઈન સાથે ફુલ મુકવી નજર ચૂક કરી પડાવી લીધી

વાસણામાં વૃદ્ધા દેરાસરમાં દર્શન કરી પ્રવચન સાંભળી ઘરે જતા હતા ત્યારે બે શખ્સોએ વૃદ્ધાએ વાતોમાં ભોળવી તારા દિકરા સુખી થશે તેમ કહી રૂમાલ આપ્યો હતો અને વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઈન રૂમાલમાં મુકાવી એક ફુલ આપી ઘરે જઈને રૂમાલ ખોલવા જણાવ્યુ હતુ. જો કે વૃદ્ધાએ ઘરે જઈને જોયુ તો રૂમાલમાં સોનાની ચેઈન ન હતી. જેથી વૃદ્ધાએ વાસણા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

વાસણા વિસ્તારમાં રહેતા મુક્તાબેન શાહ (ઉ.વ.76) બુધવારે સવારે એકતા ટાવર પાસેના દેરાસરમાં દર્શન કરી પ્રવચન સાંભળીને ઘરે પરત આવતા હતા. ફ્લેટની નીચે પહોંચ્યા ત્યારે એક યુવક મુક્તાબેન પાસે આવીને કહેવા લાગ્યો હતો કે, રીક્ષામાં એક ભાઈ બેઠા છે તે તમને બોલાવે છે. જેથી મુક્તાબેન રીક્ષા પાસે ગયા ત્યારે રીક્ષામાં બેઠેલ શખ્સે કાળકા માતાનું મંદિર ક્યાં આવેલુ છે, હું માતાજીના દર્શન કરવા માટે આવ્યો છું. માતાજી તમારુ ભલું કરશે તમારા છોકરાઓને સુખી તરશે. તેમ કહીને મુક્તાબેનને વાતોમાં ભોળવ્યા હતા.

બાદમાં મુક્તાબેનને એક રૂમાલમાં સોનાની ચેન મુકવા માટે જણાવ્યુ હતુ. જેથી મુક્તાબેને વિશ્વાસ રાખીને તેમની ગળામાંથી સોનાની ચેઈન કાઢી રૂમાલમાં મુકી હતી. બાદમાં તે શખ્સે એક ફૂલ રૂમાલમાં મુકીને મુક્તાબેનને રૂમાલ આપ્યો હતો અને ઘરે જઈને રૂમાલ ખોલજો તેમ જણાવ્યુ હતુ. ત્યારબાદ મુક્તાબેન ઘરે પહોચી રૂમાલ ખોલ્યો તો સોનાની ચેઈન ન હતી. જેથી તેમણે વાસણા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

 32 ,  1