તેરી મિટ્ટી મેં મિલ જાવા..! શહીદ જવાનની અંતિમ યાત્રામાં હૈયાફાટ રૂદનથી ગામ ધ્રુજી ઉઠ્યું

રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય, આખું ગામ હીબકે ચડ્યું

કપડવંજના વણઝારીયા ગામના 25 વર્ષીય હરીશ પરમાર આતંકવાદી સામે લડતા લડતા જમ્મુ કાશ્મીરના પૂછ ખાતે શહીદ થયા હતા. દેશની રક્ષા કાજે શહાદત વહોરનાર વીર જવાનની આજે અંતિમ યાત્રામાં આખું વણઝારીયા ગામ હિબકે ચડ્યું હતું.  દેશ માટે સદાય તત્પર રહેનાર અને પોતાની જાન નછોવાર કરનાર આર્મી જવાનના પાર્થિવદેહને આજે તેના વતનમાં લવાયો હતો. જ્યાં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપવાની કવાયત હાથ ધરાઈ છે. આ વખતે રોકકળથી વાતાવરણ દ્રવી ઉઠ્યું હતું.

કપડવંજ તાલુકાના નાનકડા ગામ એવા વણઝારીયા ગામના 25 વર્ષિય હરિશસિંહ રાધેસિંહ પરમારે જમ્મુ કાશ્મીર ખાતે શહાદત વહોરી લીધી છે. જમ્મુ કાશ્મીરમાં આંતકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલેલી કલાકોની અથડામણમાં હરિશસિંહને ગોળી વાગી જતાં મા મોભની રક્ષા કાજે શહીદ થયા છે. આ વાત વાયુ વેગે હરિશસિંહના વતન સુધી પહોંચતાં સમગ્ર ગામ અને પંથકમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. તો પરીવાર પર વિટંબણાઓનો પહાડ તૂટી પડ્યો છે. આર્મી જવાનના પિતા રાધેસિંહ અમરાભાઈ પરમારને સંતાનમાં બે દિકરા છે. જેમાં સૌથી મોટો દિકરો હરિશસિંહ આર્મીમાં જ્યારે નાનો દિકરો સુનીલ અભ્યાસ કરી રહ્યો છે. જવાન છેલ્લે મે મહિનામાં પોતાના વતન વણઝારીયા ગામે આવ્યા હતા. જ્યાં એક મહિનાની રજાના સમયગાળામાં પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી પરત જમ્મુમાં હાજર થયા હતા.

કપડવંજ ખાતેની સ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. હરીશસિંહને નાનપણથી આર્મીમાં જવાનો શોખ હતો માટે તે પોતાનું શિક્ષણ પુરુ કરી આર્મીમાં જવા અથાગ પ્રયત્નો કર્યા હતા અને વર્ષ 2016માં આર્મીમાં સિલેક્શન થતાં હરીશસિંહે તેના પરિવારને ખુશીઓથી ભરી દીધું હતું. આર્મી જવાનના માતા પિતા સહિત ભાઈ રાજી થઈ ગયા હતા. યુવાનની પહેલી પોસ્ટીંગ આસામ, બીજી રાજસ્થાન અને હાલ પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં આવેલા મછાલ સેક્ટરમાં હતી.

વણઝારીયા ગામના યુવાને શહીદી વહોરી લીધાના સમાચાર વાયુવેગે જવાનના મિત્ર વર્તુળ અને સમાજમાં પ્રસરતાં સમાજના લોકો તથા ગ્રામજનો પરિવારના વહારે આવ્યા છે. જવાનના ઘર બહાર હૈયા ફાટ આક્રંદ જોવા મળી રહ્યો છે. નજીકના સ્વજનોએ જણાવ્યું છે કે આર્મી જવાનની 1 વર્ષ અગાઉ સગાઈ થઈ ચૂકી હતી. આવતાં વર્ષે ફેબ્રુઆરીમાં સુધીમાં લગ્ન પણ થવાના હતા. અને એ દરમિયાન જ શહીદી વહોરી લીધી છે.

શહાદત વહોરનાર આર્મી જવાનનો મૃતદેહ મંગળવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પરથી સીધો તેઓના વતન કપડવંજના વણઝારીયા ગામે લવાતાં વાતાવરણ રોકકડથી દ્રવી ઊઠ્યું હતું. વીર શહીદની યાત્રા કપડવંજના નદી દરવાજા પુલ પરથી વણઝારીયા ગામે આવી પહોંચી હતી. આ સમયે હજારો લોકો આ વિર શહીદની યાત્રામાં જોડાયા હતા. ઘણાં લોકો વાહનો મારફતે તો ઘણાં લોકો ચાલતાં હાથમાં ધ્વજ લઈ આ શહીદની યાત્રામાં જોડાયા છે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી