મંડાલી ગામ માટે પાણીની સમસ્યા ગાંવ માંડવાના અગ્નિપથથી કમ નથી..!

ગાંધીનગરના છેવાડાના સમરસગામનો પાણી માટે પોકાર….અરે ભાઇ, કોઇ તો સાંભળો….

800 ફૂટે પાણી ખેંચીને ગામના લોકોની અડધી તરસ છિપાવાય છે, ખેડૂતો માટે તો પાણી જ નથી..

ગામનું તળાવ ભરવા બજેટ મંજૂર, કામ કરનાર એજન્સી તૈયાર છતાં પાઇપલાઇન નંખાતી નથી…

અમિતાભ બચ્ચનની ફિલ્મ અગ્નિપથમાં ગાંવ માંડવાની કહાની હતી. વિજય દિનાનાથ ચૌહાણ, ગાંવ માંડવા કામ માંડવળી…એવા ડાયલોગ જાણીતા બન્યા હતા. જો કે ગાંધીનગર જિલ્લામાં છેક છેવાડાના ગામ મંડાલીની કહાની વિજય દિનાનાથ ચૌહાણ કે માંડવળીની નથી, પરંતુ આ ગામની કરમકથની પાણીની સમસ્યાની કહાની છે. આ ગામ માટે પાણી મેળવવુ અગ્નિપથ સમાન બની રહ્યું છે એમ જો કહીએ તો તેમાં જરાયે ખોટુ નહીં ગણાય. મંડાલીને માંડ માંડ પાણી મળે છે.

જ્યાં આખેઆખી સરકાર બેસે છે એ ગાંધીનગર શહેરથી કેટલાક કિ.મી. દૂર આવેલું છે મંડાલી ગામ. ગામની વસ્તી છે માંડ 5400 જણાંની.. મોટા ભાગના ખેડૂતો અને જો ખેડુપુત્રને પાણી જ ના મળે તો ખેતી કઇ રીતે થાય…? સરકાર ખેડુતોની આવક 2022 સુધીમાં બમણી કરવા માંગે છે પણ માણસા તાલુકાના ગામ મંડાલીના ખેડુતો પાણીના અભાવે બારે માસ નહીં પરંતુ મેઘરાજા મહેર કરે તો જ ખેતી થાય તેવી કપરી પરિસ્થિતિમાં છે ત્યારે તેમની આવક ક્યારે બમણી થાય એ તો સરકાર જ કહી શકે.

ગામના સરપંચ બાબુભાઇ પટેલ ગામની વિતકકથા બયાન કરતાં કરતાં કહે છે કે અમારી ગ્રામ પંચાયત સૌથી પહેલી સમરસ ગ્રામ પંચાયત છે. ચૂંટણી વગર જ સભ્યો વગેરેની પસંદગી થઇ છે. પરંતુ સમરસ ગામને પાણીની એવી તંગી પડી રહી છે કે ખેડૂતોને ખેતીમાં રસ જ નથી, શું કરે બિચારા…પાણી વગર ખેતી કઇ રીતે થાય…એમ કહીને તેઓ કહે છે કે સુજલામ સુફલામ યોજના હેઠળ ગામનું તળાવ ભરવા બજેટ મંજૂર થયું છે. એજન્સી નક્કી થઇ ગઇ છે. તેમ છતાં ગામનું તળાવ હજુ સુધી પાઇપલાઇન નાંખીને ભરવામાં આવ્યું નથી. ગામના તળાવમાં પાણી ભરાય તો જમીનમાં પાણીના તળ ઉંચા આવે અને જમીન ભેજવાળી બને તો ખેતીને પણ ફાયદો થાય.

તેઓ વિનંતીના સ્વરમાં કહે છે કે હાલમાં પંચાયત દ્વારા 800 ફૂટ ઉંડેથી બોર દ્વારા પાણી મેળવીને ગામના લોકોને પીવા માટે અપાય છે અને તે પણ પૂરતાં પ્રમાણમાં તો નહીં જ. જ્યાં પીવા માટે પૂરતાં પ્રમાણમાં પાણી ન મળે ત્યાં ખેતીની તો વાત જ ક્યાં થાય. ખેડૂતો ચોમાસામાં જે વરસાદ થાય તેમાં ખેતી કરે છે. ચોમાસા બાદ મંડાલીના ખેડુપૂત્રે જમીન પર જ નજર માંડીને બેસી રહેવુ પડે છે અને પાઇપલાઇન દ્વારા ક્યારે પાણી મળશે તેની રાહ જોતા હોય છે.

ગામની નજીક 3 કિ.મી. દૂર સુધી પાઇપલાઇન આવી ગઇ છે બસ ત્યાંથી મંડાલીના તળાવ સુધી પાઇપલાઇન નાંખવામાં આવે તો અમને આ પાણીની તંગીરૂપી અગ્નિપથની મથામણમાંથી છૂટકારો મળે એમ કહીને ગામના સરપંચ સરકારને ઉદ્દેશીને કહે છે કે અમારૂ ગામ ગાંધીનગરની નજીક છતાં ગામને પીવાનું અને ખેતી માટે પાણી માટે વલખાં મારવા પડે છે, પાઇપલાઇન સત્વરે નાંખવા સચિવાલયમાં તંત્રને વારંવાર કહેવું પડે, લખવું પડે એ સમરસ ગામ માટે તો યોગ્ય નથી જ. ગાંધીનગરમાં બેસતી સરકારે સમરસ ગામની સમસ્યાને સત્વરે ઉકેલવાનું વલણ અપનાવવુ પડશે અને જો તેમ ના થાય તો પછી સમરસ ગામનો મહિમા ગાવાનો પણ કોઇ અર્થ રહેતો નથી.

પાણીના અભાવે ખેડૂતોને નાછૂટકે ખેતરમાં નીલગીરી વાવવાની ફરજ પડી રહી છે, કેમ કે નીલગીરી માટે પાણીની જરૂરીયાત નહીંવત હોય છે, એમ કહીને સરપંચ બાબુભાઇ કહે છે કે અમારૂ સમરસ ગામ કૃષિક્ષેત્રે કદમથી કદમ મિલાવીને ચાલવા તૈયાર છે. અમારા ગામના ખેડૂતો મહેનતથી ડરે તેમ નથી. બસ, તેમના માટે પાણીની યવસ્થા કરી આપો, પછી જુઓ કે મંડાલીના ખેડૂતો અગ્નિપથ પર ગુલાબના ફુલો ના ઉગાડે તો અમારા ગામનું નામ બદલી નાંખે સરકાર.. એક ખેડૂત માટે પાણી એટલે તેની જીવાદોરી છે. ગામને નર્મદાનું પાણી ભલે ના મળી શકે પરંતુ સુજલામ-સુફલામ યોજના હેઠળ તો પાણી મળવુ જ જોઇએ અને તે યોજના હેઠળ અંદાજે 41 લાખનું બજેટ પણ મંજૂર છે, કામ કરનાર એજન્સી નક્કી છે અને કોઇ સારો ચોઘડિયો જોઇને પાઇપલાઇન માટે ખાતમુહુર્ત થાય તો ભઇશાબ, અમે તો ગંગા નાહ્યાં સમજો.. એક હજાર ફૂટેથી પાણી લેવુ પડે અને તેમાં પણ બોર ફેલ થાય તો લાખોનો ખર્ચ માથે પડે.

એટલે અમારી સરકાર અને મંત્રીને વિનંતી છે કે અમારા ગામની પાણીની તંગી નિવારો. અમારે કાંઇ 24 કલાક પાણી જોઇતું નથી. ગામના લોકોને રોજ બે ટાઇમ શહેરોની જેમ પૂરતાં પ્રમાણમાં પીવા માટે અને ખેડૂતોને અંદાજે 5 હજાર વીઘાની જમીનમાં ખેતી માટે પાણી મળે તો અમારા માટે તે દિવાળી સમાન બની રહેશે..

સરપંચે “નેટડાકિયા ન્યૂઝ વેબસાઇટ”નો આભાર માનતા કહ્યું કે તમે અમારી સમસ્યા સાંભળવા આવ્યાં અને જાતે જોયું તે બદલ મંડાલી ગામના લોકો વતી નેટડાકિયાને અભિનંદન અને અમારા ગામની સમસ્યા સરકાર સુધી પહોંચે અને સત્વરે કામ શરૂ થાય તેવી અમારી લાગણી શહેરીજનો સુધી પણ પહોંચે. કેમ કે શહેરોમાં પાણી ના મળે તો માટલા ફોડીને સત્તાવાળાઓનું ધ્યાન દોરવામાં આવે છે પણ અમે ખુદ ગ્રામ પંચાયત કોની સામે જઇને માટલા ફોડીએ….? એટલે મંડાલી ગામને વહેલામાં વહેલી તકે પાણી મળે અને ખેડૂતો ચોમાસા સિવાય પણ ખેતી કરી શકે તો તેમની આવક બમણી થઇ શકે.

તંત્રી – દિનેશ રાજપૂત

 180 ,  1