‘તું તો લફડા વાળી છે..’, સાસરીયાના ત્રાસથી પરણિતાએ ફિનાઇલ પીધું

પરણિતાને અન્ય યુવક સાથે પ્રેમ સંબધની જાણ સાસરીયાને થઇ હતી

પરણિતાએ માફી માંગી સાથે રહેવા લાગી પરંતુ સાસરીયાએ ત્રાસ આપ્યો

બાપુનગરમાં રહેતી મહિલાને પરપુરુષ સાથે સંબંઘ હોવાની જાણ પતિ સહીત સાસરિયાને થતા તેણે માફી માગી હતી અને સાસરીયા સાથે રહેવા લાગી હતી. જો કે, તે મુદ્દે તું તો લફડા વાળી છે કહી અવાર નવાર મેણા ટોણા મારિ શારીરીક અને માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી તંગ આવીને મહિલાએ કપડા ધોવાનું બ્લિચિંગ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે બાપુનગર પોલીસે પતિ સહિત સાસરિયાના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી સ્નેહાના (ઓળખ છુપાવા નામ બદલ્યું છે) લગ્ન પંદર વર્ષ પહેલા તેમના સમાજના મોહિત સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સ્નેહાએ બે સંતાનને જન્મ આપ્યો હતો અને તે સાસરીમાં સારી રીતે રહેતી હતી. જો કે પાંચ વર્ષ પહેલા સ્નેહાને મોટેરા ગામ ખાતે રહેતા એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેની જાણ સ્નેહાના પતિ અને સાસરિયાને થઈ ગઇ હતી. જેથી તે સમયે સ્નેહાએ પ્રેમ સંબંધ તોડી પતિ અને સાસરિયાની માફી માંગી હતી. જો કે ત્યારબાદ આ વાતને ધ્યાનમાં લઈને પતિ તથા સાસુ સ્નેહાને તું લફડાવારી છે અને તું બદચલન છે તેવા મેણા ટોણા મારી ઝઘડો કરવા લાગ્યા હતા. દરમિયાન ગત ગુરુવારે મહિલા ઘરનું કામ કરતી હતી ત્યારે તેનો પતિ, દિયર અને દેરાણી તેની પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે, હજી પણ બીજા છોકરાઓ સાથે તારે આડાસંબંધ ચાલુ છે તેમ જણાવી ઝઘડો કરી મારઝુડ કરી ઘરની બહાર કાઢી મુકી હતી. ત્યારબાદ તેની નણંદ ધમકી આપી હતી કે જો  ફરી આ ઘરમાં આવીશ તો તારા હાથપગ તોડી નાખીશ. જેથી સ્નેહા તેના સગાના ઘરે રહેવા ચાલી ગઈ હતી.

બીજા દિવસે સ્નેહા તેની સાસરીમાં તેના છોકરાને લેવા માટે ગઈ ત્યારે સાસુ અને પતિએ છોકરા આપવાની ના પાડી દીધી હતી. જેથી સ્નેહા તેના સગાના ઘરે પરત આવી હતી અને કપડા ધોવાનું બ્લિચિંગ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે બાપુનગર પોલીસે મહિલાની ફરિયાદના આધારે પતિ સહીત સાસરિયાના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

 17 ,  1