10 દિવસની બાળકીને મુકી ફરાર થનાર મહિલા 200 સીસીટીવી ચેક કર્યા બાદ ઝડપાઈ

ઝડપાયેલી મહિલા પોલીસને ગોળ ગોળ ફેરવી રહી છે, બાળકીની ઓળખ હજુ સ્પષ્ટ થઇ નથી

અમદાવાદના મણિનગરમાં જોગણી માતાના મંદિરે 10 દિવસની નવજાત બાળકીને ત્યજી દેનારને આખરે મણિનગર પોલીસે ઝડપી લીધા છે. પોલીસે 200 સીસીટીવીની ચકાસણી કર્યા બાદ મહિલા સુધી પોલીસ પહોંચી ગઇ છે. જો કે બાળકીને ત્યજી દેવાનુ રહસ્ય અને બાળકીની ઓળખ હજુ સુધી પોલીસને સ્પષ્ટ થઇ નથી.

થોડા દિવસ પહેલા મણિનગર વિસ્તારમાં જોગણી માતાના મંદિર પાસે 10 દિવસની નવજાત બાળકીને ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી, જેના પગલે આસપાસના લોકોએ મણિનગર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે આ બાળકી કોણ મુકી ગયુ છે તેની તપાસ હાથધરી હતી, પરંતુ પોલીસને કોઈ સફળતા મળી ન હતી, જો કે પોલીસે જોગણી માતાના મંદિરની આસપાસના વિસ્તારના 200 જેટલા સીસીટીવી ફુટેજ મંગાવીને તપાસ હાથધરી હતી, જેમાં એક ફુટેજમાં
રીક્ષાની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. જેના પગલે પોલીસે ફતેહવાડીમાં રહેતા રીક્ષા ચાલક મુસ્તફા અજમેરીને પકડી પુછપરછ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે, એક મહિલા બાળકીને રાજસ્થાનથી લાવી હતી. જેથી પોલીસે રાજસ્થાનની મહિલા પ્રસન્ના પ્રજાપતિ અને રીક્ષા ચાલક મુસ્તુફાની ધરપકડ કરી વધુ પુછપરછ હાથધરી છે.

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, પ્રસન્ના પ્રથમ પતિ સાથે છુટાછેડા બાદ તે રાજસ્થાનના વિનોદ સાથે રહે છે. તેથી પોલીસે રાજસ્થાન તરફ પણ તપાસ કરી છે. ઉપરાંત આરોપીના કોલ ડિટેઇલ પણ મેળવ્યા છે.

બાળક રસ્તા પરથી મળ્યું હોવાનુ રટણ કરી રહી છે મહિલા…….

મણિનગર પોલીસે રાજસ્થાનની પ્રસન્નાની પુછપરછ કરી રહી હતી, ત્યારે તેણે જણાવ્યું હતું કે, 10 દિવસનુ બાળક તેને સીટીએમ નજીક એક બસ સ્ટેન્ડ પાસેથી મળી આવ્યું હતું, ત્યાર બાદ તે બાળકને પોતાની સાથે રાખ્યું હતુ. જો કે રિક્ષા ચાલક મુસ્તાફે બાળકને ત્યજી દેવાની સલાહ આપી હોવાનું જણાવી રહી છે. જો કે પોલીસને મહિલાનું નિવેદન શંકાસ્પદ હોવાનુ વરતાઈ રહ્યું છે, કારણકે મહિલા રાજસ્થાનથી 15 દિવસ પહેલા જ અમદાવાદ આવી હતી. જેથી પોલીસને શંકા છે કે આ મહિલા બાળકને ઉઠાવીને લાવી હોય અથવા તો હ્યુમન ટ્રાફિકિંગ સાથે જોડાયેલી હોઈ શકે છે. જેથી વધુ પુછપરછ હાથધરી છે.

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર