કાર્યકરે રોકડુ પરખાવ્યું- હવે આવો છો..?, શરમ આવવી જેઇએ તમોને..!

“ચૂંટણીમાં જીવના જોખમે તમારા માટે મતની ભીખ માંગવા નીકળ્યા હતા ભૂલી ગયા.”.?

“કોરોનાની બીજી લહેર પુરી થઈ ગઈ ત્યારે આવો છો ? શરમ આવવી જોઈએ તમને …’’ આવા ઉગ્ર શબ્દોથી ભાજપના બારડોલીના સાંસદને ભાજપના જ એક અદના કાર્યકરે ખખડાવી દેવા ઉપસ્થિત અન્ય નેતાઓ અને કાર્યકરો મૌન બની ગયા હતા. સુરતના પુણા વિસ્તારમાં આવેલા આઇસોલેશન સેન્ટરની મુલાકાતે આવેલા ભાજપના બારડોલીના સાંસદ પ્રભુ વસાવાને ભાજપના જ કાર્યકરનો રોષ સહન કરવાનો વારો આવ્યો હતો, આઇસોલેશન સેન્ટર પહોંચેલા બારડોલીના સાંસદને સ્થળ ઉપર ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાએ દ્વારા જ ઉગ્ર વિરોધ કરતા સાંસદ પ્રભુ વસાવા શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા. રાજ્યભરમાં ભાજપના નેતાઓ સામે લોકોમાં પ્રવર્તી રહેલા રોષનું આ બહાર આવેલું આ એક નાનું અમથુ ઉદાહરણ છે.

પુણા વિસ્તારમાં આવેલા આઇસોલેશન સેન્ટરની મુલાકાત લેવા ગયેલા સાંસદ પ્રભુ વસાવાને મહેશ હિરાપરા નામના ભાજપના જ કાર્યકરે તમામની હાજરીમાં ખખડાવી નાખ્યા હતા. કાર્યકરે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે , બીજી લહેર પૂરી થઇ ગયા બાદ આવ્યા છો, અત્યાર સુધી તમે ક્યાં હતા, તમને શરમ આવવી જોઈએ. ઇલેક્શનમાં તમારી માટે કામ કરતા લોકોની પણ તમે ચિંતા કરી નથી. કોર્પોરેશનની ચૂંટણીમાં જીવના જોખમે તમારા માટે અમે મતની ભીખ માંગવા નીકળ્યા હતા…

નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરો ઉપર થયેલા હુમલાના વિરોધમાં ભાજપ દ્વારા સમ્રગ દેશમાં ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, સુરત ખાતે આવા જ એક કાર્યક્રમમાં મેયર હેમાલી બોઘાવાળા ગયા હતા ત્યારે અમુક ભાજપના જ કાર્યકરો દ્વારા મેયરનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો, જેના કારણે મેયર પોતાની કારમાં બેસીને રવાના થઈ ગયા હતા. કાર્યકરોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે, જયારે ઇન્જકેશન અને ઓક્સિજનની જરૂર હતી ત્યારે તમે ક્યાં ગયા હતા…એવા સવાલો કરવામાં આવ્યાં હતા.

 82 ,  1