September 18, 2021
September 18, 2021

ધોળાવીરા, ખમ્મા મારાવીરા..કંઇક રહસ્ય ખોલો તો જાણીએ..

ધોળાવીરા કી કહાની-ધોળાવીરા કી જુબાની..

વિશ્વનું પહેલું લિખિત સાઇનબોર્ડ ધોળાવીરામાંથી મળ્યું..

ધોળાવીરા કહે છે-મૈ ઔર મેરી તન્હાઇ…

ધોળાવીરા શહેરમાં એલિયન આવતા હતા..?

ધોળાવીરાનો સંદેશો-કલાઇમેટ ચેન્જથી બચશો..

સાઇનબોર્ડના ઉકેલ માટે તમિલનો ઉપયોગ કરી શકાય..

મૈં ઔર મેરી તન્હાઇ અક્સર યે બાતે કરતે હૈ…હાં સાવ સાચુ છે. તમારા યુગની પેલા લાંબા અભિનેતાની આ પંક્તિઓ મને બરાબર લાગૂ પડે છે…! કેમ કે મૈં ઓર મેરી તન્હાઇ… આ જ વાત કરી છીએ. કઇ વાત… ?

” મારૂ નામ છે ધોળાવીરા. હાલમાં હું ભારત વર્ષના ગુજરાત પ્રાંતના કચ્છ જિલ્લાના મુખ્યમથક ભૂજથી નોર્થઇસ્ટમાં 213 કિ.મી. દૂર ખદીર બેટની નીચે ધરબાયેલુ છું. 23.8809 ઉત્તર અક્ષાંશ અને 70.2140 પૂર્વ રેખાંશમાં આવેલો છું. ભલુ થજો આર્કિયોલોજીસ્ટ વાયએસ રાવત અને આરએસ બિસ્ટનું કે જેમણે 1987માં મને મહામહેનતે શોધી કાઢ્યું. આભાર રાવતજી અને બિસ્ટજી….

હું 5 હજાર વર્ષ જુનો છું. મારા સમયકાળમાં મારી આજુબાજુ અને દૂર દૂર સુધીનો સમયકાળ કે સંસ્કૃતિ હરપ્પન કે સિંધુ સંસ્કૃતિ ગણાતી હતી. હું એક સરસ રીતે ડિઝાઇન કરેલું શહેર હતું. આજના સુનિયોજિત ડિઝાઇનવાળા શહેરોની જેમ. મારા શહેરમાં ગટર વ્યવસ્થા હતી, પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા હતી. મારા શહેરના મકાનો ઉજાશવાળા અને મોટા તથા મુખ્ય ઘરથી બહારના દરવાજા સુધી મોટી જગ્યા હતી. મારા શહેરમાં તે વખતે શૌચાલયની વ્યવસ્થા હતી અને ઘરની બહાર જ તેની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી.

મારા શહેરમાં સુખ સંપતિ શાંતિ અને સમૃધ્ધિ હતૂી. નજીકના તે વખતના હરપ્પ્ન શહેરો સાથે અને દૂર સુદૂર દેશદેશાવર સાથે વ્યાપાર હતો. મારા શહેરની રચનામાં લોઅર ટાઉન, મિડલ ટાઉન, કિલ્લો અને ફરતે રક્ષણાત્મક દિવાલો હતી. મારૂ અસ્તિત્વ 1200 વર્ષ સુધી રહ્યું હતું. સોના-ચાંદી, મોતીની માળા અને અન્ય આભૂષણો હતા. માટીના વાસણો હતા. મારા શહેરમાં અને મારા સમયકાળમાં વજનિયા કાંટા હતા. એટલે કે કોઇ ચીજવસ્તુનું વજન કરીને આપવુ કે લેવાના સાધનો(બાટ) હતા. મારી બાજુમાં દૂર મોંહેન જો દરો સભ્ય સંસ્કૃતિ હતી. તે પણ મારી જેમ વિકસ્તિ હતી. તમારા બોલીવુડમાં કોઇએ આ જ નામ પરથી ફિલીમ પણ બનાવી છે. તેનો હીરો રૂડો રૂપાળો લાગે છે. અમારા શહેરમાં પણ તે વખતે એવા જ મજબૂત બાંધાવાળા શરૂીરે કસાયેલા પુરૂષો હતા અને એવી જ મજબૂત બાંધાવાળી રૂડી રૂપાળી સોહામણી નમણી નાર જેવી, પેલી તમારી ઐશ્વર્યા છે ને…પેલા લાંબા અભિનેતાની વહુ એવી ઉંચાઇવાળી મહિલાઓ હતી…

1987માં બિસ્ટે પેરિસમાં મારા શહેરની જમીનમાં ધરબાયેલી પણ થોડી થોડી બહાર આવેલી શહેરની ટાઉન પ્લાનિંગની તસ્વીરે રજૂ કરી ત્યારે દુનિયાના આર્કિયોલોજીસ્ટ્સને નવાઇ લાગી કે આખુ શહેર હયાત અકબંધ પણ ખંડેર હાલતમાં સાબૂત હોય એવુ પહેલીવાર જોવા મળે છે. તેમની વાત સાવ સાચી છે. મારા શહેરમાં અનેક રહસ્યો પડેલા છે, તે વખતની અનેક કલાકૃતિ, સાધનો ધરબાયેલા પડ્યા છે. તે બધા જો બહાર કાઢવામાં આવે તો 5 હજાર વર્ષ પહેલાં મારા શહેરમાં અને મારી આસપાસ કેવી ભવ્યતા..વિશાળતા..નયનરમ્ય સ્થળો, કેવી નગર રચના, કેવી ટેકનોલોજી, વ્યાપારની જગ્યાઓ, વજનિયા કાંટા, આભૂષણો, સોનાના છાપેલા સિક્કાનો જથ્થો પડેલો છે.

અને હાં, તમને મારા શહેરમાંથી એક સાઇનબોર્ડ પણ મળ્યું છે. જે મારા કાળનું 5 હજાર વર્ષ પહેલાનું લખાયેલુ છે. સાઇનબોર્ડમાં શુ લખેલુ છે તે 21મી સદીના નિષ્ણાતો હજુ ઉકેલી શક્યા નથી. ક્યાંથી ઉકેલી શકે…? કેમ કે તે વખતની ભાષા આજના નિષ્ણાતોને ક્યાંથી આવડે..! આ સાઇનબોર્ડ મારા શહેરના ઉત્તર તરફના દરવાજા પર તે વખતે મૂકવામાં આવ્યું હતું. તેના ઉકેલ માટે ભાષા નિષ્ણાતોએ સાંકેતિક લિપિ અથવા તામિલ ભાષાની મદદ લેવી જોઇએ. કેમ કે તામિલ ભાષા પણ દુનિયાની સૌથી પ્રાચીન 5 હજાર વર્ષ જુની લગભગ મારા સમયકાળની ભાષા છે. શક્ય છે કે તેમાંથી તમને સાઇનબોર્ડમાં શું લખેલુ છે તે કદાજ સમજાય. નહીંતર મને તો ખબર જ છે કે તેમાં એવુ લખેલુ છે કે “ખમ્મા મારાવીરા, ધોળાવીરા શહેરમાં આપ સૌનું સુસ્વાગત છે..પધારો..મહારે દેશ..!!”

મારા શહેરને વિશ્વ ધરોહર-વર્લ્ડ હેરીટેજ-નો દરજ્જો આપવામાં આવ્યો તે બદલ અમે એ શહેરના સૌ ધરબાયેલા ધોળાવીરાવાસીઓ તમારો ખૂબ ખૂબ આભાર માને છે. વર્લ્ડ હેરીટેજ શું હોય છે એ અમને ખબર નથી. અમે તો અમારા શહેરમાં સૌ ખાધે પીધે ( હાં એ વખતે મદિરાપાન થતું હતું, અમારા જ સમયમાં મદિરાપાનમાં યાદવકુળનો નાશ થયો હતો એ મને હજુ યાદ છે…!) સુખી હતા. પણ જળવાયુ પરિવર્તન-કલાઇમેટ ચેન્જને કારણે અમારૂ સુખી સંપન્ન શહેર ખંડેર બની ગયું જે આજે તમને જોવા મળે છે અને જો તમે પણ જળવાયુ પરિવર્તનની ઉપેક્ષા કરશો તો અમારી જેમ ખં…ડે….ર…! અને પછી તમે પણ મારી જેમ ગાશો-મૈં ઔર મેરી તન્હાઇ..અકસર યે બાતે કરતે હૈ…! બીજી એક વાત. સાઇનબોર્ડમાં લખેલુ ઉકેલાય તો કહેજો…હું કચ્છમાંથી મળી આવ્યો એટલે એવુ ના માનશો કે સાઇન બોર્ડમાં, “અહીં કચ્છી દાબેલી મળશે” એવુ લખેલુ છે….! એ એલિયનની ભાષા પણ હોઇ શકે. કેમ કે અમારી વખતે એલિયનની અવરજવર થતી હતી કે કેમ એ પણ શોધી કાઢશો. બાકી અમે તો જાણીએ જ છીએ કે એલિયન કોણ છે…અને હજુ આવા ઘણાં સાઇનબોર્ડ ધરબાયેલા છે..શોધો તો જાણો..બુઝો તો જાનો… ! “

 41 ,  1