વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન આજથી દેશમાં શરૂ, પહેલા 3 લાખ હેલ્થવર્કર્સને અપાશે રસી

દરેક કેન્દ્રો ઉપર ઓછામાં ઓછા 100 લોકોનું રસીકરણ કરવામાં આવશે

કોરોના સામેની જંગ જીતવા માટે આજે દેશભરમાં દુનિયાના સૌથી મોટા રસીકરણના મહાઅભિયાનની શરૂઆત થશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સવારે સાડા દસ વાગ્યે પ્રથમ તબક્કાના રસીકરણ અભિયાનની શરૂઆત કરશે. દેશના તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં આજે ત્રણ લાખથી વધુ હેલ્થ વર્કર્સને કોવિડ 19ની રસી આપવામાં આવશે.

પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડીયા અને હૈદરાબાદની ભારત બાયોટેક કોવિડ વેક્સીન નિર્મિત રસીનો જથ્થો દેશભરમાં વિવિધ સ્થળોએ પહોંચી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સ દ્વારા દેશભરનાં રસીકરણ કેન્દ્રો ઉપર કોવિડ-19 સામે નિર્ણાયક જંગનો પ્રારંભ કરાવશે. દરેક કેન્દ્રો ઉપર ઓછામાં ઓછા 100 લોકોનું રસીકરણ કરવામાં આવશે. રસીકરણની દરેક વિધી ઉપર કોવિડ એપ દ્વારા નજર નિશ્ચીત કરવામાં આવશે. 

આ અભિયાન હેઠળ માર્ચનાં અંત સુધીમાં પ્રથમ ચરણમાં 3 કરોડ લાભાર્થીઓનું રસીકરણ થઇ જશે. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ અને આગળની હરોળમાં ફરજ બજાવતા કાર્યકર્તાઓને રસી અપાશે. કોરોનાની રસી કોવિશિલ્ડ અને કોવેક્સિન અંગે એઈમ્સના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, કોરોનાની આ બંને રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક છે. બંને વેક્સિનને મળેલી મંજૂરી એ સાબિત કરે છે કે કોરોના સામેની લડાઈ જીતવા માટે આ રસી ખૂબ જ ઉપયોગી રહેશે.

આ સાથે તેમણે ઉમેર્યું હતું કે કોરોનાની રસીના બે ડોઝ લીધાનાં 14 દિવસ પછી તેની અસર જોવા મળશે અને રસી લીધા પછી પણ આપણે સાવધાની રાખવી પડશે અને એસએમએસ એટલે કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશનનો પણ ઉપયોગ કરવો જ પડશે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પત્ર લખી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બંને વેક્સિન અંગે અનેક સૂચન આપ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવિટ કરીને જણાવ્યું હતું કે, તેઓ આજે સવારે સાડા દસ કલાકે રસીકરણ મહાઅભિયાનની વિડિયો કોન્ફરન્સનાં માઘ્યમથી શરૂઆત કરાવશે.

 37 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર