અમદાવાદ : યુવકને પીધેલા પોલીસ જવાનોએ માર મારતા મામલો બિચક્યો

એરપોર્ટ વિસ્તારમાં પોલીસ ખોટી રીતે દંડ કરી રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

પીધેલી પોલીસને પોલીસે બચાવી ગાડીમાં બેસાડી દરવાજો બંધ કરી દીધો

પોલીસકર્મીઓ દારૂ પીને ડયુટી કરે છે: MLA બલરામ થાવાણી

શહેરના એરપોર્ટ ટર્નીંગ પાસે પોલીસ ખોટી રીતે લોકો પાસેથી ટ્રાફિક નિયમ અને માસ્કના નામે દંડની કાર્યવાહી કરી લોકોને હેરાન કરતી હોવા મુદ્દે લોકોએ વિરોધ કર્યો છે. સોમવારે સવારે એક યુવકને લાઈસન્સ બાબતે દારૂ પીધેલી હાલતમાં ચાર પોલીસ જવાને માર માર્યો હતો. આવા આક્ષેપો સાથે સ્થાનિકો અને પોલીસ સામ સામે આવી ગયા હતા.

આ સમયે સ્થાનિક ધારાસભ્ય બલરામ થાવાણી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે પણ આક્ષેપ કર્યો હતો કે ચાર પોલીસવાળા હતા જે દારૂ પીધેલી હાલતમાં હતા. દારૂ પી અને ડ્યુટી કરે છે તે ખોટુ છે. જો કે, પીધેલી પોલીસને પોલીસે બચાવી લીધી હતી અને પીધેલા પોલીસવાળાને ગાડીમાં બેસાડી દરવાજો બંધ કરી દીધો હતો. જેથી લોકોએ હોબાળો મચાવી વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો. 

શહેરમાં પોલીસ અને પબલીક સામ સામે આવી ગઈ હોવાની વઘુ એક ઘટના પ્રકાશમાં આવી છે. નરોડાથી કુબેરનગર ટર્નીગ પર એરપોર્ટ અને કુબેરનગર રોડ પર પોલીસ લાયસન્સ-પીયુસી, વીમા પોલીસીના નામે ખોટી રીતે સ્થાનિકોને હેરાન કરી રહી હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો.

આ દરમિયાન આજે સવારના સમયે એક યુવક ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેને રોકી લાયસન્સ માંગ્યુ હતુ, જેથી યુવકે ડીજી લોકરમાં લાયસન્સ બતાવ્યું હતું. જો કે બીજા પોલીસવાળાએ અન્ય ડોક્યુમેન્ટ બતાવવા બાબતે ઝઘડો કરી યુવક સાથે મારઝુડ કરી હતી. આ સમયે પોલીસવાળા દારૂ પીધેલી હાલતમાં હોવાની જાણ લોકોને થઇ ગઇ હતી. જેથી આસપાસના સ્થાનિકોએ યુવકની મદદ માટે આવી ગયા અને પોલીસની હેરાન ગતિ માટે હોબાળો કર્યો હતો.

તો બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય બલરામ થાવાણી પણ ત્યાં પહોંચ્યા હતા. તેમણે પણ એવો આક્ષેપ કર્યો હતો કે ચાર પોલીસવાળા હતા જે દારૂ પીધેલી હાલતમાં હતા અને દારૂ પી અને ડ્યુટી કરે છે તે ખોટુ છે. બીજી બાજુ ઘટનાની જાણ એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈને થતા તે પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને સંપૂર્ણ પણે તપાસ કરી જે દોષી હશે તેની સામે કાર્યવાહી થશે તેવી રજુઆત કરીને મામલો થાળે પાડ્યો હતો. બીજી તરફ પીઘેલી પોલીસને ગાડીમાં બેસાડી પોલીસે બચાવી હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો.

એક પણ પોલીસ કર્મચારી પીધેલો ન હતો- ડીસીપી ઝોન-4

પોલીસે દારૂપીને સ્થાનિક યુવકને લાયસન્સ બાબતે માર માર્યો હોવાની રજૂઆત સામે આવી હતી. જેથી હું જાતે ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યાં હાજર પોલીસ કર્મચારીને સ્થાનિક લોકોની સામે બહાર કાઢી મોઠુ સુંઘાવડાવી ચેક કર્યા હતા. ઉપરાંત બ્રેથ એનેલાઇઝરથી ચેક કરવા પણ કહ્યું હતું. એક પણ પોલીસ કર્મચારી ડ્યુટી સમયે પીધેલી હાલતમાં ન હતા.  (રાજેશ ગઢીયા, ડીસીપી ઝોન-4)

 80 ,  1