તો હજારો માનવદિન બચી શક્યા હોત – ‘આપ’ નેતા

ખેડૂત નેતાએ આંદોલન અંગે જણાવ્યું કે….

આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂત નેતા સાગર રબારીએ કિસાન આંદોલન સમાપ્તી વખતે પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, આજે સંયુક્ત કિસાન મોરચાએ પોતાનું આંદોલન પાછું ખેંચ્યું, સરકારે તમામ માંગણીઓ સ્વીકારી લીધી. સરકારે શરૂઆતમાં જ વાત-ચીત કરી લીધી હોત તો,

  • 700થી વધારે ખેડૂતો આંદોલન સ્થળે મૃત્યુ પામ્યા તે બચી શક્યા હોત,
  • લાખો માનવ-દિન સરહદે વેડફાયા તે બચાવી શકાયા હોત,
  • વિકેન્દ્રિત રીતે પણ કરોડો રૂપિયાનો ખર્ચ થયો તે બચી શક્યો હોત,
  • ઠંડી-વરસાદ-કરા-ગરમીની હાડમારીથી બચાવી શકાયા હોત,

સરકાર માટે આખી ઘટના “કરવા ગયા કંસાર અને થઇ ગઈ થુલી” જેવી થઇ. ખેતીમાં સુધારા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્વેસ્ટમેન્ટ, એક્સપોર્ટની તાતી જરૂરિયાત છે જ. જેમ છે એમ લાબું ચાલી શકે એમ નથી જ, માત્ર ઉતાવળ થઇ. પહેલા વાત કરી વિશ્વાસમાં લીધા હોત તો આ ઉપાધિ ના થાત.

હવે, કદાચ એવું પણ બને કે, કોઈ પણ સરકાર ખેતી બાબતે કૈં પણ કરતા અચકાય. ખરેખર એવું ના થવું જોઈએ. બધાને વિશ્વાસમાં લઇ, જે કમિટી બની છે તે, માત્ર એમએસપી પર અટકી રહેવાને બદલે, ખેતી ક્ષેત્રને બદલાઈ રહેલી દુનિયા/બઝારના સંદર્ભમાં પણ ચકાસે અને ઉપાયો શોધવામાં આ તકનો ઉપયોગ કરે. કેટલાક સવાલોના કાયમી ઉકેલ શોધવા જરૂરી છે, જેમ કે-

  • રોજ 2500થી વધારે ખેડૂતો ખેતી કેમ છોડે છે?
  • 3,00,000થી વધુ ખેડૂતોએ આપઘાત કર્યા અને હજી એ સીલસીલો કેમ ચાલુ જ છે?
  • ખેતી-પશુપાલન , ગ્રામ-ઉદ્યોગો ખોટનો વેપાર કેમ છે?
  • સિંચાઈ-બઝાર-મૂલ્યવર્ધન-પેકીંગ-વેચાણ જેવી સુવિધાઓથી ખેતી અને ખેડૂત કેમ વંચિત છે?

આવા કેટલાય સવાલો છે જેનો જવાબ શોધીએ તો જ ખેતી-ખેડૂત-પશુપાલન-ગામડાને બચાવી શકાશે. ખેતી-ક્ષેત્રે આભ ફાટ્યું છે, થીગડાં મારે નહિ જ ચાલે. આપણને જે ઉપાયો સુજ્યા તે અહીં પ્રોફાઈલ પિક્ચરમાં 2 વર્ષથી મુકેલા જ છે. એ પણ જરા વિચારવા જેવા તો છે જ.

જે લોકો આંદોલન એટલે પથ્થરમારો, તોડફોડ અને હિંસા જ એમ માને છે એમના માટે ખેડૂત આંદોલન એક ઉદાહરણ છે કે, લોકશાહીમાં, શાંત-અહિંસક રીતે, ધીરજપૂર્વક વાતને વળગી રહીને પણ સરકારનું હૃદય-પરિવર્તન કરી શકાય છે, પોતાની વાત મનાવી શકાય છે.

 119 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી