કોટ વિસ્તારની બહાર પણ છે બીજુ એક પોશ અમદાવાદ…

આ રીતે અમદાવાદના વિસ્તારો બન્યા હાઈફાઈ અને વાઈફાઈ

યુપીએની કોગ્રેસ સરકારે આમ તો વર્ષ ૨૦૦૫માં અમદાવાદને મેગાસિટીનો દરજ્જો આપ્યા બાદ શહેરના વિકાસમાં જબરદસ્ત વેગ આવ્યો છે. આ ઉપરાંત સરકારના જનમાર્ગ પ્રોજેકટથી શહેરમાં BRTS અને AMTS સુધીના ઉભા થયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે પણ ભૌતિક સુવિધાઓમાં વધારો થયો છે. કોઇપણ શહેરના માળખાકીય વિકાસમાં એક ચમક ઉભી કરવામાં બિલ્ડરો અને પ્રોપર્ટી ડેવલપર્સનો મોટો ફાળો હોય છે.

અવનવા પ્રોજેક્ટ્સ અને તેના માર્કેટિંગ દ્વારા તેઓ કોઇપણ ઉજ્જડ – વેરાન કહેવાતા એરિયામાં મકાનો અને કમર્શિયલ પ્રોપર્ટીઝના ભાવો આસમાને લાવી દેતા હોય છે. કોટ વિસ્તાર અને આશ્રમ રોડ સુધી રહેલું એક સમયનું અમદાવાદ આજે ચારેય દિશાઓમાં વિસ્તરી અને વિકસી ચુક્યું છે ત્યારે વાત કરીએ અમદાવાદના સૌથી પોશ અને મોંઘા વિસ્તારોની..

S.G. હાઈવે : છેલ્લા કેટલાક વર્ષોથી સરખેજ – ગાંધીનગર હાઈવે એટલે કે SG હાઈવે પર નવી નવી હોટલો – રેસ્ટોરન્ટ – કોર્પોરેટ – હોસ્પિટલ્સ અને ઓફિસો ખુલી રહી છે. વર્ષ ૨૦૦૭ પછી એસ.જી. હાઈવેનો વિકાસ શરુ થયો ત્યારથી આજસુધી જો સૌથી લાંબો પોશ રસ્તો જો કોઈ હોય અમદાવાદમાં તો તે એસ.જી. હાઈવે છે.

શરૂઆતમાં એસ.જી. હાઇવેનો મહત્તમ વિકાસ થલતેજ સર્કલથી ઇસ્કોન સર્કલ સુધી જોવા મળતો હતો ત્યારબાદ વૈષ્ણોદેવી અને હવે તો અદાણી શાંતિગ્રામ – ખોડીયાર બ્રિજથી છેક સાણંદ ચોકડી સુધી એટલે કે કુલ 19 કિલોમીટરનો સમગ્ર પટ્ટો વિકસી રહ્યો છે. આ ઉપરાંત વચ્ચે અડલજ અને ઉવારસદ ગામને છોડીએ તો સરગાસણ ગાંધીનગર સુધી આ રસ્તા પર બિલ્ડીંગો બની ચુક્યા છે અને ઊંચા ભાવો બોલાય છે.

અમદાવાદ શહેરની હદમાં ઉત્તર દિશામાં વૈષ્ણોદેવી સર્કલથી શરુ થતા એસ.જી. હાઈવે વૈષ્ણોદેવીથી ગોતા બ્રિજ સુધી નિરમા યુનીવર્સીટી, એસ.જી.વી.પી., તિરુપતિ મંદિર, કાઠીયાવાડી રેસ્ટોરાં – ધાબા તેમજ હોસ્પિટલ આવેલા છે, ત્યાંથી માર્બલના માર્કેટ, સોલા ભાગવત, ફાઈવ સ્ટાર હોટલ્સ. રેસ્ટોરન્ટો, રેસિડેન્શિયલ તેમજ કમર્શિયલ બિલ્ડીંગ, ઝાયડસ હોસ્પિટલ, થીએટરો, ઇસ્કોન મંદિર, ક્લબો, હાઈકોર્ટ, ગુરુદ્વારા, કોર્પોરેટ હાઉસો, ખાણીપીણીના બજારો સાથે સાણંદ ચોકડી સુધી સમગ્ર પોશ રોડ ધમધમે છે.

જો ધ્યાન આપીને જોઈએ તો એસ.જી. હાઈવેના પશ્ચિમ બાજુના પટ્ટા પર હજુ કોઈ નોંધપાત્ર ઈમારતો નથી બની, તેમાં પણ ઇસ્કોન સર્કલ બાદ ધનાઢ્યોના બંગલાને છોડતા છેક સાણંદ ચોકડી સુધી કોઈ મોટી ઈમારત જોવા નહી મળે. આ ઉપરાંત એસ.જી. હાઈવે માત્ર એક રોડ જ વિકસ્યો તેમ નથી પરંતુ તેના કારણે તેની આસપાસના વિસ્તારો પણ વિકસ્યા અને ભાવો આસમાને પહોંચી ગયા.

સિંધુ ભવન રોડ : હાલમાં અમદાવાદ શહેરનો નવો વિકસેલો સૌથી પોશ રોડ હોય તો તે છે સિંધુ ભવન રોડ. પકવાન સર્કલથી શરુ થઈને એસ.પી. રિંગ રોડ સુધીના રોડનું નામ સિંધુ ભવન રોડ છે. સિંધુ ભવન નામના હોલને કારણે આ રોડનું નામ સિંધુ ભવન રોડ નામ પડ્યું છે. 4 કિલોમીટરના આ રોડ પર નવા આધુનિક બિલ્ડીંગો બન્યા છે જેમાં હાઈફાઈ સલુન, કેફે, જીમ, રેસ્ટોરાં અને શોરૂમો આવેલા છે, આ ઉપરાંત શહેરના મોંઘા પાર્ટીપ્લોટ અને બંગ્લોઝ પણ આવેલા છે.

આ સમગ્ર રસ્તાનો વિકાસ આનંદીબહેન પટેલના સમયમાં થયો હતો અને તેમના શાસનમાં આ સમગ્ર માર્ગ RCC નો બનાવવામાં આવ્યો હતો. જે તે સમયે આનંદીબહેન પટેલ આ વિસ્તારના ધારાસભ્ય ઉપરાંત ગુજરાતના સીએમ પણ હતા. નવી પેઢી માટે આ રોડ સૌથી વધુ પસંદગીનો છે કારણકે આ રસ્તાની ચમક, આ રસ્તા પર આવેલા ફૂડ ટ્રક પાર્કસ અને કેફે તેઓને આકર્ષે છે.

હાલમાં પણ આ રોડ પર અનેક નવા પ્રોજેક્ટ્સ મુકાઈ રહ્યા છે તેમજ આ રસ્તા પર પ્રોપર્ટીઝના ભાવ લગભગ ૫ થી ૭ હજાર રૂપિયા સ્ક્વેર. ફૂટ જેટલા ચાલી રહ્યા છે. હાલમાં આ રોડ પર તાજ હોટલ અને કોર્ટયાર્ડ હોટલ આવેલી છે, હજુપણ અનેક મોટી હોટલોના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે.

C.G. રોડ : અમદાવાદ શહેરના પશ્ચિમ દિશામાં વિકાસ બાદ સૌથી પહેલા જે રોડનો વિકાસ થયો હોય તો તે છે સી.જી. રોડ. અમદાવાદમાં એસ.જી. હાઈવેની અગાઉ સીજી રોડને જ સૌથી પોશ રોડ ગણવામાં આવતો હતો. જો કે આજેપણ અમદાવાદના પૂર્વ છેડાના લોકોને એસ.જી. હાઈવે દુર પડતો હોવાથી તેમજ આ વિસ્તાર શહેરની મધ્યે આવેલો હોવાથી સી.જી. રોડ મહત્વ ધરાવે છે. સી.જી. રોડ પર મહત્તમ કમર્શિયલ બિલ્ડીંગો આવેલા છે.

શહેરના સ્ટેડીયમ સર્કલથી પંચવટી અને હવે પરિમલ ગાર્ડન સુધીના રોડને C.G. રોડ કહેવામાં આવે છે. CG રોડ એટલે ચિમનભાઈ ગીગાભાઈ રોડ. શહેરના પશ્ચિમ ભાગના વિકાસ સાથે આ માર્ગ સૌથી પહેલા એટલે વિકસ્યો કારણકે જે તે સમયે શહેરના મિલ માલિકોના બંગલા આ રોડ પર આવેલા હતા, સમય જતા તેઓના બંગલા તૂટીને કમર્શિયલ બિલ્ડીંગો બની ગયા અને સીજી રોડનો વિકાસ થતો ગયો.

હાલમાં પણ સીજી રોડ એક મોટું અને મહત્વનું માર્કેટ ગણવામાં આવે છે. કપડાના શોરૂમ્સ, મોટા જવેલર્સ ઉપરાંત શોપિંગ મોલ અને અન્ય ઘણી બ્રાન્ડ્સના શોરૂમ ,અનેક કોર્પોરેટ હાઉસો – હોટલ્સ અને રેસ્ટોરન્ટસ સીજી રોડ પર આવેલા છે. સીજી રોડ જુનો હોવાથી તેનો રસ્તો એસજી હાઈવેની જેમ પહોળો નથી, ફોરલેન રસ્તાને કારણે અને પાર્કિંગની સમસ્યાને કારણે આ રોડ પર સાંજના સમયે ટ્રાફિક જોવા મળે છે. હાલમાં પણ સીજી રોડ પર નવા નવા પ્રોજેક્ટ્સ મુકાઈ રહ્યા છે અને વિકાસ થઇ રહ્યો છે. એસ.જી. હાઈવેની સાથે લોકો સી.જી. રોડ પર પણ ઉજવણી કરવા ઉમટી પડતા હોય છે.

ઝાયડસ રોડ : અમદાવાદ શહેરનો સૌથી વધુ વિકાસ થયો હોય અને સૌથી મોંઘા વિસ્તાર હોય તો તેમાં વૈષ્ણોદેવી સર્કલથી સાણંદ ચોકડી સુધીના એસ.જી. હાઈવે અને એસ.પી. રિંગ રોડની વચ્ચેના વિસ્તારો છે. શહેરની ફરતે આવેલા એસ.પી. રિંગ રોડને એસ.જી. હાઈવે સુધી જોડતા દરેક વિસ્તાર અને રસ્તા પોશ છે. જેમાંના એક સિંધુ ભવન રોડની તો અગાઉ વાત કરી.

એસ.જી. હાઈવે પર સોલા બ્રિજ આગળ આવેલી ઝાયડસ હોસ્પિટલ સર્કલથી શરુ થતો આ માર્ગે નવો વિકસી રહેલો માર્ગ છે. આ રસ્તા પર ઉદ્યોગપતિઓના બંગ્લોઝ, કમર્શિયલ કોમ્પ્લેક્ષ, પાર્ટી પ્લોટો ઉપરાંત ઘણા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. હજુ આ માર્ગ સંપૂર્ણપણે વિકસિત નથી પરંતુ હાલની પરિસ્થિતિ જોતા આ રસ્તાને અને વિસ્તારને પોશ જરૂરથી કહી શકાય. આ રસ્તા પર પ્રોપર્ટીઝની ડીમાંડ વધી રહી છે તેમજ ભાવો પણ ઘણા ઊંચા છે. ઝાયડસ હોસ્પિટલથી શરુ થતો આ માર્ગ બાગબાન સર્કલથી ૧ કી.મી. આગળ સિંધુ ભવન રોડ સાથે જ જોડાય છે, તો બાગબાન સર્કલથી જમણી તરફ શિલજ બાજુ વળતો માર્ગ પણ ઘણો પોશ અને વિકસી રહેલો છે, જ્યાં ઘણી જાણીતી હસ્તીઓના બંગ્લોઝ આવેલા છે.

રાજપથ રંગોળી રોડ : ઉપર કહ્યું તેમ રાજપથ રોડ પણ એસ.જી. હાઈવે પર આવેલા રાજપથ ક્લબથી એસ.પી. રિંગરોડ સુધી આવેલો છે. આ રોડ પર પણ મોટા બંગ્લોઝ અને હાઈફાઈ કેફેઝ, રેસ્ટોરંટસ આવેલી છે. જો કે આ માર્ગ પણ હજુ સંપૂર્ણ વિકસિત નથી. અનેક પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. પરંતુ હાલની પરિસ્થિતિ અને પ્રોપર્ટીઝના ભાવો જોતા આ રોડ પણ વિકસ્યા બાદ એકદમ પોશ અને મોંઘો બની રહે તેમ જણાય છે.

જજીસ બંગ્લોઝ રોડ : શહેરના ૧૩૨ ફૂટ રિંગરોડ પર આસોપાલવ શોરુમથી પકવાન સર્કલ – એસ.જી. હાઇવે સુધીનો માર્ગ એટલે જજીસ બંગ્લોઝ રોડ. આ રોડ પર હાઈકોર્ટના જજીસ અને ચિફ જસ્ટીસનો બંગલો આવેલો હોવાથી જજીસ બંગ્લોઝ રોડ કહેવાય છે. અનેક રેસીડેન્શિયલ અને કમર્શિયલ પ્રોપર્ટીઝ તેમજ હોટલ સાથેનો આ રોડ ઘણો પોશ છે.

શહેરના મોંઘા ગણાતા બોડકદેવ અને વસ્ત્રાપુર વિસ્તારમાં આવતો આ રોડ સંપૂર્ણ વિકસિત છે, આ રોડ પર ઘણા ઓછા ખાલી પડી રહેલા પ્લોટ જોવા મળશે, જેમાં કેશવબાગ પાર્ટી પ્લોટ આસપાસ પણ હાલમાં અનેક નવી ઇમારતો બની રહી છે. ૨.૪. કિમીના આ રોડ પર પાર્ટીપ્લોટ ઉપરાંત ITC ની ૨૨ માળની હોટલ બની રહી છે, શોરૂમો અને કોર્પોરેટ ઓફીસ, રેસ્ટોરંટ તેમજ પ્રાઈડ હોટલ આવેલી છે. વર્ષ ૨૦૦૧ માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ દરમિયાન સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર માનસી ટાવર પણ આ રોડ પર જ આવેલા છે.

ઇસ્કોન આંબલી રોડ : આ રોડ એસ.જી. હાઈવે અને એસ.પી. રિંગરોડ વચ્ચેનો વધુ એક પોશ માર્ગ છે. ઇસ્કોન સર્કલથી આંબલી – બોપલ ચોકડી સુધીનો 3.1 કિમીના આ રોડ પર અનેક ગગનચુંબી ઇમારતો આવેલી છે તેમજ બની રહી છે. આ રોડ પર ૨૨ માળની અનેક રેસીડેન્શિયલ અને કમર્શિયલ ઇમારતો બનેલી છે તેમજ બની રહી છે.

સૌપ્રથમ અગાઉ ઇસ્કોન સર્કલ પર જે બિગ બજાર હતું ત્યાં એક કમર્શિયલ બિલ્ડીંગ બની રહ્યું છે. ત્યાંથી આગળ ગેલોપ્સ મોલ હતો જે તૂટીને ૨૨ માળના કમર્શિયલ અને રેસીડેન્શિયલ બિલ્ડીંગનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ત્યાંથી આગળ પણ અનેક પોશ સોસાયટીઓ આવેલી છે. આ રોડ પર ૧.૨ કરોડથી ૨૨ કરોડની કિંમત સુધીના એપાર્ટમેન્ટસ આવેલા છે.

આનંદનગર રોડ : ૧૩૨ ફૂટ રિંગ રોડ પર શ્યામલ ચાર રસ્તાથી એસ.જી. હાઈવે પ્રહલાદનગર સર્કલ સુધીનો રોડ એટલે આનંદનગર રોડ. આનંદનગર નામની મોટી સોસાયટીના નામે આ રોડ ઓળખાય છે. 3.5 કિલોમીટરના આ રોડ પર અનેક પોશ સોસાયટીઓ આવેલી છે. અવનવી ડિઝાઈન સાથેના બિલ્ડીંગ્સ અને શોરૂમ્સને કારણે આ માર્ગની રોનક અલગ છે.

આ રોડ પર પ્રોપર્ટીઝના ભાવ પણ ઘણા વધારે છે. આ રોડ પર પણ હવે ખાલી રહેલા પ્લોટ્સ ઘણા ઓછા છે. અનેક મોટી મોટી કંપનીઓની ઓફીસ પણ આ માર્ગ પર આવેલી છે. આ ઉપરાંત શહેરના મોંઘા ગણાતા જોધપુર – પ્રહલાદનગર વિસ્તારની મધ્યે આ રોડ આવેલો છે તેથી તેની કિંમત પણ કઈક વિશેષ જ હોય.

કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર : પ્રહલાદનગર ગાર્ડનથી શરુ થઈ દક્ષિણ દિશામાં મકરબા તરફ જતા આ રોડ પર અનેક કોર્પોરેટ ઓફિસો આવેલી છે. આ રોડ પર હાઈફાઈ રેસીડેન્શિયલ સોસાયટીઝ પણ આવેલી છે. અનેક મોટી કંપનીઓની ઓફીસ આ રોડ પર આવેલી હોવાથી તેનું નામ કોર્પોરેટ રોડ રાખવામાં આવ્યું છે. એક મહત્વના લોકેશન માટે અને બ્રાંડ વેલ્યુના ભાગરૂપે આ રોડ પર ઓફિસો લેવાની ઘણી ઉંચી ડીમાંડ રહે છે.

નવા વિકસેલા 2 કિલોમીટરના આ રોડ પર હજુ અનેક નવા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. આવનારા દિવસોમાં પણ આ રસ્તો શહેરનો ઘણો મહત્વનો રાજમાર્ગ બની રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

ડ્રાઈવ ઇન રોડ : હેલ્મેટ સર્કલથી શરુ થઈ એસ.જી. હાઈવે થલતેજ સુધીના આ માર્ગનું નામ ડ્રાઈવઈન સિનેમા પરથી પડ્યું છે. હાલમાં તો આ રોડ મેટ્રો ટ્રેનના કામકાજને કારણે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ રોડ પર પણ મોલ્સ, થીએટર, શોરૂમ્સ ઉપરાંત ટીવી ટાવર અને હોસ્પિટલ્સ આવેલી છે. આ રોડ પર પણ ખાલી પ્લોટ્સ દેખાવા મુશ્કેલ છે. સંપૂર્ણ વિકસિત આ માર્ગને મેટ્રો ટ્રેનના રૂટ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અનેક પોશ રેસીડેન્શિયલ સોસાયટી પણ આ માર્ગ પર આવેલી છે.

ગુરુકુળ રોડ : ડ્રાઈવઇન રોડ પર આવેલા સ્વામીનારાયણ ગુરુકુળથી ઉત્તર તરફ એક રસ્તો પડે છે જેનું નામ ગુરુકુળ રોડ છે. આ રોડ પર પણ કપડાના અનેક શોરૂમ્સ આવેલા છે. કમર્શિયલ અને રેસીડેન્શિયલ બન્ને પ્રકારના બિલ્ડીંગ સાથેના આ રોડ એક પ્રકારનું માર્કેટ બની ગયો છે. સંપૂર્ણ વિકસી ગયેલા આ રોડ પર પણ કોઈ ખાલી જમીનનો ટુકડો જોવા નહી મળે.

જો કે હવે ત્યાં જૂની સોસાયટીઓ તૂટીને રિ ડેવલપમેન્ટ થઇ રહ્યા છે. 1.5 કિમીના આ રોડ પર અનેક બ્રાન્ડ્સના શોરૂમ્સ આવેલા છે. તેમજ આ રોડ પણ અમદાવાદના નામી રસ્તાઓમાંથી એક ગણાય છે.

સાયન્સ સિટી રોડ : અમદાવાદના એસ.જી. હાઇવેથી એસ.પી. રીંગરોડ વચ્ચેના પટ્ટાના વિકાસની શરુઆત સાયન્સસિટી રોડથી થઇ હતી. આજથી ૧૩ – ૧૪ વર્ષ અગાઉ એકદમ ઉજ્જડ અને ભેંકાર લાગતા આ રસ્તા પર હવે ચોતરફ મકાનો જ મકાનો થઇ ગયા છે. સોલા બ્રિજના મધ્યભાગથી શરુ થઈને સાયન્સ સિટી આગળ એસ.પી. રિંગરોડ સર્કલ સુધીના 3.5 કિમીના આ રોડ પર હોસ્પિટલ, શોપિંગ સેન્ટર, હાઈરાઈઝ કમર્શિયલ બિલ્ડીંગ – એપાર્ટમેન્ટસ, કોલેજ, સાયન્સ સિટી, પોશ બંગ્લોઝ આવેલ છે.

આ રોડ પર અનેક બ્રાન્ડ્સના શોરૂમ, કેફે અને રેસ્ટોરન્ટ આવેલ છે. આ રોડ પણ એક લેવલથી ઉપરનો ધનિકોનો રોડ કહેવાય છે, આ રોડ પર ૪ કરોડની કિંમત સુધીના એપાર્ટમેન્ટ આવેલા છે તો જમીનોના ભાવ પણ ઘણા ઊંચા છે. આ રોડ પર અનેક પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે અને હજુ તેનો વિકાસ થઇ રહ્યો છે. હાલમાં ઘણી અવરજવરવાળા આ રોડ પર આવનારા દિવસોમાં હજુ વધુ વિકાસ થશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સાયન્સસિટી રોડ પર મકાન હોવું પણ એક સ્ટેટ્સ કહેવાય છે.

આશ્રમ રોડ : ઐતિહાસિક મહત્વ ધરાવતો આશ્રમ રોડ પણ અમદાવાદનો સૌથી વધુ ધમધમતો રોડ છે. ગાંધી આશ્રમથી શરુ થઇ કોચરબ આશ્રમ સુધીનો રોડ આશ્રમરોડ કહેવાય છે. આ રોડ પર ભાગ્યે જ રેસીડેન્શિયલ મકાનો જોવા મળશે. મહત્તમ કમર્શિયલ બિલ્ડીંગો સાથેના આ રોડ પર અનેક સરકારી કચેરીઓ આવેલી છે.

૬ કિમીના આ રોડ પર ઇન્કમ ટેક્સ, ઓલ ઇન્ડિયા રેડિયો, કસ્ટમ હાઉસ, RBI, ચેમ્બર ઓફ કોમર્સ સહિતની કચેરીઓ, ફાઈવ સ્ટાર હોટલો, કોર્પોરેટ હાઉસ, હોસ્પિટલો આવેલ છે. હાલમાં પણ આ રસ્તાને CBD ઝોનમાં મુકવામાં આવ્યો છે, જેમાં બહુમાળી ઈમારતોને મંજુરી છે.

શહેરની મધ્યે આવેલી સાબરમતી નદીની સમાંતરના આ રોડ પર ૨૪ કલાક ટ્રાફિક ધમધમતો જોવા મળે છે. જો કે આશ્રમ રોડ નામ આ એક રસ્તાના બે આશ્રમ વચ્ચેનું છે જ્યારે કે રસ્તો તો સુભાષબ્રીજથી શરુ થઈને સરખેજ ઉજાલા ચોકડીએ પૂરો થાય છે. કોચરબ આશ્રમથી આગળ પણ આ રોડ છેક સુધી વિકસેલો છે.

વંદેમાતરમથી ગોદરેજ ગાર્ડન સિટી : અમદાવાદ શહેરના બીજા એક છેડે નવા વિકસી રહેલા વિસ્તાર ગોતામાં વંદેમાતરમ્ સોસાયટીથી શરુ થઈને ગોદરેજ ગાર્ડનસિટીનો રોડ પણ પોશ એરિયા તરફ જઈ રહ્યા હોવાની અનુભૂતિ કરાવે છે. અન્ય વિસ્તારોની સરખામણીમાં હજુ થોડોક ઝાંખો લાગે પણ આવનારા દિવસોમાં આ રોડ પણ વિકસ્યા બાદ પોશ અને ઝાકમઝોળભર્યો લાગશે તે દિવા જેવી સ્પષ્ટ વાત છે.

વંદેમાતરમ્ અને શુકન સોસાયટીથી શરુ થયેલો આ વિસ્તારનો વિકાસ હવે છેક ગોદરેજ ગાર્ડન સિટી સુધી પહોંચ્યો છે. ખાસ કરીને વંદેમાતરમના પટ્ટા બાદ સેવી સ્વરાજ ટાઉનશીપના શોપિંગ સેન્ટર અને બાદમાં ગોદરેજ ગાર્ડન સિટીની હરિયાળીથી આ રસ્તો મન મોહી લે તેવો છે. ઉપર દર્શાવેલા અન્ય પોશ રસ્તાઓ શહેરમાં વસતા ધનિકો માટે જ પોષાય તેવા છે, ત્યાં મધ્યમવર્ગના લોકોને મકાન કે દુકાન પરવડી શકે નહી, ત્યારે વંદેમાતરમવાળા રોડ પર મધ્યમવર્ગને પોષાય તેવા ભાવે મિલકતો મળી શકે છે. સારી લોકાલીટીની સાથે અફોરડેબલ હાઉસિંગના વિકલ્પ અહી અવેલેબલ છે.

ન્યુ સીજી રોડ : શહેરના એક છેડે આવેલા ચાંદખેડા – મોટેરા વિસ્તારમાં પણ છેલ્લા ૧૦ વર્ષથી સારો એવો વિકાસ થયો છે. શહેરના સેન્ટરથી ૧૨ થી ૧૫ કિમી જેટલું અંતર ધરાવતા આ વિસ્તારમાં પણ સ્થાનિક લેવલે એક માર્કેટ ઉભું થાય તેની જરૂર હતી ત્યારે ચાંદખેડાથી મોટેરાને જોડતા રોડને ન્યુ સીજી રોડ નામ આપીને વિકાસ કરવામાં આવ્યો.

આ રોડ પર અનેક શોરૂમ, સોસાયટીઓ આવેલી છે. અન્ય પોશ રસ્તાઓની સરખામણીમાં આ રસ્તો હજુ ઘણો દુર લાગે પરંતુ એફોરડેબલ એટલે કે મધ્યમવર્ગને પોષાય તેવા ભાવોની મિલકતો આ રસ્તા પર આવેલી છે, એટલે કે સામાન્ય વર્ગના લોકો પણ પોશ રોડ પર રહેવાનો અનુભવ લઇ શકે અને પોતાનું સપનું પૂરું કરી શકે.

મણીનગર મેઈન રોડ : અત્યારસુધી આપણે જે પણ રોડના નામ વાંચ્યા તે પશ્ચિમ અમદાવાદના જ હતા. પૂર્વ અમદાવાદમાં એક સમયે રીલીફ રોડ અને ગાંધી રોડ ઘણા મહત્વના કહેવાતા હતા જો કે હાલમાં આ બન્ને રસ્તા ટ્રાફિક જામના કેન્દ્ર અને હોલસેલ બજારોથી ભરેલા થઇ ગયા છે. પૂર્વ અમદાવાદમાં જો કોઈ પોશ વિસ્તાર હોય તો તે મણીનગર છે.

કાંકરિયાથી શરુ થતા મણીનગરનો રોડ રેલવે સ્ટેશન સુધી જાય છે. આ રોડ પર અનેક શોરૂમ્સ, ઓફિસો, રેસ્ટોરન્ટો આવેલી છે. સાથે સાથે BRTS નો રૂટ જોડાતા આ માર્ગની કનેક્ટિવિટી પણ વધી છે. મણીનગર વિસ્તાર પોશ એરિયા છે તેમજ પૂર્વ અમદાવાદમાં અન્ય વિસ્તારોની સરખામણીએ મણીનગર પશ્ચિમ અમદાવાદના જ વિસ્તારો જેવું વિકસેલું લાગી આવે છે.

આ વાત થઇ અમદાવાદના સૌથી પોશ અને મોંઘા રસ્તાઓની, આ રસ્તાઓ અમદાવાદની આન, બાન અને શાન છે. આ રસ્તાઓ પર મકાનો અને ઓફિસોના ભાવો આસમાને હોય છે તો ત્યાં રહેનારા પણ એક અલગ જ ગર્વ અનુભવતા હોય છે. રસ્તાઓ ઉપરાંત આપણે જો વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદના વસ્ત્રાપુર, બોડકદેવ, સોલા, થલતેજ, સેટેલાઈટ, જોધપુર, પ્રહલાદનગર – મકરબા, આંબલી, બોપલ, સાઉથ બોપલ, શેલા, નવરંગપુરા, નારણપુરા, પાલડી, વાસણા, આંબાવાડી, મેમનગર, નારણપુરા, મણીનગર, શાહીબાગ, નવા નિકોલ, નવા નરોડા, વસ્ત્રાલ, ઉસ્માનપુરા, ગોતા – જગતપુર, ચાંદખેડા – મોટેરા, ત્રાગડ જેવા વિસ્તારો રહેવા માટેના શ્રેષ્ઠ વિકલ્પ છે.

આ ઉપરાંત આવનારા સમયમાં જો વિકસે તેવા વિસ્તારો જોઈએ તો પ્રહલાદનગર સર્કલથી સરખેજ તરફ જતા એસજી હાઇવેથી એસપી રિંગ રોડ તરફનો રોડ, સાઉથ બોપલ રોડ, શાંતિપુરા, વૈષ્ણોદેવી સર્કલથી એકતરફ શાંતિપુરા સર્કલ સુધીનો ૨૦ કિમીનો રોડ અને બીજી દિશામાં વૈષ્ણોદેવી સર્કલથી નવા નિકોલ સુધીના સીધા ૨૩ કિમીના પટ્ટા પર અનેક નવા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. એટલે અડધા ઉપરનો એસ.પી. રિંગ રોડ, રિવરફ્રન્ટ રોડ, કઠવાડા, નાના ચિલોડા, ન્યુ રાણીપ, શિલજ – પલોડિયા, ભાડજ – રાંચરડા, ગોધાવી, ઝુંડાલ, ખોરજ છે.

 56 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી