September 23, 2021
September 23, 2021

નાઇન ઇલેવન…બે દાયકા..બે એકડા અને બે ટાવરો..!

લાદેને અમેરિકાનો અહંકાર ઓગાળી નાંખ્યો પણ પરિણામ..?

અમેરિકા 9/11 હુમલાને ક્યારેય ભૂલી નહીં શકે..

3 હજારના મોત-10 હજાર ઘાયલ અને અબજોનું નુકશાન..

બે વિમાનો ટાવરની સાથે ઓગળી ગયા અને બીજા બે..

વિમાનની અંદર આતંકીઓનો સામનો કરનારને સલામ..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

રાબેતા મુજબ સવાર પડી. સૌ પોતપોતાના ઘરેથી કામધંધે જવા માટે નિકળ્યા. સ્વચ્છ આકાશ અને હવામાન પણ સાનુકૂળ. ક્યાંક એરપોર્ટ પર વિમાનો પોતાના ગંતવ્ય સ્થાને જવા માટે રન- વે રાહ જોઇ રહ્યાં હતા તો કોઇ મંજૂરી મળતા આકાશની તરફ ઉડી રહ્યાં હતા. મોટા ભાગના પોતાની કારમાં તો કોઇ સબ-વેનો ઉપયોગ કરીને પોતપોતાની ઓફિસ તરફ જઇ રહ્યાં હતા. તેમાંથી કેટલાકને ખબર નહોતી કે હવે પછી શું થવાનું છે…!

ન્યૂયોર્ક શહેરમાં 110 માળની બે ઉંચી ઇમારતો કે ટાવરમાં આવેલી ઓફિસોમાં જઇ રહેલા કર્મચારીઓ માટે એ છેલ્લો દિવસ કે છેલ્લી ઘડી હતી. 20 હજાર ગેલન (અંદાજે એક લાખ લિટર) બળતણ સાથેનું અમેરિકન એરલાઇન્સનું બોઇંગ 767 વિમાન સવારે 8.45 વાગે બે ટાવર પૈકી નોર્થ ટાવરના 80માં માળે ટકરાઇને અંદર ઘૂસી ગયું…અને એવા સમાચાર પ્રસારિત થયાં કે તે એક અકસ્માત છે, વિમાન ભૂલથી ટાવરની સાથે અથડાઇ ગયુ, પાયલટની ભૂલ હશે પરંતુ પ્રથમ વિમાન ટકરાયાના 18 મિનિટ બાદ બીજુ એક વિમાન બીજા ટાવરના 60મા માળે જઇને ટકરાયું અને અમેરિકાને સમજાઇ ગયું કે તેનો અહંકાર વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવરની સાથે ઓગળી ગયો…!

પ્રતિ કલાક 200 માઇલની ઝડપે પવન ફૂંકાય તો પણ જેને કોઇ અસર ના થાય એવા આ બે ટાવરો કે જે અમેરિકાની આગવી ઓળખ ધરાવતા હતા તે વિમાનમાં રહેલા પેટ્રોલની ગરમીથી ઓગળીને હતા ન હતા થઇ ગયા તેની સાથે તે વખતના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશનો હુંકાર કે અમેરિકા ઉપર કોઇ આતંકી હુમલો કરી શકે તેમ નથી…..તેનો જવાબ સાઉદી અરેબિયાથી ઓસામા બિન લાદેનના ઇસ્લામિક આતંકી જુથ અલ કાયદાના 18 આતંકીઓએ તે દિવસે અમેરિકાના અલગ અલગ શહેરોમાંથી 4 વિમાનોનું અપગરણ કરીને ટાવરો ઉડાવી દઇને આપ્યો…!

અમેરિકા અને વિશ્વના ઇતિહાસમાં આ આતંકી ઘટના નાઇન ઇલેવન તરીકે અંકિત છે. તારીખ હતી 11 સપ્ટેમ્બર 2001. 11ના આંકડામાં બે એકડાની જેમ આ બે ટાવરો દૂરથી બે એકડાની જેમ લાગતા હતા અને બે એકડાની તારીખ 11મીએ જ લાદેને પોતાનું કામ તમામ કર્યું તો તેના 10 વર્ષ બાદ 2010માં અમેરિકાએ લાદેનનું કામ તમામ કર્યું પણ જે આતંકી સંગઠને લાદેનને નાઇન ઇલેવનના હુમંલા બાદ આશરો આપ્યો તે અફઘાનના તાલિબાનનો અમેરિકા સફાયો કરી શક્યું નથી અને 31 ઓગસ્ટ 2021ની મધ્યરાત્રિએ અમેરિકાના છેલ્લા સૈનિક મેજર ક્રિસે વિમાનમાં ચઢવા પગ મૂક્યો તેના એક જ સપ્તાહમાં ભારતથી થોડેક જ દૂર તાલિબાન આતંકીઓની સરકાર પણ મસ્ત રીતે રશિયા, ચીન અને તાલિબાનોના પિતા પાકિસ્તાનના સાથ સહકારથી રચાઇ ગઇ…!

11-9-2001 અને 31-8-2021. 20 વર્ષ. બે દાયકા. અમેરિકાના કેટલાય સૈનિકો અફઘાનની ધરતી પર તાલિબાનોને હણવામાં હણાઇ ગયા. અબજો ડોલરનો ધૂમાડો થયો. દળી દળીને ઢાંકણીમાં…ની જેમ અમેરિકા બે દાયકામાં લાદેનને હણવા સિવાય બીજુ કાંઇ કરી શક્યુ નથી. ગણતરીના દિવસોમાં જ તાલિબાનો જાણે કે અમેરિકાના વિદાયની રાહ જોઇ રહ્યાં હોય તેમ.બહાર આવ્યાં અને ફટાફટ કાબુલ પર કબ્જો લઇને સરકાર પણ રચી નાંખી. મજા એ છે કે અમેરિકાના મોસ્ટ વોન્ટેડ આતંકી સિરાજુદ્દીન હક્કાની અફઘાની તાલિબાન સરકારના હોમ મિનિસ્ટર હન્યા છે. આખી સરકાર આતંકીઓની હોય એવુ 21મી સદીમાં પહેલીવાર બન્યુ છે અને રોફ અને રૂઆબ છિડકનેવાલે દુનિયાના દેશો મોઢુ વકાસીને જોઇ રહ્યાં છે….! ચીન તિબેટની જેમ અફઘાનિસ્તાનને ગળી જશે ત્યારે તાલિબાનોને એ સમજવામાં મોડુ થઇ ગયું હશે.

નાઇન ઇલેવન આતંકી હુમલામાં 3 હજાર નિર્દોષ લોકો માર્યા ગયા હતા, અંદાજે 10 હજાર લોકો ઘાયલ થયા હતા. હઇજેક કરાયેલા 4 વિમાનોના મુસાફરો પણ કિલ 18 આતંકવાદી પાયલટોની સાથે જ માર્યા ગયા હતા. અલ કાયદાના શિક્ષિત આતંકવાદીઓ પૈકી કેટલાકે ઓળખ છુપાવીને અમેરિકામાં જ વિમાન ચલાવવાની તાલીમ લીધી હતી અને કેટલાક હુમલા પહેલા અમેરિકામાં પ્રવેશ્યા હતા.

અલકાયદાના આતંકી પાયલટોએ જે વિમાનમાં બળતણ વધારે હોય એવા દૂરના સ્થળે જનાર વિમાન પસંદ કર્યુ હતુ જેથી ટ્રેડ સેન્ટરના ટાવરની સાથે અમેરિકાના અહંકારને પણ ઓગાળી શકાય… બે વિમાનો મુસાફરો અને આતંકીઓની સાથે ટાવરમાં ઓગળી ગયા અને એક વિમાન સૈન્ય મથક પેન્ટાગોન પર ત્રાટક્યું જેમાં 125 સૈનિકો અને નાગરિકો માર્યા ગયા હતા અને ચોથા વિમાનમાં મુસાફરોને ત્યાં સુધી મોબાઇલ ફોન દ્વારા ખબર પડી ગઇ હતી કે અમેરિકા પર વિમાનો દ્વારા આતંકી હુમલા થયા છે અને તેમના વિમાનને પણ હાઇજેક કરવામાં આવ્યું છે એ જાણ્યાં બાદ કેટલાક બહાદુર મુસાફરોએ આતંકી અપહરણકર્તાઓની સાથે વિમાનની અંદર જ તેમનો સામનો કર્યો અને પ્રતિ કલાક 500 માઇલની ઝડપે જઇ રહેલું એ વિમાન પેનસ્લેવેનિયામાં 10.10 વાગે તૂટી પડ્યું હતું. એમ કહેવાય છે કે એ વિમાન વ્હાઇટ હાઉસ સાથે ટકરાવવાનું હતું.

અમેરિકા હવે એમ કહેતુ નથી કે અમારા ઉપર કોઇ આંતકી હુમલો નહીં થાય. નાઇન ઇલેવન ઇતિહાસ બની ગયો પણ તેમાંથી બચી ગયેલ તાલિબાન ક્યારે ઇતિહાસ બનશે તેની અમેરિકાને ખબર હશે જ. ભારતની જેમ આતંકવાદનો કડવો સ્વાદ ચાખનાર અમેરિકા આમ તો ચાલાક, ચતુર અને લાગ જોઇને ઘા કરનાર હોવાથી હાલમાં તો તાલિબાનોની સરકારને રમાડશે અને પછી…?! ત્યાં સુધી ભારતે સંભાળીને રહેવુ પડશે…..!!

 22 ,  1