વડોદરામાં થર્ટીફર્સ્ટની મહેફિલમાં હત્યા, પોલીસે નવ લોકોની કરી અટકાયત

 પાદરા તાલુકાના ઘાયજ ગામના ખેતરમાં પાર્ટી દરમિયાન થઇ હત્યા

વડોદરામાં થર્ટીફર્સ્ટની રાતે દારૂની મહેફિલમાં એક યુવકનું મર્ડર થયું હતું. પાદરા તાલુકાના ઘાયજ ગામના ખેતરમાં પાર્ટી દરમિયાન હત્યા થતા તાલુકા પોલીસ દોડતી થઇ હતી આ મામલે નવ યુવકોની અટકાયત કરવામાં આવી છે.

કોરોના મહામારીને કારણે કર્ફ્યુનો કડક અમલવારી કરવા સરકારે આદેશ આપ્યા હતા. આ દરમિયાન તમામ પ્રકારની પાર્ટીઓ તેમજ જાહેરમાં જશ્ન મનાવવા પર પ્રતિબંધ લાગવ્યો હતો. છતાં કાયદાથી બેખોફ બદામાશોએ શહેરની બહાર ગામડાઓમાં પાર્ટીઓનું આયોજન કર્યું હતું. ત્યારે પાદરા તાલુકાના ઘાયજ ગામ પાસેના ખેતરમાં પણ સ્થાનિક અને વડોદરાના યુવાનો દ્વારા ડાન્સ, ડિનર અને ડ્રિંક્સ એમ થ્રીડી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી દરમિયાન ઝઘડો થતાં પાર્ટીમાં સામેલ વડોદરાના નવાપુરા વિસ્તારમાં વણકરવાસમાં રહેતા હિતેશ પરમારનું મોત નીપજ્યું હતું.

હિતેશ પરમારની હત્યા કેવી રીતે કરવામાં આવી અને કોણે કરી એ જાણવા માટે પોલીસ દ્વારા પાર્ટીમાં સામેલ તમામ 9 યુવાનની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. આ પાર્ટીમાં સ્થાનિક સહિત વડોદરાના ગોરવા અને શહેરના વિવિધ વિસ્તારના યુવાનો સામેલ હોવાનું જાણવા મળ્યું છે. થર્ટીફર્સ્ટની રાત્રે પાદરા તાલુકાના ઘાયજ ગામમાં થયેલી હત્યાના બનાવે ઘાયજ ગામ સહિત પાદરા પંથકમાં ચકચાર જગાવી મૂકી હતી.

સવારે આ બનાવની જાણ પાદરા પોલીસને થતાં પોલીસકાફલો સ્થળ પર દોડી ગયો હતો અને લાશનો કબજો લઇ એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. એ સાથે પાર્ટીમાં સામેલ તમામ 9 યુવાનની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.

 68 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર