આ ફિલ્મ છે જ્ઞાની વિજ્ઞાની નાંબી નારાયણની…! ગુજરાત કનેક્શન પણ છે..!

સુપ્રિમે આ વિજ્ઞાનીને તેમની બદનામી બદલ 50 લાખનું વળતર પણ અપાવવ્યું.

ગુજરાતના પૂર્વ પોલીસ ડીજી આર.બી. શ્રીકુમાર.આ ફિલ્મની સાથે સંકળાયેલા છે..

ઇસરો જાસુસી કાંડમાં નિર્દોષ ઠરેલ વિજ્ઞાનીના જીવન પર બની છે ફિલ્મ

એમ કહેવાય છે કે મોદીએ આ પ્રતિષ્ઠિત વિજ્ઞાનીને ન્યાય અપાવ્યો…

રોકેટ એન્જીનની ફોર્મ્યુલા પાકિસ્તાનને વેચવાનો લાગ્યો હતો આરોપ

નાંબી છેક સુધી લડ્યા અને દેશદ્રોહીનું કલંક મિટાવ્યું..

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

ભારતના નામાંકિત વિજ્ઞાનીઓના દેશ અને દુનિયામાં ડંકો વાગે છે. આ વિજ્ઞાનીઓમાં ડો. જગદીશચંદ્ર બોઝ, મેઘનાદ શાહા, એસએન બોઝ, સુબ્રમણ્યમ ચંદ્રશેખર, ડો. વિક્રમ સારાભાઇ, સી.વી.રમન, હરગોવિંદ ખુરાના, ડો. હોમી ભાભા, ડો. અબ્દુલ કલામ વગેરે.નો સમાવેશ થાય છે. ડો. જગદીશચંદ્ર બોઝે સમગ્ર જગતમાં સૌપ્રથવાર એવુ પૂરવાર કર્યું હતું કે વનસ્પતિમાં પણ જીવ હોય છે. ડો. સારાભાઇનો પરમાણુ સંશોધનમાં ફાળો રહ્યો છે. અન્ય પરમાણુ વિજ્ઞાની ડો. હોમી જે. ભાભા 24, જાન્યુ. 1966માં એર ઇન્ડિયાના એક વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા. જે અંગે વિવાદ ચાલે છે. કેમ કે કેટલાક શક્તિશાળી દેશો બીજા દેશોને પરમાણુ ક્ષેત્રમાં આગળ આવવા દેતા નથી.

બોલીવુડમાં ધોની, સચિન, કપિલદેવ, સાયના નેહવાલ, જયલલિતા પર ફિલ્મો બની છે. પણ આવા મેઘાવી વિજ્ઞાનીઓ પર બોલીવુડમાં હજુ સુધી કોઇએ ફિલ્મ બનાવી નથી. જો કે કેરળમાં રહેતા અને ઇસરોની સાથે જોડાયેલા એક વિજ્ઞાનીના સંઘર્ષમય જીવન પર ફિલ્મ બની છે. તે વિજ્ઞાનીનું નામ છે નાંબી નારાયણ. 1994માં કથિત જાસુસી કાંડમાં ધરપકડ કરાયેલા અને ત્યારબાદ વર્ષો પછીની લડતના અંતે નિર્દોષ સાબિત થયેલા ઇસરોના આ વિજ્ઞાની નાંબી નારાયણના જીવન પર બોલીવુડની ફિલ્મ થ્રી ઇડિયેટમાંના એક ઇડિયટ માધવન દ્વારા ફિલમ બનાવવામાં આવી છે. નાંબી અને માધવને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઇને આશિર્વાદ મેળવ્યાં હતા. મોદીએ આ વિજ્ઞાનીને ન્યાય અપાવ્યો એમ કહીએ તો પણ તેમાં જરાય ખોટુ નહીં ગણાય. આ વિજ્ઞાની સંઘર્ષમય જીવનની સાથે ગુજરાત પોલીસનું પણ એક પાત્ર જોડાયેલુ છે. .

નાંબી તિરૂવઅનંતપૂરમમાં રહે છે. ભારત પાસે રોકેટને આકાશમાં સફળતાપૂર્વક છોડવા માટે તે વખતે ક્રાયજેનિક એન્જિન નહોતા. એક મિત્ર દેશ દ્વારા તેની ટેકનોલોજી ભારતને આપવામાં આવી હતી. 1994 માં, કેરળ પોલીસે ઇસરોના વિજ્ઞાની નાંબી નારાયણનને ભારતના અંતરીક્ષ કાર્યક્રમ પરના કેટલાક ગુપ્ત દસ્તાવેજોને વિદેશી દેશોમાં સ્થાનાંતરિત કરવાના આરોપો અંગે કથિત જાસૂસી કરવા બદલ ધરપકડ કરી હતી. સીધો આરોપ-દેશદ્રોહી…

ઓક્ટોબર 1994 માં માલદિવના રાશિદા નામના નાગરિકની ઇસરો રોકેટ એન્જિનના ગુપ્ત ડ્રોઇંગ પાકિસ્તાનને આપવાના આરોપમાં તિરુવનંતપુરમમાં ધરપકડ કરવામાં આવી ત્યારે તેમાં નાંબી પણ સંડોવાયેલા હોવાનું કેરળ પોલીસે જાહેર કર્યું હતું. આ કેસ ઇસરો જાસુસી કાંડ તરીકે ઓળખાય છે..

નાંબીની ઇસરોના તે વખતના ડેપ્યુટી ડિરેક્ટર ડી સસિકુમારણ અને રાશિદાના માલદીવિયન સ્ત્રીમિત્ર ફૌસિયા હસનની સાથે ધરપકડ કરવામાં આવી હતી.બે વર્ષની તપાસ બાદ, 1996 માં સીબીઆઈ દ્વારા નારાયણનને ક્લિનચીટ આપવામાં આવી.. 1996 માં, તપાસ એજન્સીએ કેરળ પોલીસ અધિકારીઓને અને ઇન્ટેલિજન્સ બ્યુરોના ડેપ્યુટી ડિરેક્ટર આર.બી. શ્રીકુમારને વિજ્ઞાનીને ખોટી રીતે ફસાવવા બદલ દોષિત ઠેરવ્યા હતા

આ એ જ આર.બી. શ્રીકુમાર છે કે જેઓ ગોધરા કાંડ વખતે ગુજરાત પોલીસમાં ડીજી-હથિયાર યુનિટના વડા હતા.. ત્યારબાદ તરત જ તેમની બદલી કરીને આઇબી-ડીજીપી બનાવવમાં આવ્યાં હતા. તેમણે ગોધરાકાંડની તપાસ કરનાર નાણાવટી કમિશન અને તે વખતના ચૂંટણી પંચના મુખ્ય કમિશ્નર જે.એમ. લિંગદોહને જે રિપોર્ટ આપ્યો તેના આધારે તે વખતે ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણીઓ રાજ્ય સરકારની માંગણી પ્રમાણે વહેલી યોજવાની ના પાડી હતી અને લિંગ્દોહ કોંગ્રેસ તથા સોનિયા ગાંધીના ઇશારે કામ કરતાં હોવાના આરોપો ગુજરાત ભાજપ દ્વારા થયા હતા. ગુજરાતમાં ભાજપ સરકારે આઇપીએસ શ્રીકુમારને તે વખતે ડીજી તરીકેની બઢતી આપવાની ના પાડતા તેએ કેટમાં ગયા હતા. 2006માં તેઓ કેટમાં જીત્યા પણ ગુજરાત સરકારે સુપ્રિમ સુધી લડત આપી અને 2015માં તેઓ હારી ગયા હતા. તેમની છાપ ભાજપ સરકારવિરોધી તરીકેની ગણાય છે.

2014ની લોકસભા ચૂંટણીઓ વખતે નરેન્દ્ર મોદીએ કેરળની મુલાકાત વખતે આ વિજ્ઞાનીની ખાસ મુલાકાત લઇને તેમને કઇ રીતે હેરાન કરવમાં આવ્યાં તેની જાત માહિતી મેળવી હતી. વિજ્ઞાની નાંબી પોતાના જીવન પર લાગેલુ જાસુસીનું કલંક મિટાવવા માંગતા હતા. તેથી તેમણે સુપ્રિમમાં ધા નાંખી હતી. 2018માં, સુપ્રિમ કોર્ટે આ કેસમાં કેરળ પોલીસ અધિકારીઓની ભૂમિકાની તપાસ માટે ઉચ્ચ-સ્તરની પેનલ બનાવવા જણાવ્યું હતું. અને વિજ્ઞાની નારાયણનને ખોટી રીતે કેસમાં ફસાવવા બદલ તેમના માન-સન્માનને થયેલી હાનિના વળતર પેટ 50 લાખનું વળતર આપવાનો કેરળ સરકારને આદેશ આપ્યો હતો.. કોર્ટે ઇસરોના ભૂતપૂર્વ વિજ્ઞાની સામેની પોલીસ કાર્યવાહીને ‘સાયકો-રોગનિવારક સારવાર’ ગણાવી હતી. પોતાના આદેશમાં, સુપ્રિમે કહ્યું કે, વિજ્ઞાનીની “સ્વતંત્રતા અને ગૌરવ”, જે તેના મૂળભૂત માનવાધિકાર છે, તે ખોટા કેસમાં ફસાવવાથી જોખમમાં હતા. અને, વિજ્ઞાની તરીકેની તેમની કામગીરી દેશ માટે ગૌરવસમાન હોવા છતાં, તેમને “ઘૃણાસ્પદ તિરસ્કાર” નો સામનો કરવાની ફરજ પડી હતી.

79 વર્ષના નારાયણને કહે છે કે, કેરળ પોલીસે આ કેસ “બનાવટી અને ઉપજાવી કાઢ્યો હતો. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે જે રોકેટ એન્જિનની ટેકનોલોજી ચોરવાનો તેમના પર આરોપ 1994માં તેમના પર મૂકાયો હતો તે રોકેટ ટેકનોલોજી તે સમયે અસ્તિત્વમાં જ નહોતી..!!

આ કેસ ઇસરો જાસુસી કાંડ તરીકે ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો અને છેવટે નાંબી નારાયણ નિર્દોષ જાહેર થયા. મૂળ કેરળના આર. માધવને તેના પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી. નાંબીનું પાત્ર માધવને પોતે જ ભજવ્યું છે. ફિલ્મનું નામ રોકેટ્રી:નામ્બી ઇફેક્ટ એવુ આપવામાં આવ્યું છે. એમ કહી શકાય કે ભારતમાં એક પ્રતિભાશાળી વિજ્ઞાનીને પોલીસે કોઇના ઇશારે કઇ રીતે ખોટા કેસમાં ફસાવીને તેમની જિંદગી કલંકિત અને ખરાબ કરી નાંખી અને કઇ રીતે તેમને ન્યાય મળ્યો તેનાથી સમગ્ર દેશ પરિચિત થાય તેવો ઉમદા હેતુ વડાપ્રધાનનો હોઇ શકે.

આર. માધવન, લેખક, સહ નિર્માતા, સહ -ફિલ્મના ડિરેક્ટર અને મુખ્ય અભિનયની ભૂમિકામાં છે.. આ ફિલ્મ અનંત મહાદેવન દ્વારા સહ-નિર્દેશિત અંગ્રેજી, હિન્દી અને તમિળ ભાષાઓમાં એક સાથે બનાવવામાં આવી છે. ફિલમમાં કથા-પટકથાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે નારાયણન પ્રિન્સટન યુનિવર્સિટીમાં સ્નાતક વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરી રહ્યા હતા અને વિજ્ઞાની તરીકેની ઓળખ પણ ધરાવતા નહોતા અને તેમને કોઇ જાસૂસ પણ માનવામાં આવતા નહતા… ફિલ્મનું પ્રારંભિક નિર્માણ 2017 માં શરૂ થયું..ફિલ્મની પ્રથમ જાહેરાત ઓક્ટોબર 2018માં કરવામાં આવી અને આ ફિલ્મ ટૂંક સમયમાં હિન્દીમાં રજૂ થશે ત્યારે આ ફિલ્મ સ્કેમ 1992ની જેમ આજની દર્શકોને 1990ના દાયકામાં લઇ જશે….એક વિજ્ઞાનીને કઇ રીતે પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવવામાં આવે છે…તેવી રોમાંચ, રહસ્ય, કાવાદાવાથી ભરપૂર રોકેટ્રીમાં અભિનેતા આર.માધવને ઇડિયટ જેવી ભૂમિકા ભજવી છે કે જરા હટ કે..? ફિલ્મ કો આને દો..! અને હાં, આ ફિલ્મમાં મોદીનું પાત્ર કોણે ભજવ્યું હશે…?

તંત્રીઃ દિનેશ રાજપૂત

 33 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર