આવું દરેક શહેર, સોસાયટીમાં થાય તો કેવું..? કોઇ ગંદકી જ ન રહે..

ગટરનું પાણી રોડ પર છોડ્યું તો આવી બનશે, આ શહેરમાં લેવાયો નિર્ણય

ગટરનું પાણી રોડ પર છોડતા બે ફ્લેટને 40 લાખનો દંડ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે ફલેટમાંથી ગટરના પાણી રોડ ઉપર છોડી દેવાતાં હોવાથી ઇજનેર ખાતાએ નોટિસો આપ્યા પછી છેવટે બન્ને ફ્લેટનાં ચેરમેન, સેક્રેટરી અને ડેવલપરને 20-20 લાખ એમ કુલ 40 લાખ રૂપિયાનો દંડ ભરવાની નોટિસ ફટકારાઇ છે.

પૂર્વ વિસ્તારમાં રામોલ – હાથીજણ વોર્ડમાં નવા રિંગ રોડનાં લાલગેબી સર્કલથી સ્વામિનારાયણ ગુરૂકુલ જવાનાં રોડ ઉપર આવેલાં ધી ધર્મવાટિકા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી તથા ધી બાલેશ્વર સિલ્વર લાઇન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ગટરનાં પાણીનાં નિકાલ માટે ખાળકુવા બનાવવામાં આવ્યા છે.

આ ખાળકુવા વારંવાર ભરાઇ જતાં હોવાથી તેની સાફસફાઇ કે ખાલી કરાવવામાં સોસાયટીનાં જવાબદાર કર્તાહર્તા દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે અને છેવટે ખાળકુવામાંથી ગટરનાં પાણી જાહેર રસ્તા ઉપર છોડી દેવામાં આવતાં હોવાની ફરિયાદો પૂર્વ ઝોનનાં ઇજનેર ખાતામાં થઇ હતી.

ફરિયાદના પગલે અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોન ઇજનેર ખાતાએ તપાસ કરીને પહેલાં તો બન્ને ફલેટનાં જવાબદાર કર્તાહર્તાઓને રોડ ઉપર ગટરનાં પાણી નહિ છોડવા સૂચના આપી હતી. તેમ છતાં ગટરનાં પાણી છોડવાનું ચાલુ રહેતાં મહાનગરપાલિકાના ઇજનેર ખાતાએ બન્ને ફલેટનાં ચેરમેન, સેક્રેટરી તથા ડેવલપરનાં નામે નોટિસ ફટકારી છે.

આ સાથે જ મહાનગરપાલિકાના ટીપી રોડને નુકસાન થયું હોવાનું અને જાહેર પબ્લિકની સુખાકારીને નુકસાન થયુ હોવાથી 20-20 લાખનો દંડ સાત દિવસમાં મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવવાની તાકીદ કરવાની સાથે સાત દિવસમાં દંડની રકમ જમા નહિ થાય તો કાયદેસર કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી