September 23, 2021
September 23, 2021

કેવડિયા..કેબિનેટ..કારોબારી..કમઠાણ…અને એવુ બધુ..

ગુજરાતના રાજકારણમાં આ મહિના ઉથલપાથલવાળા..

બાપુએ કેવડિયામાં કેબિનેટ બોલાવી અને ઠરાવ કર્યો કે..

કેવડિયા અને કારોબારીને કાંઇ લેવાદેવા નથી આ તો બધી..

કેવડિયાને મસ્ત વિકસાવવા બદલ થેંકસ મોદીજી…

સાવજ જેવા સરદાર સાહેબ રક્ષા કરી રહ્યાં છે..પછી શું ચિંતા

(ખાસ અહેવાલ- દિનેશ રાજપૂત)

ગરવી ગુજરાતના રાજકારણમાં અમુક મહિના એવા લખાયેલા છે કે તેમાં રાજકિય ઉથલપાથલ મચી હોય. 1995માં ગુજરાત ભાજપમાં શંકરસિંહ વાઘેલા બાપુએ કરેલો પહેલો બળવો, 1996માં ધોતી કાંડ બાદ સુરેશ મહેતાની સરકારને ઉથલાવવા કરેલો બળવો અને 1998માં પોતાની સરકારના વિસર્જનની કામગીરી વગેરે. માટે લગભગ સપ્ટેમ્બર અને ઓકટોબર દિવાળીના સમયે જ આ બધા રાજકિય ખેલ અને રાજકિ ઉથલપાથલો થઇ હોવાના મિડિયા સહિતના અનેક સાક્ષી છે.

ગાંધીનગરમાં આજે જે મંત્રી નિવાસ સ્થાને પ્રવેશવા માટે મંજૂરી લેવી પડે એ મંત્રી નિવાસમાં દેશ ભરના પત્રકારો અને ભાજપના કેટલાય રાષ્ટ્રીય નેતાઓ વચ્ચે ગોષ્ઠી થતી હતી. 1995માં સ્થિતિને થાળે પાડવા અટલજીને ખુદને આવવુ પડ્યું હતું. બાપુના એ બળવાએ ગુજરાતના રાજકારણને બે શબ્દો પણ આપ્યા હતા-ખજૂરિયા અને હજુરિયા…! બાપુવાળા કામશાસ્ત્રના દેશ ખજૂરાહો ગયા તે ખજૂરિયા અને બાકીના હજુરિયા. તેમાં વળી ત્યારબાદ ત્રીજો શબ્દ ઉમેરાયો હતો-મજૂરિયા એટલે પાર્ટી માટે કામ કર્યે જ જાય….

કમ સપ્ટેમ્બર…ઇંગ્લીશ ધૂનની જેમ ની જેમ વળી આ મહિને રાજકિય ભૂકંપ સર્જાયો…અને હાં ભૂકંપથી યાદ આવ્યું. 26 જાન્યુ. 2001ના ભૂકંપના પગલે તત્કાલિન પાટીદાર મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનો રાજકિય ભોગ લેવાયો હતો. 2016માં પાટિદાર આંદોલને પાટીદાર સીએમ આનંદીબેન પટેલનો ભોગ લીધો અને 2020-21ના કોરોનાએ જૈન સમાજના સંવેદનશીલ વિજય રમણિકભાઇ રૂપાણી(વિ.ર.રૂપાણી)નો ભોગ લેવાયો. ગુજરાત વિધનસભાની સામાન્ય ચૂંટણીઓ આમ તો ડિસે.2022માં યોજાવાની છે. પણ રાજકારણમાં સંજોગો એવા પેદા થાય તો વહેલી ચૂંટણીઓ યોજાતી આવી છે એટલે બની શકે કે યુપી સહિતના પાંચ રાજ્યોની ભેગાભેગ ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની સામાન્ય ચૂંટણીઓ પણ યોજાઇ શકે. રાજકારણમાં કાંઇ અશક્ય નથી. દાખલો તાજો જ છે. કમલમમાં પાર્ટી મિટીંગમાં સફેદ લેંઘો અને વાદળી ઝભ્ભો પહેરીને હરોળમાં સૌથી છેલ્લે બેઠેલા ભૂપેન્દ્ર પટેલનું નામ ભાવિ સીએમ તરીકે જાહેર થયું ત્યારે ભલભલાની બોડી લેંગ્વેજ બદલાઇ ગઇ હોવાના મિડિયા અહેવાલ છે.

આ તો એક આડ વાત પણ મુખ્ય વાત કે ચૂંટણીઓ માટે, 1998માં મુખ્યમંત્રીમાંથી પછી પૂર્વ મુખ્યમંત્રી બનેલા શંકરસિંહબાપુએ નર્મદા યોજનાની સમીક્ષા માટે ડેમ સ્થળ કેવડિયા ખાતે કેબિનેટ બોલાવી અને તેમાં વિધાનસભાના વિસર્જનનો ઠરાવ કરીને લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણીઓ માટે રસ્તો કર્યો. બાપુની કેવડિયા કેબિનેટમાં ધોતીકાંડવાળા મંત્રી આત્મારામ પટેલ પણ હાજર હતા. તેઓ મુખ્યમંત્રી બનવા માટે થનગની રહ્યાં હતા.તેમને ભાજપે અંદરખાને વચન પણ આપ્યું હતું કે તમે બળવો કરો એટલે અમારો ટેકો પાકો. કેબિનેટના ઠરાવથી ચોંકેલા મંત્રી આત્મારામ હાંફળા ફાંફળા થઇને સરકારી કારમાં સનસનાટ ગાંધીનગર રાજ્યપાલને મળવા માટે કેવડિયાથી નિકળ્યાં .પણ સુનિયોજિત આયોજન પ્રમાણે બાપુ અને સીએમ દિલીપ પરીખ કેવડિયાથી હેલિકોપ્ટરમાં ઉડીને આત્મારામની સરકારી કાર ગાંધીનગર પહોંચે તે પહેલા રાજ્યપાલને કેબિનેટનો ઠરાવ આપી દીધો…! અને વધુ એક પાટીદાર આત્મારામ પટેલ મુખ્યમંત્રી બનતા બનતા રહી ગયા તે રહી જ ગયા…!

ગુજરતન રાજકારણમાં પછી એવી લોકવાયકા ફરી વળી કે કેવડિયામાં કેબિનેટ ન બોલાવાય…! જો કે કેબિનેટની સાથે હવે પક્ષની કારોબારી પણ ન બોલાવાય…એવુ પણ તેની સાથે જોડાઇ ગયું છે. કેવડિયામાં સ્ટેચ્યુ ખાતે ભાજપની દોઢ વર્ષ પછી પ્રદેશ કારોબારી મળી હતી. તે વખતે મિડિયામાં એવી હળવાશથી નોંધ પણ લેવાઇ કે કેવડિયામાં બાપુની કેબિનેટ મળી અને સરકાર ગઇ..ભાજપની કારોબારી કેવડિયામાં મળી તો કંઇક નવા અને જુની થઇ શકે…! અને એ રાજકિય અવલોકન જાણે કે સાચુ પડ્યું હોય તેમ કેવડિયા કારોબારીમાં સરદારસાહેબની છત્રછાયામાં ફોટોસેશન બાદ રૂપાણીજી ગુજરાતની પ્રજાને બોલ્યુ ચાલ્યુ માફ કરજો.. મિચ્છામિ દુક્કડમ… કહીને ગયા…!

ટેકનીકલી રૂપાણીની સરકાર ગઇ, ભાજપની નહીં. કેમ કે મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપ્યા બાદ ભાજપ દ્વારા નવા ગુજરાતના નાથની પસંદગી થઇ ગઇ. અને વિજયભાઇ રૂપાણીના નામની આગળ પૂર્વ સીએમ લખાઇ ગયું. તેમણે કેમ રાજીનામુ આપ્યુ અને એવુ તે શું હતું.. એ પાર્ટીનો વિષય છે પણ ગુજરાતના રાજકારણમાં સપ્ટેમ્બર-ઓકટોબર મહિના રાજકિય પરિવર્તનના ફરી એકવાર પૂરવાર થયા છે. અને તેની સાથે કેવડિયા પણ મુન્ની બદનામ હુઇ ડાર્લિંગ તેરે લિયે…ની જેમ વગોવાઇ ગયું છે. અલબત સીએમ તરીકે અને ત્યારબાદ પીએમ તરીકે નરેન્દ્રભાઇ મોદીએ કેવડિયાના જંગલમાં સરસ મજાનું અને બાળકો સહિત સૌને ગમે એવું મંગલ..મંગલ.. બનાવ્યું છે તેનો કોઇ ઇન્કાર કરી શકે તેમ નથી. ગુજરાતના અને દેશના પ્રવાસન નકશામાં કેવડિયા અને સ્ટેચ્યૂ જોવાલાયક સ્થળોની યાદીમાં ઉમેરાઇ ગયા છે.

કોઇએ કલ્પના પણ નહોતી કરી કે કેવડિયાના જંગલમાં સાધુ બેટ નામની ટેકરી પર સરદારસાહેબની પ્રતિમા આકાર લેશે, ગાડી બુલા રહી હૈ…ની જેમ રેલવે લાઇન પહોંચશે અને નર્મદાના પાણીમાં આકાશમાંથી સી પ્લેન ઉતરશે…, હેલિપેડ બનશે અને હેલિકોપ્ટર પણ ઘરરરરર ઘરેરાટી સાથે ઉડશે…, સરસ મજાનું મ્યુઝિયમ આકાર લેશે અને રાષ્ટ્રીય કક્ષાની પરિષદો કેવડિયાના ટેન્ટ સીટીમાં યોજાશે…! કેવડિયાને જાણીતુ કરવા માટે એ બધુ વડાપ્રધાન મોદીએ કરી બતાવ્યું જે કરવુ જોઇએ…થેંકસ મોદીજી, ગુજરાતને વધુ એક જોવાલાય સ્થળની ભેટ આપવા બદલ.

કેવડિયા માટે કોઇ ભલે એમ કહે કે તે સહજ યોગાનુયોગ રાજકિય રીતે અપશુકનિયાળ જગ્યા છે…! કેવડિયાની રક્ષા માટે માત્ર ગુજરાતના જ નહીં પણ આખા ભારતના સાવજ સમાન સરદારસાહેબની ગુજરાત વિધાનસભાની જેટલી બેઠકો છે એટલી 182 મીટર ઉંચી પ્રતિમાં અડીખમ રક્ષકની જેમ ઉન્નત મસ્તકે બિરાજમાન છે…કેવડિયાજી, ડાન્ટ વરી…કોઇ વાંક દેખા ભલે તારા વિષે એલ અને ફેલ બોલે પણ તમે ગુજરાતની આન બાન અને શાનની સાથે જીવતદાન પણ છો..રાજકિય કમઠાણ તો ચાલ્યા જ કરે…માન. નવી સીએમશ્રી, કોઇ શુકન- અપશુકનમાં માનશો નહીં…બોલાવો કેવડિયાની ટેન્ટ સીટીમાં કેબિનેટ…પૂરવાર કરો કે તમે એવી કોઇ લોકવાયકામાં માનતા નથી…કડવા પટેલોની માતાજી મા ઉમિયા તમારી રક્ષા અને સુરક્ષા કરે…બોલ ઉમિયા માત કી જય…

 180 ,  21