ધરતી કહે પુકાર કે- બચાવી લો..,નહીંતર તુવાલુ દૂર નથી..!!

ટાપુઓનો બનેલો દેશ તુવાલુ ડૂબવાના આરે..

ચેન્નઇમાં હજુ પાણી જ પાણી, ખતરાની આકાશવાણી..

કલાઇમેટ ચેન્જને નહીં અનુસરીએ તો સુનામી દૂર નથી..

દરિયા કિનારના દેશો-પ્રદેશો હતા ન-હતા થઇ જશે..

ગ્રીન સીટી-ગ્રીન કાર- ગ્રીન ટ્રક- ગ્રીન હાઇ વે, ટ્રીન..ટ્રીન..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

તુવાલુ..પેસેફિક મહાસાગરમાં આવેલુ અને 9 જેટલા ટાપુઓનો બનેલો દેશ છે. વિશ્વના નેતાઓ દર વર્ષે જેની ચિંતા કરવા એકત્ર થાય છે તે જળવાયુ પરિવર્તન-કલાઇમેટ ચેન્જ-ની સૌથી પહેલી અસર આ દેશ ઉપર થઇ રહી છે. છેલ્લાં 28 વર્ષથી આ દેશની નજીક દર વર્ષે 0.5 સે.મી. જેટલી દરિયાની સપાટી વધી રહી છે અને તેનો કેટલોક ભાગ પાણીમાં ડૂબી પણ ગયો છે. આ દેશના વિદેશ મંત્રી સિમોન કોફેનો એક વિડિયો દુનિયાભરમાં વાઇરલ થયો. કોપ26 શિખર પરિષદ કલાઇમેટ ચેન્જના ખતરા સામે કઇ રીતે લડવુ તેના ચિંતન- મનન માટે યોજાઇ ત્યારે તુવાલુના વિદેશ મંત્રી કોફેએ દરિયાન પાણીમાં જે ભાગ ડૂબી ગયો તેમાં ઉભા રહીને કોપ26ના નેતાઓને અને દુનિયા આખીને સંદેશો આપ્યો કે સાવધાન, જો કાંઇ નક્કર નહીં કરો તો જેમ અમે ડૂબી રહ્યાં છીએ એમ આવતીકાલે તમારો વારો આવશે, અમને બચાવી લો…!!

તુવાલુની વસ્તી કાંઇ વધારે નથી માત્ર 11 હજાર….!! અને એ દેશનું ક્ષેત્રફળ છે માત્ર 25.9 કિ.મી….!! અલગ અલગ 9 જેટલા ટાપુઓમાં વસ્તી રહે છે. કલાઇમેટ ચેન્જની અસર સૌથી પહેલા આ નાનકડા કે ટચુકડા દેશ ઉપર થઇ અને દરિયાની સપાટી વધતા વધતા તેના તમામ ટાપુઓ દરિયામાં ગરકાવ થઇ જશે. આ દેશ પોતાનું અસ્તિત્વ બચાવવા દુનિયાને વિનંતી કરે છે પણ માનવીએ પૃથ્વીના વાતાવરણને એટલી હદે અસર પહોંચાડી છે કે તુવાલુ સહિત મુંબઇ અને ગુજરાતમાં પણ દરિયા કિનારાના વિસ્તારોમાં દરિયાનું પાણી જતાં રહે તો કહેવાય નહીં..પાણી ફરી વળશે…

તુવાલુની 11 હજારની વસ્તી તો આજુબાજુ બીજે સ્થાયી થઇ જશે પણ તામિલનાડુમાં આવેલા ચેન્નઇ શહેરની 11.2 મિલિયન એટલે કે 1.12 કરોડની વસ્તી ક્યાં જશે…?! દેશમાંથી ચોમાસાએ વિદાય લીધી છે પણ ચેન્નઇમાં ભારે વરસાદ હજુ ચાલુ છે. આખુ શહેર જાણે કે વેનિસ શહેરની જેમ પાણી પાણી થઇ ગયું છે. રસ્તાઓ પર પાણી નદીની જેમ વહેતા દ્રશ્યો જોવા મળ્યાં. જાનહાનિ ઓછી છે પણ સર્વત્ર પાણીને કારણે લોકોના ધંધા-રોજગારની ગણતરી કરીએ તો કરોડોનું નુકશાન થયું છે. શાળા કોલેજો બંધ કરવી પડી. હજુ સ્થિતિ સામાન્ય નથી.

ચેન્નઇ બાદ કેરળમાં ભારે વરસાદ કે માવઠાની આગાહી કરવામા આવી છે. ભારતમાં ચોમાસાની શરૂઆત 1 જૂનથી કેરળના દરિયાકાંઠેથી થાય છે અને ત્યાંથી ઠંડા પવનો દેશ આખામાં પહોંચે છે. કેરળવાસીઓ પાણીથી ટેવાયેલા છે પણ ચેન્નઇના લોકો પાણીથી નહીં ગરમીથી ટેવાયેલા છે એટલે હાલમાં ચારે તરફ પાણી પાણીથી તેઓ પરેશાન થાય તે સ્વાભાવિક છે. લોકોને બચાવવા પોલીસ અને અન્ય બચાવ ટીમોને મેદાનમાં ઉતારવી પડી છે.

જર્મની, બેલ્જિયમ, નેધરલેન્ડ અને સ્પેનમાં છેલ્લાં 100 વર્ષનો સૈથી ભીષણ પૂરપ્રકોપ સર્જાયો છે. ઠંડાગાર રહેતા અમેરિકાના કેટલાક રાજ્યોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. કેનેડાના જંગલોમાં ભયાનક આગ લાગવાના બનાવો બને છે. અને તેના મૂળમાં છે કલાઇમેટ ચેન્જની અસરો. તુવાલુ જેવા કેટલાય નાના દરિયાઇ દેશોમાં કલાઇમેટ ચેન્જની ભારે અસરો શરૂ થઇ છે. અડધુ મુંબઇ ડૂબી જાય તો…? ગુજરાતમાં વેરાવળ, પ્રભાસપાટણ સહિત દરિયા કિનારાના ગામડાઓ અને વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ જાય તો..?

કલાઇમેટ ચેન્જનો સઘન અભ્યાસ કરનારા નિષ્ણાતોનું માનવુ છે કે જો આપણે વાયુ પ્રદૂષણમાં ઘટાડો નહીં કરીએ તો બરફના પહાડો પિગળતા જશે અને બરફનું એ પાણી દરિયામાં ઠલવાશે અને પાણીનું સ્તર વધતુ જશે. જે ધીમે ધીમે કિનારા તરફ આગળ વધશે અને….તુવાલુની જેમ જમીન પાણીમાં….!! 24 હજાર વર્ષમાં પૃથ્વીનું તાપમાન નહોતુ વધ્યું નહોતુ એટલુ તાપમાન માનવીએ 150 વર્ષમાં વધારી દીધુ અને ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક ગરમીથી બરફના પહાડો પિગળી રહ્યાં છે….

માનવીએ પેટ્રોલ-ડિઝલનો એટલો વપરાશ કરી નાંખ્યો કે એ ઝેરી ધૂમાડાઓ ધીમે ધીમે વાતાવરણમાં ભળીને દિલ્હી જેવું પ્રદૂષિત કરી નાંખ્યું. દિલ્હીમાં પ્રદૂષણને કારણે એક સપ્તાહ સુધી શાળા-કોલેજો બંધ કરવાની ફરજ પડી છે. પંજાબ-હરિાયાણમાં હજારો ખેતરોમાં પરાળી સળગાવે અને એ ગરમ હવા અને ધૂમાડો દિલ્હી પહોંચે.એસી-ફ્રિજની ગરમ હવા વાતાવરણમાં ભળે. અને આ તમામને કારણે હવે માનવીને ઇલેક્ટ્રીક વાહનો તરફ વળવુ પડ્યું છે….! કેટલીક કાર કંપનીઓએ તો આવનારા સમયમાં પેટ્રોલ-ડિઝલના વાહનો બનાવવાનું બંધ કરીને બેટરીથી ચાલતા વાહનોનું ઉત્પાદન કરવા જાહેર કર્યું છે. અલબત, પેટ્રોલ-ડિઝલથી ચાલતા વાહનો સાવ જોવા નહીં મળે એવું નહીં થાય પણ સડકો પર ગ્રીન નંબર પ્લેટવાળા વાહનોની સંખ્યા વધી જશે…!

ચીન સહિત વિદેશમાં બેટરીથી ચાલતા વાહનોનો યુગ શરૂ થઇ ગયો છે. સોલારની જેમ બેટરીથી વિમાન ઉડાડવાના પ્રયોગો થઇ રહ્યાં છે. સૂર્ય ઉર્જા-સોલાર-માટે અદાણી સહિતની કંપનીઓ અને સરકારો મેદાનમાં આવી છે. જુવાર-બાજરા અને ઘઉંના ખેતરોની જે સોલાર પેનલવાળા ખેતરો જોવા મળશે..! વાતાવરણમાં બને તેટલો ઓછુ પ્રદૂષણ ઠલવાય એવા પ્રયાસોની શિખામણ ભારત સહિતના અન્ય દેશોને એવા માલેતુજાર દેશો આપે છે કે જેમણે વર્ષોના વર્ષો વાતાવરણને દૂષિત કરવાનું કામ કર્યું….અને હવે કલાઇમેટ ચેન્જનો ડર બતાવે છે….!!

ભારતના હાઇવે પર ઇલેક્ટ્રીક ટ્રેનની જેમ વીજળીથી ચાલતાં વાહનોના પ્રયોગો શરૂ થયાં છે. સીએનજીની જેમ બેટરીથી ચાલતી કાર જોવા મળી રહી છે. પેટ્રોલ પંપોની જેમ હાઇવે પર અમુક કિ.મી.ના અંતરે બેટરીવાળા વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનો આકાર લેશે. વાહન આવશે અને પ્લગ ભરાવીને ચા-પાણી નાસ્તો કરી લે ત્યાં સુધીમાં ચાર્જિંગ થઇ જશે..! પહેલાં શહેરોમાં અને હાઇવે પર માત્ર પેટ્રોલ અને ડિઝલના પંપો હતા. સીએનજી આવ્યાં બાદ તેવું વેચાણ શરૂ થયું અને હવે ઇલેકટ્રીક વાહનો માટે અમુક અંતરે ચાર્જિંગ સ્ટેશન જોવા મળશે. અવાજ કર્યા વગર વાહનો હાઇ વે પર બાજુમાંથી ક્યારે પસાર થઇ ગયા.. એની ખબર જ નહીં પડે…!

તુવાલુથી લઇને તામિલનાડુનો સંદેશો માનવીને એક જ છે કે જેવુ વાવશો એવુ લણશો…બોયા પેડ બબૂલ કા આમ કહાં સે હોય…વાતાવરણમાં ઝેર ઓકશો તો તુવાલુ અને તામિલનાડુ જેવી ઘટના માટે તૈયાર રહો..બાકી દરિયાલાલ તો પોતાનું કામ કરી જ રહ્યો છે….નહીં ચેતો તો સુનામી….વિનાશ…બરબાદી… બચાવ કાર્ય…ફરીથી શહેર વસાવો…એના કરતાં જાગ્યા ત્યારથી સવાર સમજીને ધરતીને બચાવશું તો ધરતી માનવીને બચાવશે-ધરતી કહે પુકાર કે બીજ ઉગા લે પ્યાર કે…મૌસમ બીતા જાયે….

 56 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી