કંગના રનૌતને દિલ્હી વિધાનસભાની પેનલે પાઠવ્યું સમન

‘કોન્ટ્રોવર્સી ક્વીન’ને મનમાં આવે તે બોલવુ આ વખતે પડ્યું ભારે

કંગના રનૌતને હવે બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે દરેક વખતે તેને કોઈને કોઈ મુદ્દો મળી જાય છે જેના કારણે સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થઈ જાય છે. કંગના પોતે પણ ક્યારેય દલીલ કરવામાં પાછળ પડતી નથી. આવી સ્થિતિમાં આ વખતે મામલો થોડો આગળ વધી ગયો છે. એક્ટ્રેસ કંગનાને દિલ્હી વિધાનસભાની શાંતિ અને સદભાવ સમિતિ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યુ છે.કંગનાને 6 ડિસેમ્બરે સમિતિ સમક્ષ હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

પોલીસે મંગળવારે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટમાં શીખ સમુદાયનાં અપમાનજનક સંદર્ભોનો ઉપયોગ કરવા બદલ FIR નોંધી છે. એક અધિકારીએ આ જાણકારી આપી હતી. દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (DSGMC) દ્વારા કંગના વિરુદ્ધ ફરિયાદ દાખલ કર્યાનાં એક દિવસ બાદ ઉપનગરીય ખાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતાની કલમ 295A (ઈરાદાપૂર્વક કોઈપણ વર્ગની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા) હેઠળ કંગના રનૌત વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને હવે વધુ તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ કેસનાં ફરિયાદી સંધુ, સોમવારે ફરિયાદ સબમિટ કરનાર DSGMC પ્રતિનિધિમંડળનો ભાગ હતા.

મોદી સરકારે નવા ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કર્યા બાદ કંગનાએ ખેડૂત આંદોલનની સરખામણી ખાલિસ્તાની આંદોલન સાથે કરી હતી.જેના પગલે દિલ્હીમાં સિખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા કંગના સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

હવે દિલ્હી વિધાનસભાએ પણ કંગના સામે કાર્યવાહી કરી છે.શાંતિ સમિતિએ કંગનાને હાજર રહેવા માટે કહ્યુ છે.કંગનાએ જે તે સમયે સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે, ખાલિસ્તાની આતંકવાદીઓ સરકાર પર આજે ભલે દબાણ સર્જવામાં સફળ રહ્યા હોય પણ એ મહિલાને (ઈન્દિરા ગાંધી)ને ભુલવી ના જોઈએ જેણે આ ખાલિસ્તાનીઓને પોતાના જૂતા હેઠળ કચડી નાંખ્યા હતા, પોતાનો જીવ આપી દીધો હતો પણ દેશના ટુકડા થવા નહોતા દીધા.

 44 ,  15 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી