માસ્ક વગર ફરનારાઓની હવે ખેર નથી, કોવિડ સેન્ટરમાં લગાવવા પડશે ઝાડૂ પોતાં

પાંચથી છ કલાક કોવિડ સેન્ટરમાં કરવી પડશે સેવા, હાઇકોર્ટનો આદેશ

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઇ હાઇકોર્ટે ફરી એકવાર રાજ્ય સરકાર સામે લાલ આંખ કરી છે. સાથે જ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે કડક નિર્ણય લીધો છે. જેના પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત 5થી 6 કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે.

બે દિવસ પહેલાં જ ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા માટે આદેશ કર્યો હતો. હાઈકોર્ટે કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં માસ્ક વિના ફરતા લોકો સામે લાલઆંખ કરી સરકારને સૂચન કર્યું હતું કે, માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવો. સરકાર આ મુદ્દે વિચાર કરે અને આગામી મુદત સમયે પોતાનો જવાબ રજૂ કરે.

હાઈકોર્ટમાં કોરોના મુદ્દે સુઓમોટો અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાતમાં માસ્ક નહિ પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામુ બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. સાથે જ માસ્ક ન પહેરનારા વ્યક્તિની ઉંમર લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઇને કોમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે. માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને રોજના પાંચ થી છ કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. આ કોમ્યુનિટી સર્વિસનો સમય પાંચ દિવસથી 15 દિવસ સુધી રાખી શકાશે. રાજ્ય સરકાર આ હુકમની તત્કાલ અમલવારી કરાવે અને એક અઠવાડિયા બાદ રિપોર્ટ રજુ કરે તેવો પણ કોર્ટે હુકમ કર્યો છે. 

 71 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર