મહેસાણા : નકલી પોલીસ બની રોફ જમાવી લોકો પાસેથી તોડ કરતા ત્રણ ગઠિયા ઝડપાયા

ત્રણેય બદમાશો પોલીસની વર્દી પહેરીને લોકોને હેરાન કરી પૈસા પડાવતા

તહેવારોની સીઝનનો ફાયદો ઉઠાવવા નીકળેલા ત્રણ યુવકોને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે. જો કે આ શખ્સોએ પૈસા કમાવવા માટે એવો રસ્તો અપનાવ્યો કે હવે પછતાવવાનો વારો આવ્યો છે. વાત મહેસાણા શહેરની છે, અહીં ત્રણ યુવકો પોલીસ હોવાનું કહી રોફ જમાવી તોડ કરતાં હતા. જો કે અસલી પોલીસના ધક્કે ચડતા તેમનો ભાંડો ફૂટી ગયો હતો. નકલી પોલીસનો અસલી પોલીસ સાથે મેળાપ થતાં, કેદી બનીને પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે.

ઘટનાની વિગત મુજબ, મહેસાણા સહિત જિલ્લામાં ડુપ્લીકેટ પોલીસ બની અનેક લોકોના તોડ કરનારી ટોળકીના 3 ગઠિયા રામોસણા બ્રિજ પાસે પોલીસના હાથે ઝડપાયા છે. બનાવટી આઇકાર્ડમાં લખેલા બક્કલ નંબરના કારણે ઝડપાયેલા ખાખી વર્દી પહેરેલા બનાવટી પીએસઆઇ અને બે પોલીસ કોન્સ્ટેબલોએ એક વર્ષમાં મહેસાણામાં 12થી વધુ ગુનાઓને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.

એસપી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે કહ્યું કે, પોલીસના નામે પૈસા પડાવાઇ રહ્યાની ફરિયાદ મળ્યા બાદ તપાસમાં પીએસઆઇ વિજયસિંહ ઝાલાના નામે કોઇ તોડ કરતું હોવાની માહિતી મળી હતી. આથી એલસીબી પીઆઇ બી.એચ. રાઠોડને આપેલી સૂચના અંતર્ગત પીએસઆઇ વાય.કે. ઝાલા તેમજ સ્ટાફની વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.

જેમાં ઊંઝા તરફથી રામોસણા બ્રિજ ઉપરથી પસાર થતી આઇ 20 કારને અટકાવી હતી. કારના આગળના કાચમાં દેખાય તે રીતે પોલીસનું બોર્ડ મારેલું હતું અને ડ્રાઇવર સીટમાં બેઠેલા વ્યક્તિએ પોતે પીએસઆઇ વી.એચ. ઝાલા અને સાથેના બે પોલીસ કોન્સ્ટેબલ હોવાનું કહેતાં પોલીસે તેની પાસે આઇકાર્ડ માગ્યું હતું. જેમાં પીએસઆઇ દરજ્જાના અધિકારીને બક્કલ નંબર હોતો નથી, જે આ કાર્ડમાં લખેલો હતો અને પોલીસ અધિક્ષક તરીકે પાર્થરાજસિંહ ગોહિલની ખોટી સહી કરી હોવાનું સ્પષ્ટ થતાં ત્રણેની અટકાયત કરી હતી. કારમાંથી પોલીસ યુનિફોર્મ પણ મળી આવ્યા હતા. છેલ્લા એક વર્ષમાં આ ત્રણે આરોપીઓએ અન્યો સાથે મળી 12 જેટલા તોડ કર્યા હોવાનું કબૂલ્યું છે.

તોડ કરતી ટોળકીના ઝડપાયેલા 3 શખ્સો

  • વિજય ડાહ્યાભાઇ પરમાર (રહે. ખોલવાડા, પરમારવાસ, તા.સિદ્ધપુર)
  • મેહુલ મનુભાઇ જાદવ (રહે. ખોલવાડા, રામપુરા, તા.સિદ્ધપુર)
  • શાજીદશા અયુબશા બચુશા ફકીર (રહે.સિદ્ધપુર સરસ્વતી નદી કિનારે)

 75 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર