વડોદરામાં એક જ પરિવારના ત્રણ બાળકોનાં ડૂબી જવાથી મોત

 કરજણ તાલુકાના કોલિયાદ ગામમાંની ઘટના, પરિવારમાં માતમ

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં આ દુઃખદ ઘટના બની છે. એક જ પરિવારના બાળકોના ડૂબી જવાથી મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ગુમ થયેલા ત્રણેય બાળકોના આજે વહેલી સવારે મૃતદેહ મળી આવ્યા છે. મૃતક ત્રણેય બાળકોની ઉંમર આઠથી 13 વર્ષની વચ્ચે છે. બાળકો ગુમ થયા બાદ તેમને શોધવા માટે પરિવારે વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર તેમની તસવીરો સાથે મેસેજ વહેતા કર્યાં હતાં.

મળતી માહિતી પ્રમાણે કોલીયાદ ગામમાં એક જ પરિવારના ત્રણ બાળકો ગઈકાલથી ગુમ થયા હતા. ત્રણેય બાળકો પિતરાઈ ભાઈ છે. બાળકો ગુમ થયા બાદ તેમના પરિવારે શોધખોળ આદરી હતી. જે બાદમાં આજે સવારે ગામના જ તળાવમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. એક સાથે ત્રણ ત્રણ બાળકોનાં મૃતદેહ મળી આવતા ગામમાં શોકનો માહોલ છવાય ગયો હતો. પરિવાર માથે તો જાણે આભ જ ફાટી પડ્યું હતું.

ઘટનાની વિગત મુજબ, કરજણ તાલુકાના કોલિયાદ ગામમાં ગૌચર વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના 3 ભાઈઓ મધુર સુરેશભાઈ સાનિયા(ઉં.13), ધ્રુવ સુરેશભાઈ સાનિયા(ઉં.10) અને ઉત્તમ સુરેશભાઈ સાનિયા(ઉં.08) મંગળવારે સવારે ગુમ થઈ ગયા હતા, જેને પગલે પરિવારજનોએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી. જોકે બાળકો મળ્યાં નહોતાં. આજે સવારે કોલિયાદ ગામના તળાવમાં બાળકોના તરતા મૃતદેહો જોવા મળ્યા હતા, જેથી પરિવારજનો દોડી ગયાં હતાં અને ત્રણેય બાળકના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા.

ત્રણેય બાળકનાં મોતને પગલે લોકોનાં ટોળેટોળાં તળાવ પાસે એકત્ર થઈ ગયાં હતાં અને કરજણ પોલીસને જાણ કરી હતી, જેથી કરજણ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસે બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર