September 19, 2021
September 19, 2021

Video : દહેગામમાં ત્રણ ઇંચ વરસાદ, બિલમણા ગામે વીજળી પડતા 30 ઘેટાં-બકરાનાં મોત : ત્રણ યુવકો ગંભીર

વીજળીના કડાકા સાથે દહેગામ તાલુકામાં ધોધમાર વરસાદ

ગાંધીનગર જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ છવાયો છે, જેમાં બપોરના ચાર વાગ્યા સુધીમાં દહેગામમાં ત્રણ ઇંચ, માણસામાં અઢી ઇંચ અને કલોલમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. ગાંધીનગર શહેરમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. મોડે મોડે પણ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

તો બીજી તરફ દહેગામ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઠેરઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. તો ક્યાંક વીજળી પડવાના ગંભીર બનાવો પણ બન્યા છે. જેમાં બિલમણા ગામે વીજળી પડતા 30 ઘેટાં-બકરાનાં મોત થયા છે. જ્યારે ઢોર ચરાવતા ત્રણ યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

ગાંધીનગર શહેરમાં સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો પરંતુ બાદ વરસાદે હાથ તાળી આપી દીધી હતી. જોકે, બપોર 1 વાગ્યા પછી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે બે વાગ્યાથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. વરસાદની બેટિંગ શરૂ થતાં સાબરમતી નદીમાં પાણી આવ્યું નથી, પરંતુ નદી પર બનાવેલા પુલ પર વરસાદી પાણી ફરી વળતા તંત્રની પોલ ખુલી જવા પામી છે.

ગાંધીનગરમાં મેઘરાજાએ વાદળોનાં ગળગળાટ વચ્ચે પધરામણી કરી દીધી છે. ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે જ્યારે અમુક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલ બુધવારે સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટનો અહેસાસ કરી રહ્યા હતા. અને સાંજ પડતાં વરસાદ શરૂ થયો હતો. તેમજ રાત્રીના આઠ થી દસ વાગ્યા સુધીમાં મન મૂકીને મેહુલો વરસ્યો હતો.

 19 ,  1