જાનૈયાઓની કાર નદીમાં ખાબકતા ત્રણ લોકોના મોત….

બાયા નદીના પુલ ઉપર કાર અનિયંત્રિત થઈને રેલિંગ સાથે ટકરાઈ ગઈ

બિહારના મુજફ્ફરપુરમાં એક અનિયંત્રિત કાર પુલની રેલિંગ તોડીને બાયા નદીમાં ખાબકવાની ઘટના સામે આવી છે. હૃદય કંપાવી દેનારી આ ઘટનામાં ત્રણ લોકોનાં કરૂણ મોત થયા છે. જોકે, કારમાં સવાર અન્ય લોકોને સ્થાનિક લોકોએ બચાવી લીધા. મળતી માહિતી મુજબ, કારમાં જાનૈયાઓ સવાર હતા અને તેઓ લગ્ન પ્રસંગમાં સામેલ થઈને ઘરે પરત ફરી રહ્યા હતા. ઘટના સરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારની હદના સરૈયા બજારની છે.

મળતી માહિતી મુજબ, દેવરિયાના ધરફરી ગામથી જાન રવાના થઈ હતી. લગ્ન સમારોહમાં સામેલ થયા બાદ જાનૈયા કાર લઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સરૈયા બજારની પાસે બાયા નદીના પુલ ઉપર કાર અનિયંત્રિત થઈને રેલિંગ સાથે ટકરાઈ ગઈ હતી. કારની સ્પીડ વધારે હોવાના કારણે તે રેલિંગ તોડીને નદીમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં કરૂણ મોત થયા છે.રેલિંગ તોડીને કાર નદીમાં ખાબકતાં ધડાકાનો અવાજ આવતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. સરૈયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. ગામ લોકો અને પોલીસે ભેગા થઈ ત્રણ લોકોને કારમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા. પરંતુ કારમાં ફસાયેલા લોકોના મોત રેસ્ક્યૂ ઓપરેશન પહેલા જ થઈ ગયા હતા. કારને પણ સ્થાનિક લોકોએ નદીમાંથી બહાર કાઢી હતી.

લગ્નના શુભ પ્રસંગમાંથી પાછા ફરતા આ દર્દનાક ઘટનાથી દેવરિયાના ધરફરીમાં કોહરામ મચી ગયો છે. એક સાથે ત્રણ લોકોનાં મોત થતા આખું ગામ હીબકે ચઢ્યું છે. પોલીસે તપાસ માટે લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. બીજી તરફ ઘાયલોને સરૈયા પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

 70 ,  1