ગાંધીનગર : મુસાફરોના સ્વાંગમાં રીક્ષામાં લૂંટ ચલાવતી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા

લોકલ ક્રાઇમ બ્રાંચે અમદાવાદના ત્રણ લૂંટારૂઓને દબોચી લીધા

ગાંધીનગરમાં મુસાફરોના સ્વાંગમાં લૂંટ ચલાવતા ત્રણ બદમાશોને લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેસી પેસેન્જરની નજર ચૂકવી ખિસ્સા કાતરી લઈ પૈસા-દાગીના સેરવી લેનાર ગેંગના ત્રણ સાગરિતોને લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી લઈ પાંચ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.

થોડાક દિવસ પહેલા રાંધેજા ચાર રસ્તા પાસે એક પેસેન્જરને બેસાડી મુસાફરોના સ્વાંગમાં બેઠેલા ગઠીયાઓએ નજર ચૂકવી ખિસ્સું કાપી લઈ પૈસા સેરવી લીધા હતા. આ મામલે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારે તહેવાર ટાણે મુસાફરોને લુંટી લેવાની ઘટનાઓ પ્રકાશમાં આવતા રેન્જ આઈજી અભય ચુડાસમા તેમજ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તાબાનાં અમલદારોને ખાસ સૂચનાઓ આપવામાં આવેલી છે.

જે અંતર્ગત ગાંધીનગર લોકલ ક્રાઇમની ટીમ દ્વારા હ્યુમન રિસોર્સ તેમજ સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. અને પૂર્વ બાતમીના આધારે સીએનજી રીક્ષા(નંબર GJ27TA9490)માંથી ત્રણ ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ ચિરાગ પ્રેમજીભાઈ સોલંકી રહે. મકાન – 115,ઉદયનગર વિભાગ – 3,સ્વસ્તિક ચાર રસ્તા, અમરાઈવાડી મૂળ, મહેસાણા), પદમચંદ ઉર્ફે લખુ ઉર્ફે લખન માધવ લાલ જૈન (રહે, ઇન્દિરા નગર – 1, લાંભા) તેમજ હિતેશ ઉર્ફે બટકો બાબુભાઈ સોલંકી (રહે, સ્વસ્તિક ચાર રસ્તા, આંબેડકરનગર, અમરાઈવાડી, મૂળ મહેસાણા) હોવાની કબૂલાત કરી હતી.

આ અંગે લોકલ ક્રાઇમ બ્રાંચ પીઆઈ જે એચ સિંધવે જણાવ્યું હતું કે, ઉક્ત ગેંગ રીક્ષા લઈને ફરતી રહેતી હતી. અને પેસેન્જરને બેસાડી પૈસા અને દાગીના સેરવી લેતી હતી. ઉક્ત ગુન્હા સિવાય તેમણે અત્યાર સુધીમાં મહેસાણા રોડ પર પાલાવાસણા, નરોડા પાટિયા, જશોદાનગર અને એપોલો સર્કલથી પેસેન્જર બેસાડી તેની નજર ચૂકવી પૈસા સેરવી લીધાની પણ કબૂલાત કરી છે. જેનાં પગલે ત્રણેયની ધરપકડ કરી રીક્ષા, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ કબ્જે લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી