સિગારેટની માંગ કરી ત્રણ બદમાશોએ યુવક પર છરી વડે કર્યો હુમલો

શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

શહેરના શાહીબાગ વિસ્તારમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન ત્રણ બદમાશોએ સિગારેટની માંગ કરી એક યુવક પર છરી વડે હુમલો કરી ફરાર થઇ ગયા હતા. એક્ટિવા પર જઇ રહેલા યુવકને જોગણીમાતાના મંદિર પાસે રોકી સિગારેટની માંગ કરી હતી. જો કે યુવકે સિગારેટ નથી તેમ કહેતા આરોપી ઉશ્કેરાઇ ગયો હતો, અને ચાકુ વડે હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં આરોપી યુવક સાથે રહેલા બે અજાણ્યા યુવકોએ પણ બિભત્સ ગાળો આપી યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે શાહિબાગ પોલીસે ત્રણ યુવકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શાહીબાગ વિસ્તારમાં મણીલાલ મુખીની ચાલીમાં રહેતો યુવક જયંતી ઠાકોર રાત્રીના સમયે એક્ટિવા લઇ મિત્રને મુકવા જઇ રહ્યો હતો. આ દરમિયાન જોગણીમાતાના મંદિર પાસે કાના પટણીએ એક્ટિવાને રોકાવી સિગારેટની માંગ કરી હતી. ત્યારે જયંતીએ સિગારેટ ન હોવાનું કહેતા આરોપી કાનો ઉશ્કેરાઇ ગયો હતો. અને ગંદી ગાળો બોલી બેથી ત્રણ લાફા મારી દીધા હતા. ઝપાઝપી દરમિયાન આરોપી કાનાએ છરી કાઢી જયંતીને પગના જાંઘના ભાગે બે ઘા મારી દીધા હતા. આ દરમિયાન વચ્ચે પડેલા મિત્ર સાથે પણ આરોપીએ મારા મારી કરી હતી. તો બીજી તરફ આરોપી કાના સાથે રહેલા અન્ય બે અજાણ્યા યુવકોએ પણ જયંતિ સાથે મારામારી કરી છરી વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન જયંતિએ બચાવ કરતા હાથ વચ્ચે લાવતા અંગુઠાના ભારે છરીનો ઘા વાગી ગયો હતો.

હુમલા બાદ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતો. તો બીજી તરફ લોહીલુહાણ હાલતમાં જયંતિને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મામલે જયંતિ ઠાકોરે શાહીબાગ પોલીસ મથકમાં આરોપી કાનો પટણી સહિત અજાણ્યા બે યુવકો સામે ફરિયાદ નોંધાવી કાર્યવાહીની માંગ કરી છે.

 20 ,  1