તિરૂનેલ્લાઇ નારાયણા ઐયર શેષાન-જેનાથી વડાપ્રધાન પણ ડરતા હતા..!

ટીએન શેષાનનું નામ પડતાં જ ઉમેદવારો પરસેવે રેબઝેબ થઇ જતાં હતા…

કોલકાતા હાઇકોર્ટે હાલમાં જ ચૂંટણી પંચને કહ્યું-શેષાન જેવા કડક થાવ..

આચારસંહિતાનું સૌ પ્રથમ કડક પાલન શરૂ થયું 1990માં..

શેષાને વડાપ્રધાને કહ્યું હતું- બે મંત્રીઓને સરકારમાંથી કાઢી મૂકો..!

1998માં સુપ્રિમ કોર્ટે પણ ચૂંટણી પંચને સલાહ આપી- શેષાન જેવી ક્રેડિટ મેળવો..

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

કોલકાતા હાઇકોર્ટનું અવલોકન- જો ચૂંટણી પંચે પ.બંગાળમાં કોરોનાને ધ્યાનમાં રાખીને ચૂંટણી રેલીઓ. જાહેરસભાઓ વગેરે.રોકવામાં ટીએન શેષાને કરેલી કામગીરીના 10 ટકા પણ કામ કર્યું હોત બંગાળમાં હાલમાં સ્થિતિ સારી હોત. કોણ છે આ ટીએન શેષાન કે જેને કોલકાતા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ટીબીએન રાધાકૃષ્ણનની અધ્યક્ષાવાળી બેંચને યાદ કરવાની જરૂર પડી..?!

બંગાળમાં 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. 27 માર્ચથી શરૂ થયેલા પ્રથમ સબક્કાના મતદાન બાદ 22મી એપ્રિલે 6 તહક્કા પૂરા થયા અને હજુ 27 અને 29 ના રોડ સાતમા અને આઢમા તબક્કાનું મતદાન થવાનું છે. તે દરમ્યાન બંગાળમાં કેસોના આંકડા ચોથ્થા તબક્કા બાદ જાહેર થતાં ગયા તેમ તેમ લોકોને માલુમ પડતું ગયુ કે ત્યાં પણ હાલાત સંગીન હૈ. ટીએમસીના નેતા અને સીએમ મમતા બેનર્જીએ તો કહી જ દીધુ કે બંગાળમાં ભાજપે વાઇરસ ફેલાવ્યો છે..!

મામલો ત્યાંની હાઇકોર્ટમાં ગયો અને ચૂંટણ પંચની સામે આકરી ટીપ્પણી વેયક્ત કરાઇ જેમાં જેમનો ઉલ્લેખ કરાયો તો ટીએન શેષાન ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર હતા અને તેમણે ચૂંટણી પ્રક્રિયાના નિયમોનું એટલી કડકાઇથી પાલન કરાવ્યું હતું કે તે વખતના વડાપ્રધાન પણ તેમનાથી ડરતા હતા.હાલના ચૂંટણી પંચની કામગીરેને જોઇને કોઇ એ માનવા જ તૈયાર ના થાય કે વડાપ્રધાન અને ભલભલા નેતાઓને ચૂંટણીમાં ટીએન શેષાનની બીકે નિયમોનું પાલન કરવુ પડતું હતું. તે વખતે ચૂંટણીના નિયમોના પાલનમાં મિડિયા શેષાનની સાથે હતું.

તિરૂનેલ્લાઇ નારાયણાઐયર શેષાન. આ હતું તેમનું આખુ નામ.હાર્વર્ડ યુનિ.માં અભ્યાસ અને રેમન મેગ્સેસે પુરસ્કારથી સન્માનિત. 15 ડિસે. 1932માં જન્મ અને 10 નવે. 2019માં નિધન. 1990થી 1996 સુધી તેઓ ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરપદે રહ્યાં અને તે દરમ્યાન જેટલી પણ ચૂંટણીઓ યોજાઇ તે તમામમાં તેમણે ખરા અર્થમાં મોડેલ કોડ ઓફ કોન્ડક્ટ એટલે આદર્શ આચાર સંહિતાનું એટલી કડકાઇથી પાલન કરાવ્યું કે જાહેર કે ખાનગી દિવાલો પર ચૂંટણી પ્રચારના ચિતરામણો બંધ થઇ ગયા હતા. કોઇની દિવાલ પર ચૂંટણી પ્રચારના સૂત્રો કે રાજકિય પાર્ટીનું નામ-પ્રતિક, ઉમેદવારનું નામ લખવુ હોય તો ઘરમાલિકની સંમતિ ફરજિયાત હતી…

ઉમેદવારી નોંધાવતી વખતે આજે જે માત્ર પાંચ જ કાર્યકરોને હાજર રાખવા એ નિયમનું પાલન ટીએન શેષાનને આભારી છે. તે અગાઉ ટોળે ટોળા સાથે ઉમેદવારીપત્ર ભરવામાં આવતા હતા.તે વખતના રાજકારણીઓ તેમનાથી એટલા ફફડતા હતા કે તેઓ એમ કહેતા કે તેઓ ભગવાન અથવા શેષાનથી ડરે છે…! કોલકાતા હાઇકોર્ટે બંગાળની સ્થિતિ જોઇને હાલમાં ચૂંટણી પંચને શેષાનમાંથી પ્રેરણા લેવા શિખામણ આપી એવી શિખામણ સુપ્રિમ કોર્ટે 2018માં પણ તે વખતના ચૂંટણી પંચને આપી હતી કે તેઓ નિયમોનું કડક પાલન કરાવીને શેષાન જેવી ઇજ્જત-આબરૂ અને શાખ મેળવે..! મોડેલ કોડઓફ કોન્ડોક્ટના અમલની સાથે તેમણે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા મસલ્સ અને મની પાવર પર અંકૂશ મેળવ્યો હતો. એટલુ જ નહિ નિયમોના ભંગ બદલ ઉમેદવારની સામે કેસ કરવો અને તેમની ધરપકડ પણ કરવા સુધીની એવી કાર્યવાહી કરી હતી કે દેશના નાગરિકો તેમના પર આફરિન પોકારી ગયા હતા અને જોતજોતામાં તેઓ લોકોમાં પ્રિય અને રાજકારણીઓમાં તથા ઉમેદવારોમાં અપ્રિય બન્યા હતા..તે વખતે ચૂંટણી પંચના તમામ અધિકારીઓ પણ તેમનાથી ફફડતા હતા. ઉમેદવારો પ્રત્યે નરમ વલણ રાખનાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં કોઇને શેહશરમ તેમને નડતી નહોતી.

એમ કહેવાય છે કે 1960થી 1980ના દાયકા સુધી ભારતમાં ચૂંટણી પંચ રામ ભરોસે ચાલતું હતું. નિયમો તો હતા જ પણ તેનું કડકાઇથી પાલન ભાગ્યે જ થતું હતું. 1990માં તેઓ મુખ્ય ચૂંટણી કમિશનરપદે નિયુક્ત થયા અને ભારતમાં ચૂંટણીક્ષેત્રે એક નવો અધ્યાય જાણે કે આરંભાયો હતો. તેમની કડકાઇ જોઇને કોઇ નેતાઓ પણ તેમને કાંઇ કહી શકતા નહોતા. કેમ કે તેઓ કાયદા પ્રમાણે કામ કરતાં હતા.

તેમનો તાપ એવો હતો કે 1994માં તેમણે તત્કાલિન વડાપ્રધાન પીવી નરસિંહરાવને સલાહ આપી હતી કે ચૂંટણીમાં મતદારો પર પ્રભાવ પાડવા બદલ તેઓ તેમના બે મંત્રીઓ સીતારામ કેસરી અને કલ્પનાથ રાયને મંત્રીમંડળમાંથી દૂર કરે…!! તેમના કાર્યકાળમાં ચૂંટણીઓમાં નેતાઓના ભાષણો કેવા મર્યાદિત અને તમામ નિયમોના પાલન સાથે થતા હશે તેની કલ્પના કરો…! કોઇ ઉમેદવારે ભડકાઉ કે કોમી સંવાદિતાને અસર કરે એવા ભાષણો આપ્યા હોય તો ઉમેદવારી જ રદ્દ..!

તેમની કાર્યપધ્ધતિની સરખામણી તાનાશાહી કે આપખુદશાહી અધિકારી તરીકે થતી હતી. તેમને કાંઇપણ કહેવાની હિંમત વડાપ્રધાનનમાં પણ નહોતી. તેઓ એક બુલડોગ પણ પાળતા હતા અને તેમનો પોતાનો દેખાવ જોઇને તેઓ પોતે જ કહેતા કે યસ, આઇ એમ બુલડોગ..!! આજે જે ચૂંટણી પંચના મતદારના ફોટા સાથેના ઓળખકાર્ડ છે, તેની શરૂઆત શેષાને કરાવી હતી. ચૂંટણીઓમાં કેવા કેવા પ્રકારની ગેરરીતિઓ કે અનિયમિતતાઓ અને ગોબાચારી થાય છે તેની યાદી તેમણે તૈયાર કરાવી ત્યારે લોકો જાણી શક્યા કે ચૂંટણીમાં 150 પ્રકારની અનિયમિતતાઓ આચરવામાં આવતી હતી…!!

શેષાનના કાર્યકાળમાં ચૂંટણી પંચમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશ્નરની એકલાની જ પોસ્ટ હતી. તેમને કહેનાર કોઇ સાથી અધિકારીઓ નહોતા. તેમની કાર્યપધ્ધતિ પર નિયંત્રણ રાખવા ઓક્ટોબર 1993માં ચૂંટણી પંચમાં બીજા બે અધિકારીઓ નિમવાની અને કુલ ત્રણ અધિકારીઓનું પંચ બનાવવમાં આવ્યું હતું. શેષાન તેને સહન કરે એવા નહોતા. શેષાને તેનો વિરોધ કર્યો અને મામલો સુપ્રિમ કોર્ટમાં ગયો. જેમાં કોર્ટે સરકારના પગલાને અનુમોદન આપ્યું ત્યારે શેષાન ઢીલા પડ્યા હતા.

પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી ટીએસ કૃષ્ણામૂર્તિ એ પોતાના અનુભવોનું એક પુસ્તક લખ્યું છે- મિરેકલ ઓફ ડેમોક્રેસીઃ ઇન્ડિયાઝ મિરેકલ જર્ની. જેમાં તેમણે શેષાનના કાર્યકાળને એક નિર્ણાયક તબક્કો-ટર્નિંગ પોઇન્ટ-સમાન ગણાવીને નોધ્યું હતું કે ભારતના ચૂંટણી પંચને બે ભાગમાં વહેંચી શકાય. એક શેષાન પહેલાનો સમયગાળો જેમાં ચૂંટણી પંચ સરકારના નિયંત્રણ હેઠળના કોઇ સરકારી વિભાગની જેમ કામ કરતું હતું અને બીજો ભાગ શેષાન પછીનો સમયગાળો કે જેમાં ચૂંટણી પંચ ખરેખર સ્વતંત્ર સંસ્થા બની..! ચૂંટણીઓમાં થતાં ભ્રષ્ટાચારને રોકવામાં શેષાને રીતસર ઝૂંબેશ ચલાવી હતી અને લોકોમાં ખૂબજ લોકપ્રિય નિવડ્યા હતા. તે બદલ 1996માં તેમને નોબેલ સમકક્ષનો મેગ્સેસે પુરસ્કાર અપાયો હતો.

ચૂંટણીમાં બીજા ઉમેદવારોને લડાવતાં લડાવતા તેમને પોતાને પણ ચૂંટણી લડવાના અભરખા જાગ્યા અને 1997માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કે. આર.નારાયણની સામે ઉભા રહ્યાં અને હારી ગયા. 1999માં તેમણે ગુજરાતમાં ગાંધીનગરની બેઠક પર ભાજપના એલ.કે. અડવાણીની સામે ઉભા રહ્યાં અને હારી ગયા…સત્તામાં રહીને ચૂંટણીઓ વખતે રાજકારણીઓને ધ્રુજાવનાર સત્તામાં ના હોય અને ચૂંટણી જંગના મેદાનમાં ઉતરે તો રાજકારણીઓ તેમને જીતવા દે..?!! કડક સ્વભાવ છતાં ફિલ્મોના શોખીન એવા ટીએન શેષાનની પ્રિય હિરોઇન કઇ હતી જાણો છો..? ચુલબુલી શિલ્પા શેટ્ટી…અને ગીત હતું- ઓ ચુરા કે દિલ મેરા…. કહાં તુ ચલી…! હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ પણ દેશના ચૂંટણી પંચને કાયદાના અમલમાં જેને અનુસરવાની સલાહ આપે છે એ ટીએન શેષાનને કોઇ રાજકારણી યાદ ના કરે તે સ્વાભાવિક છે.શેષાનને કારણે આજે ખાનગી અને જાહેર માલમિલકતની દિવાલો ચૂંટણીલક્ષી ચિતરામણથી ચોખ્ખી છે..!

તંત્રીઃ દિનેશ રાજપૂત

 36 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર