September 23, 2021
September 23, 2021

ટ્રાફિક હળવો કરવા માટે ટ્રાફિક પોલીસે ફ્રી લેફ્ટ લાઈન પ્રોજેક્ટ શરૂ કર્યો

ડાબી બાજુના વળાંક માટે અલગથી લેન, સિગ્નલ બંધ હશે તો પણ ડાબી બાજુ વળવા ઉભા રહેવું નહીં પડે

ફ્રી લેફ્ટ લેનનો ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે થશે કાયદેસરની કાર્યવાહી

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ લાંબા સમયથી ચાલી આવે છે. ત્યારે આ સમસ્યાને હળવી કરવા માટે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલાક અંશે ટ્રાફિક હળવો થતા વાહનચાલકોને રાહત થશે.

અમદાવાદ શહેરમાં વાહનોની સંખ્યા 40 લાખ કરતાં પણ વધી જતાં શહેરના મોટા ભાગના રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તેમાં પણ ઘણાં સિગ્નલ એવાં છે કે જ્યાં પિક અવર્સમાં તો ત્રીજા કે ચોથા સિગ્નલે વાહનચાલકનો નંબર લાગે છે. જેની ગંભીરતાથી નોંધ લઈને ટ્રાફિક પોલીસે ફ્રી લેફ્ટ લાઈન પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

નોંધનીય છે કે રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બંધ હોય તેમ છતાં જો કોઈ વાહનચાલકને ડાબી બાજુ વળવું હોય તો પણ તેને વાહનચાલકોની વચ્ચે કે વાહનોની પાછળ ઊભા રહેવું પડે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.

ત્યારે હવે આ સમસ્યાના નિવારણ માટે ડાબી બાજુ વળનારા વાહનચાલકોને ખુલ્લો રોડ મળી રહે તે માટે ટ્રાફિક પોલીસે ફ્રી લેફ્ટ લાઈન પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે અનુસાર ડાબી બાજુ વળનાર માટે રોડ પર 15-20 ફૂટ દૂરથી જ વાહનચાલકો માટે બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે.

આ વિશે ટ્રાફિક શાખાના સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, અમદાવાદના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ બંધ હોય અને જો કોઈ વાહનચાલકને ડાબી બાજુ વળવું હોય તો પણ તે ટ્રાફિક જામમાં ફસાયા હોવાથી ડાબી બાજુ વળી શકતા નથી.

આથી પશ્ચિમ અમદાવાદના મોટા ભાગના ચાર રસ્તા, સર્કલ પર ફ્રી લેફ્ટ લેઈન પ્રોજેકટ શરૂ કર્યો છે, જેમાં ડાબી બાજુ વળનારા વાહનચાલકો માટે બેરિકેડ મૂકીને રસ્તો ડાયવર્ટ કરી દેવાયો છે. ફ્રી લેફટ લેઈનનો દરેક વાહન ચાલક અમલ કરે તે માટે દરેક પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ કે ટ્રાફિક બ્રિગેડના જવાનો હાજર રહેશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, હાલમાં ફ્રી લેફ્ટ લેનનો ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા કે દંડ વસૂલવાનું નક્કી કરાયું નથી, પરંતુ ભવિષ્યમાં તેના અમલ માટે પણ વિચારણા કરવામાં આવી શકે છે.

 14 ,  2