આજે ટીમ ઈન્ડિયા T-20ની શ્રેણીમાં કબ્જો કરવા મેદાનમાં ઉતરશે

ન્યૂઝીલેન્ડ મેચ જીતીને શ્રેણી જીવંત રાખવા આપશે ટક્કર

ટી-૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડીયાએ ખરાબ દેખાવની નિરાશા ખંખેરીને વર્લ્ડ કપની ફાઈનલીસ્ટ ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણે ત્રણ મેચની શ્રેણીનો પ્રારંભ પણ કરી દીધો છે. શ્રેણીની પ્રથમ ટી-૨૦માં ભારતે આખરી ઓવરમાં ન્યુઝીલેન્ડને પરાજય આપીને ૧-૦થી સરસાઈ મેળવી લીધી છે. હવે આજે ભારત ન્યુઝીલેન્ડ સામે શ્રેણી જીતવા માટે ઉતરશે. જ્યારે ન્યુઝીલેન્ડ મેચ જીતીને શ્રેણી જીવંત રાખતા જોરદાર ટક્કર આપશે.

ચાહકો અને ભારતીય ક્રિકેટ બોર્ડની પ્રથમ ટી-૨૦ મેચના ભારતના દેખાવ પર એવી રીતે પણ નજર હતી કે રવિશાસ્ત્રીની હેડ કોચ તરીકેની ટર્મ પૂરી થયા બાદ નવનિયુક્ત હેડ કોચ રાહુલ દ્રવિડના માર્ગદર્શનમાં ટીમ કેમ્પમાં વાતાવરણ કેવું જોઈ શકાય છે. આ ઉપરાંત કોહલીએ ટી-૨૦ની કેપ્ટન્સી સામે ચાલીને છોડી દીધી છે તે પછી રોહિત શર્માની કેપ્ટનસી હેઠળ પ્રથમ જ મેચમાં ભારતે વિજયી શુભારંભ કર્યો તેથી ટીમનો જુસ્સો વધી ગયો છે.

કોચ રાહુલ દ્રવિડ પોતે નેશનલ ક્રિકેટ એકડમીનો ડાયરેક્ટર રહી ચૂક્યો છે. તેના હાથ નીચે ઘણા યુવા આશાસ્પદ ખેલાડીઓ તૈયાર થયા છે. રાહુલ દ્રવિડની ટર્મ હેઠળ ભારત આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-૨૦ વર્લ્ડ કપ અને તે પછી ૨૦૨૩માં ભારતમાં રમાનાર વન ડેનો વર્લ્ડ કપ રમશે. રાહુલ દ્રવિડ અગાઉથી જ કહી ચૂક્યો છે કે આવતા વર્ષના ટી-૨૦ વર્લ્ડ કપની તૈયારી ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટી-૨૦ શ્રેણીથી જ કરવા માંગે છે.

ભારતને પ્રથમ ટી-૨૦ મેચમાં ન્યુઝીલેન્ડ સામેના વિજયની વિશેષ ખુશી થઇ હશે તેનું એક કારણ એ છે કે બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં ભારત વધુ ચઢિયાતુ અને જોમવંતુ લાગતું હતું.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી