September 23, 2021
September 23, 2021

આજે પાંચમાં સોમવારે સોમવતી અમાસ સાથે પવિત્ર શ્રાવણ માસનું સમાપન થશે

અંતિમ શ્રાવણીયા સોમવારે શિવાલયો દિપમાળાથી ઝળહળી ઉઠશે

દેવાધિદેવ મહાદેવની સાધનાના મહામહોત્સવ સમાન પવિત્ર શ્રાવણ માસનું આજે પાંચમાં સોમવારે સોમવતી અમાસના અંતિમ પર્વ સાથે સમાપન થશે. શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ, પવિત્ર સોમવતી અમાસ અને સોમવાર એક સાથે આવતા તેનું શ્રધ્ધાળુઓમાં અનન્ય મહત્વ વધી જવા પામેલ છે. આજે અંતિમ શ્રાવણીયા સોમવારે શિવાલયો દિપમાળાથી ઝળહળી ઉઠશે.

આ વર્ષે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ પણ સોમવારે થયો હતો અને મહિનાનો છેલ્લો દિવસ પણ સોમવાર હોવાનો અનેરો સંયોગ સર્જાયો છે. આ વર્ષે પવિત્ર શ્રાવણ દરમિયાન શિવભક્તોને ભગવાન શિવજીની પૂજા અર્ચના માટે પાંચ સોમવારનો લાભ મળ્યો હતો. શિવાલયોમાં સમગ્ર મહિના દરમિયાન અને ખાસ કરીને દર સોમવારે ભક્તોની ભારે ભીડ જામતી જોવા મળી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના શિવાલયોમાં શિવલિંગને વિવિધ શણગાર કરવામાં આવ્યો હતો. શિવમંદરોને પણ શણગારવામાં આવ્યા હતા. ભક્તોએ દૂધ અને બિલિપત્ર સહિતના દ્વવ્યોથી શિવલિંગને અભિષેક કરીને મહાદેવને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.

સોમનાથ મહાદેવ મંદિરમાં શિવને જળાભિષેક કરવાનો તમામ ભાવિકોનો મનોરથ હોય છે. આ માટે સોમનાથ ટ્રસ્ટે વ્યવસ્થા ઉભી કરી છે. આજથી ભાદરવી અમાસથી ભાવિકોને આ સુવિધાનો પણ લાભ મળશે. સોમનાથમાં ભાવિકને જાણે પોતે જળાભિષેક કરતા હોય અને તેને શિવજીના આશીર્વાદ મળતા હોય એવી અનુભૂતિ થશે.

આજે સોમવતી અમાસ

6 સપ્ટેમ્બર, સોમવારના રોજ અમાસ તિથિ સૂર્યોદયના થોડા સમય પછી લગભગ 7.40 કલાકે શરૂ થશે અને આખી રાત રહેશે. એટલે આ દિવસે વ્રત અને પીપળાના ઝાડની પૂજા સાથે પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવશે. સાથે જ આ દિવસે અમાસ તિથિમાં થતી દરેક પ્રકારની પૂજા કરવામાં આવી શકશે.

 50 ,  1