દેશમાં કમોસમી વરસાદને કારણે ટામેટાના ભાવમાં ભડકો

માવઠાએ બાજી બગાડી : ટામેટા થયા ‘લાલ’, કિલોનો ભાવ 120 રુપિયા

કર્ણાટકમાં સતત વરસાદને પગલે ખેડૂતો માટે વિનાશ સર્જાયો છે. રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં 24 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 191 પશુઓના મોત નિપજ્યા તેમજ 5 લાખ હેક્ટર કૃષિ ફસલનું નુકસાન થયું છે. બીજી બાજુ બેંગલુરુ અર્બન, બેંગલુરુ રૂરલ, તુમકુરુ, કોલાર, ચિક્કાબલ્લાપુર, રામનગર, હસન જિલ્લાને વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે. પાકના નુકસાનને કારણે બેંગલુરુમાં શાકભાજીના ભાવમાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. ટામેટાંની રિટેલ કિંમતમાં 90-120 રૂપિયાનો વધારો થયો છે.

દેશમાં રીંગણ, કોબીજ અને કઠોળ જેવા અન્ય શાકભાજીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. શાકભાજીના વેપારી અને બજાર સચિવ મોહમ્મદ પરવેઝનું કહેવું છે કે બેંગલુરુમાં સ્ટોકની તંગીને કારણે ઘણા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. તે કહે છે, “શહેરમાં ખૂબ જ ઓછો સ્ટોક આવી રહ્યો છે, માત્ર 10-20%. એક કિલો ટામેટાનો ભાવ 150 રૂપિયા થઈ ગયો હતો, પરંતુ મહારાષ્ટ્રથી આવતા સ્ટોકને કારણે તે ઘટીને 100-110 રૂપિયા થઈ ગયો છે. કઠોળ, ગાજર, મૂળા જેવા અન્ય શાકભાજી પણ મોંઘા થઈ ગયા છે.”

બેંગલુરુને ઉપલબ્ધ શાકભાજીનો મોટો ભાગ કોલાર જિલ્લામાંથી આવે છે. વાસ્તવમાં કોલાર મંડીને દક્ષિણ કર્ણાટકના પાંચ જિલ્લાઓમાંથી ટામેટાં મળે છે, જેનો પાક એકલા કોલાર જિલ્લામાં 10,000 એકરમાં ઉગાડવામાં આવે છે. પરંતુ સતત વરસાદથી પાકને એટલી હદે નુકસાન થયું છે કે એપીએમસી યાર્ડમાં જે આવી રહ્યું છે તે નબળી ગુણવત્તાનું છે અને જથ્થો પણ ઓછો છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી