પૂર્વ CMના ગઢમાં વર્તમાન CMનો આવતીકાલે રોડ શો

એક તરફ કેસો વધે છે બીજી તરફ જાહેર મેળાવડા

એક બાજુ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે એટલુ જ નહીં ગઈકાલે 500ને પાર કેસો નોંઘાયા હતા જેના પગલે લોકોમાં ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે તેવો ભય ફેલાયો છે ત્યાં બીજી બાજુ સરકાર જાહેર મેળાવડા કરવામાં વ્યસ્ત છે. રાજકોટમાં આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અનેક કાર્યક્રમો વચ્ચે રોડ શો યોજશે. ચોંકાવનારી વાત એ છે કે, રોડ શોમાં ટોળુ એકઠા કરવા માટે લક્ષ્ય પણ આપવામાં આવ્યો છે. ત્યારે લોકોના મનમાં એસવાલ એ સર્જાઈ છે કે, ભીડ એકઠી ન કરવાની શીખ આપનાર ભાજપ જ પોતાના કાર્યક્રમોમાં તાયફા કરે તો રોકનાર કોણ હશે?

રાજ્યના ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મત વિસ્તારમાં સત્તાવાર કાર્યક્રમ યોજશે. મુખ્યમંત્રી આવતીકાલે રાજકોટમાં એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીના રોડ શો યોજશે જેમાં હવે કોરોના વધતા કેસો વચ્ચે નેતાઓ કોરોનાના ગાઈડ લાઈનનું પાલન કરે છે કે નહીં!

રોડ શો બનશે આકર્ષણનું કેન્દ્ર !

રાજકોટના બે થી અઢી કિલોમીટરના રોડ શોમાં અનેક આકર્ષણના કેન્દ્ર જોવા મળશે. ખુલ્લી જીપમાં સીએમ પટેલ,પૂર્વ સીએમ રૂપાણી સહિત પાંચ રાજ્યના મંત્રીઓ અને શહેર ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. રોડ શોમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઇક સાથે ઘોડે સવાર,વિન્ટેજ કાર સહિતના આકર્ષણના કેન્દ્રો રહેશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રીના રોડ શોને લઇને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું પણ બહાર પાડ્યું છે, જેમાં કાલે સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી શહેરના હાર્દ સમા રેસકોર્સથી યાજ્ઞિક રોડ સુધીના તમામ રસ્તા બંધ કરાવાશે તેમજ રોડ શોના રૂટમાં નો પાર્કિંગ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જોકે આ રસ્તા પર રોજ ઓફિસે કે કામ માટે જનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. મુખ્યમંત્રીનો કાફલો પસાર થાય એ માટે કોઈપણ પ્રકારનાં વાહનોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. સરકારે ભીડ એકઠી ન કરોના નિયમ બનાવ્યા અને પોતે જ ભીડ એકઠી કરવાના ટાર્ગેટ આપી ખુલ્લેઆમ નિયમ તોડશે.

કોરોના કાળમાં રોડ શો પર કોંગ્રેસે ઉભા કર્યા સવાલ
એક તરફ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે અને બીજી તરફ મુખ્યપ્રધાન રોડ શોનો કોંગ્રેસે વિરોધ કર્યો છે.કોંગ્રેસના નેતાઓએ મુખ્યમંત્રી લોકોના જીવ જોખમમાં મૂકવા આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને કોરોનાના કપરાં કાળમાં ભાજપના કાર્યકર્તાઓ સુપરસ્પ્રેડર બનશે તેવો આક્ષેપ કર્યો હતો અને આ રોડ શો રદ્દ કરવાની માંગ કરી હતી.

 82 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી