જેલની બહાર ખંડણીનો ધંધો, હવે જેલની ભીતરમાં ફૂલ્યો ફાલ્યો..

કાચા કામના કેદીના પરિવારે લગાવ્યો ગંભીર આક્ષેપ

સાબરમતી જેલમાં માથાભારે કેદીઓનો ત્રાસ, ગેંગ બનાવી વસૂલે છે ખંડણી

પીડિત કેદીની પત્નીએ ગૃહમંત્રી-પોલીસ કમિશનરને મદદ માટે લગાવી ગુહાર

અમદાવાદ સાબરમતી જેલ ફરી વિવાદમાં આવી છે, જેલની અંદર માથાભારે કેદીઓ અન્ય કેદીઓ પાસેથી ધાક ધમકી આપી ખંડણી વસૂલતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે જેલના એક કેદીના પરીવારે કમિશનર તેમજ ગૃહમંત્રીને અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે, જેલની અંદર રહેલા માથાભારે શખ્સોનો ત્રાસ વધી ગયો છે. અવાર નવાર પૈસાની માંગણી કરવામાં આવે છે. એટલું જ નહીં અરજીમાં રાણીપ પોલીસ કેસ ન લેતા હોવાનો પણ કેદીના પરિવારે આરોપ લગાવ્યો છે.

મળતી માહિતી મુજબ, નરોડા ગામ ખાતે રહેતા અને છેતરપિંડીના કેસમાં છેલ્લા ચાર વર્ષથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ જીગરભાઈ જોષીએ પરિવારજનોને જણાવ્યું હતું કે તેમના જીવ પર જોખમ છે, મનુ રબારી અને વિપુલ રબારી જેલમાં પોતાની ગેંગ ચલાવી રહ્યા છે. અને બંને મળીને દરરોજ હેરાન-પરેશાન કરે છે.

જેલમાં સજા કાપી રહેલા કાચા કામના કેદી જીગરભાઇએ આરોપ લગાવ્યો છે કે, માથાભારે મનુ રબારી અને વિપુલ રબારી તેમની પાસેથી ધાક ધમકી આપી પૈસાની ઉઘરાણી કરવામાં આવે છે, એટલું જ જો મને કંઇ થશે તો જવાબદાર જેલ પ્રશાસન હશે.

પીડિતાની પત્ની કલ્પના બેને જણાવ્યું કે, માથાભારે કેદીઓના કારણે તેમના પતિની માનસિક હાલત ખરાબ થઈ ગઈ છે. જ્યારે પણ જેલમાં મળવા જાય છે ત્યારે તેમનો પતિ કહે છે કે મનુ રબારી અને તેના સાગરિતો દ્વારા પૈસાની માંગણી કરવામાં આવે છે, જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપે છે.

રાણીપ પોલીસે કહ્યું, અમે ફરિયાદ ન લઇ શકીએ

પીડિત જીગરભાઇની પત્ની કલ્પનાએ જણાવ્યું કે આ મામલે તેમણે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા તો પોલીસે કહ્યું હતું કે, સેન્ટ્રલ જેલમાં ફરિયાદ કરો, જો ફરિયાદ ન લે તો અમારી પાસે આવજો..હાલ અમે ફરિયાદ ન લઇ શકે તેમ કહી કાઢી મુક્યા હતા…

જો કે રાણીપ પોલીસ તરફથી કોઇ કાર્યવાહી ન થતાં આખરે પીડિતની પત્નીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મદદ માટે અપીલ કરી છે.

 59 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી