વ્યાજખોરોના ત્રાસે યુવકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

નરોડા પોલીસ મથકમાં 11 વ્યાજખોરો સામે ફરિયાદ બાદ તપાસ

શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાના સંખ્યાબંધ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે શહેરના નરોડા વિસ્તારમાં આવો જ કિસ્સો જોવા મળ્યો છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનએ ઝેરી દવા ગટગટાવી દઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે નરોડા પોલીસે 11 વ્યાજખોરો વિરોધમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા પાર્થ પાનસુરીયા માટી પુરાણનું કામ કરે છે. જોકે લોકડાઉન બાદ ધંધો ઠપ્પ થઈ જતા પાર્થ પાનસુરીયા સતત ચિંતામાં રહેતા હતા. બીજી જાન્યુઆરીએ મોડી સાંજના પાર્થ પાનસુરીયાએ નરોડાના એસ.આર.પી ગ્રાઉન્ડની પાછળ કેનાલ રોડ પર પાર્થે જંતુ મારવાની દવા પી લીધી હોવાની જાણ તેના પરિવારજનોને થઈ હતી. જેથી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ મામલે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પાર્થે કેટલાક સમય અગાઉ 11 જેટલા વ્યાજખોરો પાસેથી અલગ અલગ રીતે રૂપિયા લીધા હતા જે તમામ લોકો તેને અવાર નવાર ધમકી આપતા હતા અને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હતા. વ્યાજખોરો પાર્થને જાનથી મારી નાખવાની અને મારવાની ધમકીઓ આપતા હતા. વ્યાજખોર જયેશ ભરવાડ ધમકી આપી હતી કે તારે પૈસા તો આપવા જ પડશે અને તું મરી જાય તો તારા બેસણામાં આવું, પૈસા નહીં આપે તો તને બતાવી દઈશ.

આ મામલે પોલીસે હાર્દિક મુલાણી, ગોવિંદભાઈ દરબાર, જયેશ આહિર, અલ્પેશ વેકરીયા, રાધે ભાઈ, રૂચિત સોની, રાજુભાઈ સરપંચ, અરવિંદ ચૌધરી, કિશોર ધામેલીયા, રણજીત ભરવાડ, અને જયેશ ભરવાડ સામે ફરિયાદ દાખલ કરી છે. તપાસ આદરી છે.

નોંધનીય છે કે, ભોગબનનારે પોતાની જરૂરીયાત હોવાથી પ્રમાણે ડઝન જેટલા લોકો પાસેથી પૈસા લીધા હતા અને ચેક પણ આપ્યા હતા. ભોગબનનારે પૈસા પરત ન આપતા તેની સામે પણ કેસો કરવામાં આવ્યા છે.

 49 ,  1