ટ્રેજેડી કિંગ કુમારનું રાજકીય સન્માન સાથે થશે સુપુર્દ-એ-ખાક

દિલીપકુમારના પાર્થિવ દેહના દર્શન માટે ઉમટ્યાં કલાકારો

બોલિવૂડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારે 98 વર્ષની વયે મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે જેના પગલે દિલીપ કુમારના નિધનથી તેમના ચાહકો તથા બોલિવૂડ શોકમગ્ન થઈ ગયું છે. તેમનો પાર્થિવ દેહ હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યો છે. આ દરમ્યાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી કે દિલીપ કુમારના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. આજે સાંજે મુંબઈના જુહૂના કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ જ કબ્રસ્તાનમાં મોહમ્મદ રફી, મધુબાલા, મઝરૂહ સુલ્તાનપુરી સહિત અનેક જાણીતી મુસ્લિમ સેલિબ્રિટીઝને દફન કરવામાં આવી છે.

દિલીપ કુમારના નિધનના પગલે પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ સહીત અનેક રાજકીય હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો. લતા મંગેશકર, અક્ષય કુમાર સહિતના બોલિવૂડના ઘણા દિગ્ગજોએ પણ શોક વ્યક્ત કર્યો હતો.

11 ડિસેમ્બર, 1922 ના રોજ પેશાવર (હાલ પાકિસ્તાનમાં) માં જન્મેલા દિલીપકુમારનું અસલી નામ મોહમ્મદ યુસુફ ખાન હતું. યુસુફ ખાને નાસિકમાં અભ્યાસ કર્યો, રાજ કપૂર બાળપણમાં જ તેના મિત્ર બન્યા હતા જેના પગલે દિલીપકુમારની બોલીવુડ સફર ત્યાંથી શરૂ થઈ હતી. 22 વર્ષની ઉંમરે દિલીપકુમારને તેની પહેલી ફિલ્મ મળી. 1944માં, તેમણે ફિલ્મ ‘જવર ભાતા’ માં કામ કર્યું, પરંતુ તે ફિલ્મ વધુ ચર્ચા થઈ નહોતી.

 22 ,  1