વિધિની વિચિત્રતા – જન્મદિન પહેલાં જ મળ્યું કમનસિબ ભર્યુ મોત…

દહેગામના સોલંકીપુરા પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત

ટ્રક સાથે ટક્કર બાદ કારમાં આગ લાગતા યુવક થયો ભડથું

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં સોલંકીપુરા પાટીયા પાસે ટ્રક સાથે ટક્કર બાદ કારમાં આગ ભભૂકી ઉઠતા બાયડના તેનપુર ગામનો યુવક ભડથું થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. સ્વિફ્ટ કાર ટ્રક સાથે ટકરાયા બાદ ભડભડ સળગી ઉઠી હતી. કમનસિબે કાર ચાલક યુવક બહાર નિકળે તે પહેલા આગમાં હોમાઇ ગયો હતો. અકસ્માતનો ભોગ બનેલા યુવકનો ગઇકાલે 18 માર્ચે જન્મદિવસ હતો. ત્યારે બર્થડે પહેલા યુવકને કાળ ભરખી જતાં પરિવારમાં માતમ છવાયો છે.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના તેનપુર ગામે રહેતો કિશન રાજેશભાઈ પટેલ પોતાની સ્વીફટ કાર (નંબર Gj-09-BB-5765) લઈને મિત્રને મળવા માટે ચિલોડા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન દહેગામના સોલંકી પુરા પાટીયા નજીક આગળ જતી ટ્રક (નંબર Gj-23-V-5378)ની પાછળ કિશનની કાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો અને જોતજોતામાં ભભૂકી ઉઠી હતી. ઓટોમેટીક કારના દરવાજા બંધ થઈ જવાના કારણે કારના દરવાજા ખુલી શક્યા ન હતા. બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા યુવક કારમાં જીવતો ભૂંજાયો હતો.

અકસ્માતની ઘટના બાદ આજુબાજુના મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. તો બીજી તરફ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બાદમાં ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માત બાદ કારમાં એકાએક આગ ફાટી નિકળી હતી. કાર ચાલાક યુવક કંઇ સમજે તે પહેલા કાર આખી આગના ગોળામાં ફેરવાઇ જતાં મોત થયું છે. મૃતક બાયડ તાલુકાન તેનપુરનો રહેવાસી હોવાનું અને તેનું નામ કિશન રાજેશભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે અકસ્માત અંગે જાણ કરતા યુવકના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. જેમના આક્રંદથી સમગ્ર વાતાવરણ શોકમગ્ન બની ગયું હતું. સૌથી આઘાતજનક વાત એ છે કે આવતીકાલે 18 માર્ચના રોજ કિશનનો જન્મદિવસ હતો. પરિવાર જન્મ દિવસની ઉજવણી કરે તે પહેલાં તેના અવસાનના સમાચાર મળતાં પરિવારમાં ભાંગી પડ્યું હતું.

 43 ,  1