ગુજરાતમાં 7 અકસ્માતમાં 11 લોકોના કરૂણ મોત, 16ને ઈજા

દીવાળીના પ્રકાશપર્વે અલગ-અલગ અકસ્માતમાં ‘દીપક ઓલવાયા’

ગુજરાત સહિત દેશભરમાં આજે દીવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યાં દિવાળીની ઉજવણી વચ્ચે કેટલાક પરિવારોમાં ખુશીના ઉત્સાહનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. રાજ્યમાં આજે દિવાળીના પ્રકાશપર્વે સવારથી સાંજ સુધીમાં બે હિટ એન્ડ રન સહિત 7 અકસ્માતો સર્જાયા જેમાં 11 લોકોના કરૂણ મોત નિપજ્યા છે અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ટેમ્પાએ કારને ટક્કર મારતાં બે સગાં ભાઈઓનાં મોત

રાજ્યમાં દિવાળીનો પર્વ 11 પરિવારો માટે ગોઝારો બની રહ્યો હતો. અકસ્માતના પ્રથમ બનાવ અંગે જણાવીએ તો, અરવલ્લીના ધનસુરા-મોડાસા હાઈવે પર રહિયોલ ફાટક નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલાં ટેમ્પાએ કારને ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં કપડવંજના આંત્રોલી ગામના બે સગાભાઈ સહિત 4 લોકોનાં મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં બે સગાંભાઈઓ મયંક વાસુદેવ પટેલ, નીરવ વાસુદેવ પટેલ તેમજ રાજપુરના બિપીન રણછોડભાઈ પટેલના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન કાંતિ લાલ રોતનું મોત નિપજ્યું હતું.

મંદિરેથી પરત ફરતાં વાહને ટક્કર મારતાં બે સગાં ભાઈઓનાં મોત

જ્યારે બીજા બનાવમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વાંચ ગામથી 7 કિમી દૂર સવારના સમયે પૂરપાટ જતી કાર હાઈવે પર ઉભી રહેલ દૂધની ટેન્કર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેમાં મહિલા સહિત અમદાવાદના ત્રણ વ્યક્તિઓનાં મોત નિપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

ત્રીજો બનાવ નડિયાની પીજ ચોકપી પાસે બન્યો હતો. વડતાલ મંદિરેથી પરત ફરતાં અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારતાં એક્ટિવા પર સવાર અમદાવાદના બે સગાં ભાઈઓનાં કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. એક વ્યક્તિનું બ્રીજ પરથી નીચે પટકાતાં મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતાં 22 વર્ષીય સાહિલ પાંડે અને 24 વર્ષીય શિવમ પાંડેના મોત નિપજ્યા હતા.

પોલીસકર્મીની બાઈકને ટક્કર મારતાં મોત

અકસ્માતનો ચોથો બનાવ લીંબડી-અમદાવાદ હાઈવે પર ચોરણીયા ગામના પાટીયા પાસે સર્જાયો હતો. અહીં ઈકો ગાડી બંધ ટ્રક પાછળ અથડાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે 3 લોકોને ઈજાઓ પહોંચી હતી. જ્યારે પાંચમો બનાવ મહેમદાવાદના વિરોલ પાસે બન્યો હતો. અજાણ્યા બાઈકે પોલીસકર્મીની બાઈકને ટક્કર મારતાં ઈશ્વરભાઈ પરમારનું મોત નિપજ્યું હતું. જ્યારે છઠ્ઠો બનાવ રાજકોટ-ભાવનગર હાઈવે પર અમરેલીના લાઠીથી ઢસા વચ્ચે બે ખાનગી બસો વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં 10 લોકોને ઈજાઓ પહોંચી હતી. જ્યારે સાતમો બનાવ દાહોદના નસીરપુર ગામ હાઈવે પર સર્જાયો હતો. અહીં આઈશર, પિકઅપ વાન અને રીક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જો કે, કોઈપણ વ્યક્તિનું મોત નિપજ્યું ન હતું.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી