મુસાફરી થશે સુરક્ષિત : ભારતની ટ્રેનો 4G-5G પર દોડશે…

કેન્દ્રીય મંત્રીમંડળે રેલવેને 5 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ ફાળવણીની મંજૂરી આપી

ચાલો ફરવા જઈએ ટ્રેનમાં ….મુસાફરી કરવી કોને ન ગમે..? એ પણ જો ટ્રેનમાં હોય તો મજા જ આવી જાય .ટ્રેનમાં મુસાફરી કરવી એ ઘણો જ આહલાદક અનુભવ છે .હવે ટ્રેન મુસાફરી પહેલા કરતા વધુ સુરક્ષિત અને સારી પણ થઈ જશે .

દેશના કેન્દ્રીય મંત્રીમંડળે રેલવેને 700 મેગાહર્ટઝ બેન્ડમાં 5 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ ફાળવણીની મંજૂરી આપી દીધી છે. ખુદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરી. તેમણે આ જાહેરાત કરતા કહ્યું કે, તેનાથી રેલવેને મુસાફરોની સુરક્ષામાં સુધારો કરવામાં મદદ મળશે. આવો જાણીએ આ સ્પેક્ટ્રમથી રેલવેને એવું શું મળશે કે જેથી મુસાફરોની સુરક્ષામાં સુધારો થશે?

મળતી માહિતી મુજબ , હવે ભારતની ટ્રેનો 4G પર દોડશે. જોકે, રેલવેને જે સ્પેક્ટ્રમ મળ્યું છે, તેના પર તે 4G અને 5G બંને નેટવર્ક ડેવલપ કરી શકે છે, પરંતુ હાલ પુરતું રેલવે 4G પર કામ કરશે. હાલમાં રેલવે પાસે માત્ર 2G સ્પેક્ટ્રમ જ છે, જેના કારણે સિગ્નલિંગ અને કોમ્યુનિકેશનમાં ઘણી વખત સમસ્યા થાય છે. આ સ્પેક્ટ્રમની સાથે ભારતીય રેલવે પોતાના માર્ગ પર ‘એલટીઈ’ આધારિત મોબાઈલ ટ્રેન રેડિયો કોમ્યુનિકેશન આપી શકશે. રેલવે હાલમાં પોતાના કોમ્યુનિકેશન નેટવર્ક માટે ઓપ્ટિકલ ફાઈબર પર નિર્ભર છે, પરંતુ નવા સ્પેક્ટ્રમની ફાળવણી બાદ તે વધુ ઝડપવાળા રેડિયોનો ઉપયોગ કરી શકશે. 2G અને 4Gમાં કેટલો ફરક છે, તેનો અનુભવ હાલમાં આખો દેશ કરી રહ્યો છે. તો અંદાજ લગાવી શકાય છે કે, રેલવેને 4G સ્પેક્ટ્રમ મળવાનો નિર્ણય કેટલો મોટો છે.

નોંધનીય છે કે ,હાલમાં 2G સ્પેક્ટ્રમમાં સિગ્નલિંગ નેટવર્કમાં ઘણી વખત મોડું થઈ જાય છે. 4G આવ્યા બાદ રેલવેમાં આ મુશ્કેલી દૂર થઈ જશે. સિગ્નલિંગ વધુ સારું થવાથી બે ટ્રેનોની વચ્ચે થતા અકસ્માતને રોકતી ટેકનોલોજી વધુ સારી રીતે કામ કરી શકશે. આ સ્પેક્ટ્રમને પગલે ટ્રેન મુસાફરી પહેલા કરતા વધુ સુરક્ષિત પણ થઈ જશે અને વધુ સારી પણ.

સૂત્રો અનુસાર ,ભારતીય રેલવેના એલટીઈનો હેતુ ઓપરેશનલ,સુરક્ષા વગેરે માટે સુરક્ષિત અને વિશ્વાસપાત્ર અવાજ, વીડિયો અને આંકડા સંબંધી કોમ્યુનિકેશન સેવાઓ પૂરી પાડવાનો છે. હાલની 2G વ્યવસ્થામાં રેડિયો કોમ્યુનિકેશન પણ ઝડપથી નથી થઈ શકતું. સાથે જ રેડિયો પર અવાજ પણ સ્પષ્ટ નથી આવતો. તેનાથી ઈન્ટરનેટ ઓફ થિંગ્સને પણ મજબૂતી મળશે, જેથી કોચ, વેગન અને એન્જિનનું મોનિટરિંગ સરળ થઈ જશે. રેલવેના બધા કોચમાં લાગેલા સીસીટીવી કેમેરાનું લાઈફ ફીડ પણ સરળતાથી મળી શકશે. જેના કારણે સુરક્ષા વધશે અને ટ્રેન ઓપરેશનમાં પણ મદદ મળશે.

વધુમાં ,એક સરકારી પ્રવક્તાએ ટ્વીટ કર્યું કે, ‘કેબિનેટે ભારતીય રેલવેને સ્ટેશનો અને ટ્રેનોમાં સુરક્ષા અને સુરક્ષા સેવાઓ માટે 700 મેગાહર્ટઝ બેન્ડમાં પાંચ મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ ફાળવણીને મંજૂરી આપી, તેમાં અંદાજિત 25,000 કરોડ રૂપિયાથી વધુ રોકાણ છે, આ ઓપરેશન આગામી પાંચ વર્ષમાં પુરું થશે.’

 43 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર