વડોદરા : સેન્ટ્રલ GSTના બે અધિકારી 2.50 લાખની લાંચ લેતા ઝડપાયા

કંપનીને સીલ નહીં મારવા માટે માંગી હતી 10 લાખની લાંચ

વડોદરા સેન્ટ્રલ GST વિભાગના બે અધિકારી 2.50 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા છે. કંપનીને સિલ નહીં કરવા સોફ્ટ ડ્રિન્ક અને નમકીનના વેપારી પાસે રૂ.10 લાખની લાંચ માંગી હતી.

હાલોલના બાસકામાં આવેલ ફ્લોર એન્ડ ફૂડ ફેકટરીમાં CGST ટીમે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. વડોદરા કચેરીએ હાજર રહેવા સમન્સ આપી ફેકટરીને સીલ નહીં મારવા માટે રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી. સુપ્રિન્ટેન્ડન્ટ નીતિન ગૌતમે ફેકટરી સંચાલકને રૂપિયા અઢી લાખની લાંચની રકમ ઇન્સ્પેકટર શિવરાજ મીનાને આપવા કહ્યું હતું. શિવરાજ મીનાએ અઢી લાખ સ્વીકારતા જ પંચમહાલ ACB એ ઝડપી પાડ્યા હતા. CGST વડોદરા કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ નીતિન ગૌતમ અને ઇન્સ્પેક્ટર શિવરાજ મીનાની ACBએ અટકાયત કરી છે.

આ કામના ફરીયાદી હાલોલ તાલુકાના બાસ્કા ગામે જય કુબેર ફ્લોર એન્ડ ફુડ પ્રોડક્ટ્સ પ્રા.લી. ધરાવી તેમાં પાણી, સોફ્ટ ડ્રીંક્સ અને નમકીનના ઉત્પાદન અને વેચાણનો ધંધો કરતા હોય આરોપી નિતીનકુમાર રામસીંગ ગૌતમ તથા સી.જી.એસ.ટી.ના બીજા કર્મચારી શિવરાજ સત્યનારાયણ મીણાએ તા.૧૫.૦૬.૨૦૨૧ના રોજ ફરીયાદીની ફેકટરીમાં સર્ચ અને પંચનામુ કરી ફરીયાદીને તા.૨૨.૦૬.૨૦૨૧ના રોજ વડોદરા કચેરીએ હાજર રહેવા સમન્સ આપી આક્ષેપિત નં.(૧) નાએ ફરીયાદીને  રૂપિયા આપશો તો વાત બનશે તેમ કહી કંપનીને સીલ નહી મારવાના કામે રૂપિયા દસ લાખની માંગણી કરી જે તે સમયે રૂપિયા પચાસ હજાર લઈ લીધેલ અને બાકી રહેલ રૂપિયાની અવાર-નવાર માંગણી કરતા ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ આપેલ ફરીયાદ આધારે આજરોજ વડોદરા મુકામે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત નં.(૧) નાઓએ ફરીયાદી સાથે વાતચીત કરી આક્ષેપિત નં.(૨)ને લાંચના નાણાં આપી દેવા જણાવતાં ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત નં.(૨)નાએ ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૨,૫૦,૦૦૦/- સ્વીકારી ઝડપાઈ જઈ બન્ને આક્ષેપિતોએ એકબીજાનાં મેળાપીપળામાં રહી ગુનો આચરેલ હોય તેઓ બન્ને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

 17 ,  1