જુદા જુદા વિસ્તારમાંથી 20 જગ્યાએ ગેસના બાટલા ચોરનાર બે ઝડપાયા

31 ગેસના બાટલા અને રીક્ષા સહિત 1.02 લાખનો મુદ્દામાલ જપ્ત

શહેરના જુદા જુદા વિસ્તારમાંથી 20 જગ્યાએ ગેસના બાટલાની ચોરી કરનાર બે આરોપીઓને રામોલ પોલીસે ઝડપી લીધા છે. પોલીસે બન્ને આરોપીઓ પાસેથી 31 ગેસના બાટલા અને ઓટો રીક્ષા સહિત 1.02 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસને એવી પણ આ શંકા છે કે, આરોપીઓ સાથે અન્ય લોકો પણ સંડોવાયેલા છે.

રામોલ પોલીસ ગઇકાલે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ગેસના બાટલા ચોરનાર તેમના વિસ્તારમાં આવવાના છે. જેથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. ત્યારે ત્યાંથી રીક્ષામાં ગુરૂનાથ ઉર્ફે રાજુ રામચંન્દ્ર પાટલી અને વિક્રમ રમણભાઇ પટલણી પસાર થયા હતા. પોલીસે રીક્ષા અટકાવતા તેમાંથી 4 ગેસના બોટલ મળી આવ્યા હતા. ત્યારબાદ બન્નેની પોલીસે પુચ્છા કરતા જવાબ આપવામાં ગલ્લાં તલ્લાં કરતા હતા. જેથી પોલીસ બન્ને આરોપીઓને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.

જ્યાં કડકાઇથી પુછપરછ કરતા બન્નેએ જણાવ્યું હતું કે, તેઓ રોજ રાત્રે શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરતા હતા અને જે મકાનની દીવાલ નાની હોય તે દિવાલ કુદી અંદર પ્રવેશ કરતા હતા અને બહાર પડેલા બાટલા ચોરી કરી વેચી દેતા હતા. તેમણે 20 મકાનોમાં 31 ગેસના બાટલા ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી.

જેથી પોલીસે તપાસ કરી 31 બાટલા પણ જપ્ત કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ સામે રામોલમાં 10 ગુના અને કૃષ્ણનગરમાં 3 ગુના નોંધાયેલા છે. જ્યારે બીજા નહીં નોંધાયેલા મામલે પણ તપાસ ચાલી રહી છે અને હવે નવા ગુના નોંધવામાં આવશે.

 12 ,  1