ગાંધીધામ : ગળપાદર જેલના જેલર સહિત બે લોકો સવા લાખની લાંચ લેતાં ઝડપાયા

અમદાવાદ એસીબીના છટકામાં સપડાયા, આરોપીને સુવિધા આપવાનો આરોપ

ગાંધીધામની ગળપાદર જેલમાં બંધ એવા માજી ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળી હત્યા કેસના એક આરોપીને જેલમાં સુવિધા આપવાના બદલામાં રૂપિયા 1.32 લાખની લાંચ લેતા એક અધિકારી સહિત બે જણા આબાદ ઝડપાઈ ગયાની વિગતો પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગળપાદર જેલમાં ગઇકાલે સાંજે અમદાવાદ એસીબી ટીમે દરોડો પાડી જેલમાં બંધ એક આરોપીને સુવિધા આપવાના બદલામાં રૂ.1.32 લાખની લાંચ લેતા એક જેલર સહિત બે જણાને એસીબી ટીમે ઝડપી લીધા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગળપાદર જેલમાં બંધ જયંતિ ભાનુશાળી હત્યા કેસના એક આરોપીને સુવિધા આપવા માટે સેટિંગ ગોઠવાયું હતું અને આ સેટિંગ પેટે લાંચ મંગાઈ હતી આ અંગે અમદાવાદ ખાતે ફરિયાદ થયા બાદ એસીબી અમદાવાદ ટીમે છટકું ગોઠવ્યું હતું અને તેમાં રૂપિયા સવા લાખની લાંચ લેતા જેલર મનુભા નારણજી જાડેજા તેમજ સબ જેલર મહેબુબખાન જીવાભાઇ ચૌહાણ રંગે હાથ પકડી પાડવામાં આવ્યા છે. આ અંગેની વિગતો બહાર આવતા ફરી એક વખત કચ્છમાં જયંતિ ભાનુશાળી હત્યા કેસને લઈને કાયદાના રક્ષકોમાં ખળભળાટ મચી ગયો છે. નોંધનીય છે કે જયંતિ ભાનુશાળી હત્યા કેસના આરોપીઓને ગળપાદર જેલમાં રખાયા છે જ્યાં કેટલાક આરોપીઓને જેલમાં તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવતી હોવાની ચર્ચા વચ્ચે આ દરોડાએ હકીકતને સમર્થન આપ્યું છે.

ગુનાની ટૂંક વિગત – આ કામમાં હકીકત એવી છે કે, ફરીયાદીશ્રીના પિતા તથા અન્ય આરોપીઓને જેલમાં હેરાનગતિ ન કરવા તથા હાઇસીક્યુરીટીમાં નહી મુકવા માટે આરોપી નં. 1 તથા આરોપી નં. 2 નાએ ફરીયાદીના સાહેદો પાસેથી લાંચ પેટે કુલ રૂ.1,32,000/- ની માંગણી કરતા હોય ફરીયાદી તથા સાહેદનાઓ આ લાંચના નાણાં આપવા માંગતા ના હોય ફરીયાદી ફરીયાદ આધારે બે સરકારી પંચો સાથે રાખી ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન ફરીયાદીના સાહેદો પાસેથી આરોપી નંબર (1) નાઓએ રૂ 1,00,000 – સ્વીકારી તેમજ આરોપી નંબર (2) નાઓએ કુલ રૂ. 7,000/- તથા આરોપી નંબર (1) વતી રૂ.25,000/- એમ કુલ રૂ.32,000/- સ્વીકારી બન્ને આરોપીઓએ એક બીજાના મેળાપીપણાથી પંચો રૂબરૂમાં લાંચની કુલ રકમ રૂ.1,32,000/- સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે.

ટ્રેપ કરનાર અધિકારી – એમ.વી.પટેલ, પોલીસ ઇન્‍સ્‍પેકટર, ફિલ્ડ (ઇન્ટે.) એ.સી.બી ગુ.રા.અમદાવાદ તથા ટીમ.

સુપરવિઝન અધિકારી – એન.ડી.ચૌહાણ, મદદનીશ નિયામક, એ.સી.બી.ફિલ્ડ-૩, (ઇન્ટે.) ગુ.રા.અમદાવાદ

તો એક એવી પણ વાત બહાર આવી છે કે આ આરોપીઓ પૈકી એક આરોપી શરૂઆતથી જ એક અધિકારી સાથે મિત્રતા કેળવીને તેમને દર મહિને સેક્સન પૂરું પાડી સુવિધાઓ લેતો હતો પરંતુ સંબંધિત આરોપી અને સંબંધિત જેલ અધિકારી વચ્ચે કોઈ બાબતે વિવાદ થતાં આ મામલો એસીબી સુધી પહોંચ્યા બાદ સવા લાખમાં સેટિંગ કરવાનું નક્કી કરીને સંબંધિત અધિકારીની કારકિર્દી પૂરી કરી જેલમાં બંધ હોવા છતાં પણ પોતાની તાકાત કેટલી છે તે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ થયો હોવાનું મનાય છે.
 

 84 ,  6 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર