કલોલમાં ચેઈન સ્નેચિંગ ગુનાને અંજામ આપતા બે બદમાશો ઝડપાયા

 ગાંધીનગર LCBએ 15 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 20 ગુનાઓનો ઉકેલ્યો ભેદ

અમદાવાદ અને ગાંધીનગરમાં ચેઈન સ્નેચિંગ કરતા બે શખ્સોને ગાંધીનગર LCBએ ઝડપી પાડ્યા છે. બન્ને ચોરો નંબર પ્લેટ વગરની બાઇક સાથે ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. ધરપકડ બાદ આરોપીઓની પૂછપરછ કરતા 20 ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ચેઈન સ્નેચર પાસેથી 17 સોનાની ચેઈન, મંગળસૂત્રો તથા ચોરીમાં વપરાતું બાઈક સહિત કુલ 15.50 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર LCBને મળેલી ચોક્કસ બાતમીને આધારે આધારે કલોલ સ્ટેશન રોડ તરફ નંબર પ્લેટ વગરની બાઈક પર જતાં બે શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતા બંને સલાઉદ્દીન સરકુદ્દીન સૈયદ (રહે. શાહપુર, અમદાવાદ) અને મઝહર અકબરભાઈ વોરા (રહે. શાહપુર, અમદાવાદ) હોવાનું સામે આવ્યું હતું. બંનેની ધરપકડ બાદ તપાસ કરતા બાઈક પર એક સફેદ કલરની પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી, જેમાં તપાસ કરતા સોનાની 17 ચેઈન તથા મંગળસૂત્ર મળી આવ્યા હતા.

આ અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા પોલીસે કડક પૂછપરછ શરૂ કરતાં બંને ભાંગી પડ્યા હતા અને તેઓએ સાથે મળીને બાઈક ઉપર રસ્તામાં આવતી જતી મહિલા તથા પુરુષોને ટાર્ગેટ કરીને ચેઈન સ્નેચિંગના ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બંને શખ્સોએ અમદાવાદ શહેરમાં-10, અમદાવાદ ગ્રામ્યમાં 6 અને ગાંધીનગર જિલ્લામાં 4 સ્નેચિંગને અંજામ આપ્યો છે. 

આવતા-જતા રાહદારીઓને ટાર્ગેટ કરતા

પોલીસ પૂછપરછમાં બંનેએ 20 ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં પાલડી, કલોલ, ઘુમા, ઓઢવ, વસ્ત્રાપુર, રાણીપ, આનંદનગર, તપોવન સર્કલ, ઘુમા, રાણીપ, વાડજ, નારોલ, સાઉથ બોપલ, કલોલ, બોપલ, ચાંદખેડા, સોલા, કલોલ, ગોતા અને સોલામાં રસ્તામાં આવતા-જતા રાહદારીઓને ટાર્ગેટ કરતા હોવાનું સામે આવ્યું છે. આ અંગે સંબંધિત પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુના પણ નોંધાયા છે. મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો બંને બાઈક પર રાહદારીઓની નજીક જઈને ગળામાં પહેરેલ સોનાની ચોઈન તોડીને ભાગી જતાં હતા.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી